પ્રાકૃતિક ખેતી જ ભારતનું ભવિષ્ય – રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
Publish Date : 29/12/2025
રાસાયણિક ખેતી છોડી, દેશી ગાય આધારિત કૃષિ અપનાવવા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીનો અનુરોધ
:: રાજ્યપાલશ્રી ::
‘રાષ્ટ્ર પ્રથમ’ના ભાવ સાથે પ્રાકૃતિક કૃષિના પવિત્ર મિશનમાં જોડાઈએ
પશુ-પક્ષીઓ કે અન્ય જીવજંતુઓ નહીં, પરંતુ ફક્ત સમજદાર મનુષ્ય-સમાજ જ પ્રકૃતિના પ્રદૂષણ માટે જવાબદાર
પ્રાકૃતિક કૃષિ પર્યાવરણ, પાણી, ધરતી માતા, ગૌ માતા, લોકોનું સ્વાસ્થ્ય અને ખેડૂતની આવક જેવા અનેક કાર્યો કરે છે
કૃષિ એક વ્યવસાય માત્ર નથી પરંતુ સેવા છે, જે ભારતની અર્થવ્યવસ્થાનો આધારસ્તંભ છે
– કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી
આણંદ કૃષિ યુનિવર્સિટીનો ૨૨મો પદવીદાન સમારોહ યોજાયો
આણંદ, સોમવાર: આણંદ કૃષિ યુનિવર્સિટીનો ૨૨મો પદવીદાન સમારોહ રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને તથા કૃષિ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી અને પદ્મશ્રી ડો. જે. એમ. વ્યાસની ગરીમામય ઉપસ્થિતિમાં યોજાયો હતો.
આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ વૈશ્વિક સ્તરે ગ્લોબલ વોર્મિંગની ગંભીર સમસ્યાનો ઉલ્લેખ કરતાં ભારપૂર્વક જણાવ્યું કે, નાની બીમારીઓનો ઈલાજ મળે છે, પરંતુ પર્યાવરણ પર જ્યારે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ કે સમુદ્રી તોફાન જેવા મોટા સંકટો આવે છે, ત્યારે માણસ પાસે તેનો કોઈ ઈલાજ હોતો નથી. તેમણે સ્પષ્ટ કર્યું કે આ બધી કુદરતી આપદાઓનું મૂળ કારણ મનુષ્ય સમાજ છે, જેણે આ પ્રકૃતિનું સંતુલન બગાડ્યું છે, પશુ-પક્ષીઓ કે અન્ય જીવજંતુઓ નહીં, પરંતુ ફક્ત સમજદાર મનુષ્ય-સમાજ જ પ્રકૃતિના પ્રદૂષણ માટે જવાબદાર છે.
રાજ્યપાલશ્રીએ પર્યાવરણ બગડવા પાછળ એક મોટું કારણ આપણી રાસાયણિક ખેતી છે, તેમ જણાવી હરિત ક્રાંતિની જરૂરિયાતને સ્વીકારી યાદ અપાવ્યું કે, હરિત ક્રાંતિ શરૂ કરનાર ડૉ. સ્વામીનાથને સ્પષ્ટ લખ્યું હતું કે, રાસાયણિક ખેતી કરતી વખતે પોતાની પરંપરાગત કૃષિને છોડવી નહીં. તેમણે ખેદ વ્યક્ત કર્યો કે આ સલાહ ન માનવાના કારણે ખેડૂતો યુરિયા-ડીએપી ઉપર એકતરફી નિર્ભર થઈ ગયા, જેના કારણે દેશભરની જમીનનું સંતુલન ખોરવાઈ ગયું છે.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતએ જણાવ્યું હતું કે, યુરિયા-ડીએપીના અતિશય ઉપયોગને કારણે દેશની જમીનનો ઓર્ગેનિક કાર્બન જે પહેલા ૨ થી ૨.૫% હતો, તે ઘટીને આજે ૦.૨ થી ૦.૪% સુધી પહોંચી ગયો છે. જે જમીનનો ઓર્ગેનિક કાર્બન ૦.૫% થી નીચે હોય, તે જમીન બંજર બની ગઈ હોય છે. યુએનઓ (UNO)ના રિપોર્ટનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, હાલમાં ખેતીનું ઉત્પાદન ૧૦% ઘટી ગયું છે, અને જો જમીનનો ઓર્ગેનિક કાર્બન ઘટશે તો ઉત્પાદન ઘટશે જ, જેના કારણે ખર્ચ વધશે અને પાકની ગુણવત્તા પણ ઘટશે.
રાજ્યપાલશ્રીએ રાસાયણિક ખેતીના માનવના સ્વાસ્થ્ય અને પર્યાવરણ ઉપર થઈ રહેલા ગંભીર પરિણામોનો ઉલ્લેખ કરતાં કહયું હતુ કે, ખેતરમાં વપરાતું યુરિયા-ડીએપી જમીન અને પાણીમાં ભળે છે. તેમણે જણાવ્યું કે નાઇટ્રોજન જ્યારે ઓક્સિજનના સંપર્કમાં આવે છે, ત્યારે બનતો નાઇટ્રસ ઓક્સાઇડ એ કાર્બન ડાયોક્સાઇડ કરતાં ૩૧૨ ગણો ખતરનાક છે. આજે મનુષ્યમાં કેન્સર, હાર્ટ એટેક, ડાયાબિટીસ જેવી બીમારીઓએ ભરડો લીધો છે. વર્તમાન સમસ્યાનો ઉકેલ પ્રાકૃતિક ખેતી છે, જે જૈવિક ખેતી કરતાં અલગ છે.
