આણંદ જિલ્લામાં ૯૯૮ જેટલા બાળકો પાલક માતા પિતા સહાયનો મેળવી રહ્યા છે લાભ
Publish Date : 29/12/2025
આણંદ, શુક્રવાર: સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગુજરાત સરકાર દ્વારા અનાથ બાળકો માટે પાલક માતા-પિતા યોજના અમલમાં છે. આ યોજના અંતર્ગત જે બાળકોના માતા-પિતા બંને અવસાન પામેલ હોય અથવા પિતા મૃત્યુ પામેલ હોય અને માતાએ અન્ય પુનઃ લગ્ન કરેલ હોય અથવા માતા મૃત્યુ પામેલ હોય અને પિતાએ અન્ય પુનઃ લગ્ન કરેલ હોય તેવા અનાથ થયેલ બાળકોને પોતાના નજીકના સગા સંબંધી ભણાવતા અને પાલન પોષણ કરતા હોય તેઓને પાલક માતા-પિતા યોજના અંતર્ગત ૦ થી ૧૮ વર્ષ સુધીના બાળકોને શૈક્ષણિક અને ભરણપોષણ માટે માસિક રૂા.૩૦૦૦/- (અંકે રૂપિયા ત્રણ હજાર)ની સહાય બાળકના બેંક ખાતામાં ડી.બી.ટી. મારફત ચુકવવામાં આવે છે. હાલમાં આણંદ જિલ્લામાં કુલ-૯૯૮ બાળકો આ સહાયનો લાભ મેળવી રહેલ છે.
ઉક્ત વિગતે પાલક માતા-પિતા યોજનાનો લાભ આણંદ જિલ્લાના જરૂરિયાતમંદ વધુમાં વધુ બાળકો મેળવે તે ઈચ્છનીય છે. આ યોજનાનો લાભ મેળવવા માટે ગુજરાત સરકારશ્રીના ઈ-સમાજ કલ્યાણ પોર્ટલની વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.in/ પરથી ફોર્મ મેળવી શકાશે અથવા ઓનલાઈન પણ ફોર્મ ભરી શકાશે.
આ અંગે વધુ માહિતી માટે જિલ્લા બાળસુરક્ષા એકમ, આણંદ જુની કલેક્ટર કચેરી, ગ્રાઉન્ડ ફ્લોર, સર્કીટ હાઉસની બાજુમાં, અમૂલ ડેરી સામે, આણંદ ફોન નં. ૦૨૬૯૨-૨૫૦૯૧૦ નો સંપર્ક કરશે,તેમ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.
ગુજરાત સરકારશ્રીની અનાથ બાળકો માટેની પાલક માતા-પિતા યોજનાનો લાભ મેળવવા બાબત
– 0 થી ૧૮ વર્ષના અનાથ બાળકો કે જેમના માતા-પિતા અવસાન પામેલ છે અથવા
– જે બાળકોના પિતા અવસાન પામેલ છે અને માતાએ બાળકોને ત્યજી પુનઃ લગ્ન કરેલ છે અથવા
– જે બાળકોના માતા અવસાન પામેલ છે અને પિતાએ બાળકોને ત્યજી પુનઃ લગ્ન કરેલ છે તેવા બાળકોને આવરી લેવામાં આવે છે.