રાજ્યપાલશ્રીએ યુવા સ્નાતકોને અપીલ કરતાં કહયું હતુ કે, યુવા સ્નાતકો રાસાયણિક ખેતીનો પ્રચાર ન કરે, પરંતુ પ્રાકૃતિક ખેતી પર સંશોધન કરીને સત્યને જાણીને આગળ વધે. તેમણે આ મિશનને માનવતાની સૌથી મોટી સેવા ગણાવી, જે એક સાથે પર્યાવરણ, પાણી, ધરતી માતા, ગૌ માતા, લોકોનું સ્વાસ્થ્ય અને ખેડૂતની આવક જેવા અનેક કાર્યો કરે છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, આણંદ કૃષિ યુનિવર્સિટી આ મિશનમાં દેશનું નેતૃત્વ કરશે. તેમણે સૌને ‘રાષ્ટ્ર પ્રથમ’ના ભાવ સાથે આ પવિત્ર મિશન માટે રિસર્ચ અને ઇનોવેશન કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતાં.
આ પ્રસંગે કૃષિ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, ભારત વિશ્વનો સૌથી યુવાન દેશ છે અને આ યુવાશક્તિ જ રાષ્ટ્રના નિર્માણનો મુખ્ય આધારસ્તંભ છે. તેમણે વિદ્યાર્થીઓને માત્ર ડિગ્રી મેળવવા પૂરતું સીમિત ન રહેતા, ખેતીને પરંપરાગત પદ્ધતિઓમાંથી બહાર લાવી આધુનિક ટેકનોલોજી, ડેટા એનાલિસિસ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સાથે જોડવા આહવાન કર્યું હતું. ખેતી હવે માત્ર મજૂરી નથી પણ એક વિજ્ઞાન અને ઈનોવેશન છે, જેમાં એગ્રી સ્ટાર્ટ અપ અને ફૂડ પ્રોસેસિંગ જેવા ક્ષેત્રોમાં અપાર સંભાવનાઓ રહેલી છે.
સરકારની માળખાગત સુવિધાઓ અને યુનિવર્સિટી દ્વારા ખેડૂત માટે કરવામાં આવેલા પ્રયાસોની પ્રશંસા કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્યપાલશ્રીના વરદહસ્તે આણંદ કૃષિ યુનિવર્સિટીના બે નવા આયામોનું લોકાર્પણ કરાયુ છે. નવા આયામોમાં અદ્યતન સુવિધાઓ જેવી કે ડ્રોન ટેકનોલોજી, રીમોટ સેન્સીંગ અને ક્લાઈમેટ ચેન્જ સામે લડવામાં ખૂબ જ મદદરૂપ થશે. ગુજરાત સરકાર પણ કૃષિ શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે સીટોમાં વધારો, નવી કોલેજોની સ્થાપના અને શોધ જેવી યોજનાઓ દ્વારા પીએચ.ડી.ના વિદ્યાર્થીઓને આર્થિક સહાય પૂરી પાડી રહી છે.
પ્રાકૃતિક કૃષિના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના મિશનની પ્રશંસા કરી કૃષિ મંત્રીશ્રીએ પ્રાકૃતિક ખેતીના મહત્વ પર ભાર મુક્યો હતો. તેમણે ઉમેર્યું કે, કૃષિ એક વ્યવસાય માત્ર નથી પરંતુ સેવા છે, જે ભારતની અર્થવ્યવસ્થાનો આધારસ્તંભ છે. ભારતના જીડીપીમાં કૃષિ ક્ષેત્રનો ૧૮ થી ૧૯ ટકા હિસ્સો છે જે અર્થતંત્રને સ્થિર રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. કૃષિ ક્ષેત્ર દેશના લગભગ ૪૦ ટકા જેટલા શ્રમિકોને રોજગાર આપે છે, તેમ તેમણે સગૌરવ જણાવ્યું હતું.
મંત્રીશ્રીએ પોસ્ટ-હાર્વેસ્ટ ટેકનોલોજી દ્વારા કૃષિ ઉત્પાદનોનું મૂલ્યવર્ધન કરવા પર ભાર મૂક્યો હતો. કૃષિ એક વ્યવસાય માત્ર નથી, પણ સેવા છે. તેમ જણાવી તેમણે વિદ્યાર્થીઓને તેમનું જ્ઞાન ખેડૂતોના ખેતર સુધી, ગામના વિકાસ સુધી અને દેશની ખાદ્ય સુરક્ષા માટે ઉપયોગી થાય તે માટે કાર્ય કરવા અનુરોધ કર્યો હતો.
નેશનલ ફોરેન્સીક સાયન્સ યુનિવર્સીટીના કુલપતી પદ્મશ્રી ડૉ. જે. એમ. વ્યાસે દિક્ષાંત પ્રવચન આપતાં જણાવ્યું હતું કે, દરેક વ્યક્તિ જન્મથી અજ્ઞાની હોય છે અને જન્મ પછીનું એકમાત્ર લક્ષ્ય જ્ઞાન પ્રાપ્ત કરવું હોય છે. માતા બાળકને જ્ઞાન આપનાર પ્રથમ ગુરુ બને છે, અને ધીમે ધીમે બાળક જ્ઞાન મેળવવાનું શરૂ કરે છે. જેમ અંધકારની સરખામણી અજ્ઞાન સાથે કરવામાં આવે છે અને જ્ઞાનની સરખામણી તેજ સાથે કરવામાં આવે છે, તેમ જ્ઞાનની શોધ એ દરેક વ્યક્તિનો હેતુ છે. આપણા શાસ્ત્રો પણ કહે છે કે “અમૃતમ” (મોક્ષ/મુક્તિ) જ્ઞાન દ્વારા પ્રાપ્ત થાય. આ ‘અમૃતમ’ જ જીવનનું અંતિમ લક્ષ્ય છે. કૃષિ વિજ્ઞાન જેવા મહત્વના ક્ષેત્રમાં ગ્રેજ્યુએટ થઈને પોસ્ટ-ગ્રેજ્યુએટ થવું એ આ અંતિમ લક્ષ્યની શરૂઆત છે.
ડૉ. વ્યાસે ભારપૂર્વક જણાવ્યું કે, મનુષ્યો અન્ય જીવોથી અલગ છે કારણ કે આપણને મન અને બુદ્ધિ આપવામાં આવ્યા છે, જે આપણને પસંદગી કરવાની સ્વતંત્રતા આપે છે. સાચી પસંદગી કરવા માટે પરિપક્વ બુદ્ધિ જરૂરી છે. વિદ્યાર્થીઓએ કૃષિ વિજ્ઞાનનો અભ્યાસ કરવાની જે પસંદગી કરી છે તે યોગ્ય છે, કારણ કે આ ક્ષેત્રનો દેશની અર્થવ્યવસ્થામાં બે તૃતીયાંશ જેટલો ફાળો રહેલો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે દેશને વધુને વધુ કૃષિ નિષ્ણાતોની જરૂર છે, ખાસ કરીને પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વિના શ્રેષ્ઠ પાક મેળવવા માટે પ્રાકૃતિક ખેતી અને સંશોધન મહત્વપૂર્ણ છે. ડૉ. વ્યાસે વિદ્યાર્થીઓને તેમનું લક્ષ્ય નક્કી કરવા અને તેને પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરવા માટે શુભેચ્છા પાઠવી હતી.
આ સમારંભના પ્રારંભમાં આણંદ કૃષિ યુનિવર્સીટીના કુલપતિશ્રી ડૉ. કે.બી.કથીરીયાએ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરીને કૃષિ યુનિર્વસીટીની પ્રગતિનો અહેવાલ રજૂ કર્યો હતો.
દિક્ષાંત મહોત્સવના પ્રારંભે રાજ્યપાલશ્રીએ આણંદ કૃષિ યુનિર્વસીટી પરીસરમાં રૂપિયા ૪.૦૭ કરોડના ખર્ચે નિર્માણ પામેલ સેન્ટર ફોર પ્રિસિઝન ફાર્મિંગ સિસ્ટમ, અને રૂપિયા ૪.૧૦ કરોડના ખર્ચે બનાવવામાં આવેલ ડિપાર્ટમેન્ટ ઓફ બેઝિક સાયન્સ એન્ડ હુમેનેટીઝ વિભાગના નવા બિલ્ડિંગ તથા સેન્ટર ફોર ક્લાઈમેટ સ્માર્ટ માઇક્રો બિયલ ટેક્નોલોજી એન્ડ જીએચજી મોનીટરીંગના નવા બિલ્ડિંગનું તકતી અનાવરણ દ્વારા ઉદ્દઘાટન કર્યું હતુ.
આ તકે રાજ્યપાલશ્રીએ આણંદ કૃષિ યુનિવર્સિટી તથા આત્માના સહયોગથી બોરસદ ચોકડી સ્થિત કૃષિ તજજ્ઞતા માહિતી કેન્દ્રના પ્રાંગણમાં પ્રાકૃતિક ખેત પેદાશોનું વેચાણ કેન્દ્રનું ઉદ્દઘાટન કરી પ્રાકૃતિક ખેત પેદાશોના વેંચાણ માટે આવેલા ખેડૂતો સાથે વાર્તાલાપ કર્યો હતો.
રાજ્યપાલશ્રી દિક્ષાંત સમારંભમાં અંતે આણંદ કૃષિ યુનિવર્સિટીના એગ્રીનોમી ફાર્મની મુલાકાત લઈ પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી વાવેતર કરેલ વિવિધ પાકોની વિસ્તૃત જાણકારી મેળવી હતી.
આણંદ કૃષિ યુનિવર્સિટીના ૨૨મા વાર્ષિક પદવીદાન સમારંભમાં રાજ્યપાલશ્રી તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ૩૮૭ વિદ્યાર્થીઓને સ્નાતક અને ૨૦૨ અનુસ્નાતકમાં વિવિધ વિષયોમાં ડિગ્રી એનાયત કરાઈ હતી. આ ઉપરાંત શ્રેષ્ઠ શિક્ષક, શ્રેષ્ઠ સંશોધન કરનારને એવોર્ડ્સ તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓને મેડલ્સ અને ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ૧૩ ગોલ્ડ મેડલ્સ, ૭૭ ગોલ્ડ પ્લેટેડ સિલ્વર મેડલ્સ, ૬ કેશ પ્રાઇઝ તેમજ પ્રત્યેક ફેકલ્ટી માટે ૩ ચાન્સલર ગોલ્ડ અને ૫ વાયસ ચાન્સલર ગોલ્ડ મેડલ્સ એનાયત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે જીલ્લા પંચાયત પ્રમુખશ્રી હસમુખભાઈ પટેલ, સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ, આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ, જિલ્લા અગ્રણી સંજયભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ગૌરવ જસાણી સહિત કૃષિ યુનિવર્સિટી અધ્યાપકો તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

પ્રાકૃતિક ખેતી જ ભારતનું ભવિષ્ય – રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

પ્રાકૃતિક ખેતી જ ભારતનું ભવિષ્ય – રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

પ્રાકૃતિક ખેતી જ ભારતનું ભવિષ્ય – રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

પ્રાકૃતિક ખેતી જ ભારતનું ભવિષ્ય – રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

પ્રાકૃતિક ખેતી જ ભારતનું ભવિષ્ય – રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

પ્રાકૃતિક ખેતી જ ભારતનું ભવિષ્ય – રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

પ્રાકૃતિક ખેતી જ ભારતનું ભવિષ્ય – રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

પ્રાકૃતિક ખેતી જ ભારતનું ભવિષ્ય – રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

પ્રાકૃતિક ખેતી જ ભારતનું ભવિષ્ય – રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

પ્રાકૃતિક ખેતી જ ભારતનું ભવિષ્ય – રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

પ્રાકૃતિક ખેતી જ ભારતનું ભવિષ્ય – રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

પ્રાકૃતિક ખેતી જ ભારતનું ભવિષ્ય – રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

પ્રાકૃતિક ખેતી જ ભારતનું ભવિષ્ય – રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

પ્રાકૃતિક ખેતી જ ભારતનું ભવિષ્ય – રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

પ્રાકૃતિક ખેતી જ ભારતનું ભવિષ્ય – રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

પ્રાકૃતિક ખેતી જ ભારતનું ભવિષ્ય – રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

પ્રાકૃતિક ખેતી જ ભારતનું ભવિષ્ય – રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

પ્રાકૃતિક ખેતી જ ભારતનું ભવિષ્ય – રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

પ્રાકૃતિક ખેતી જ ભારતનું ભવિષ્ય – રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

પ્રાકૃતિક ખેતી જ ભારતનું ભવિષ્ય – રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી