મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ
Publish Date : 20/12/2025
આણંદ જિલ્લામાં કુલ કમી થયેલ મતદારો ૨,૩૧,૭૮૦ છે – જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરી
૧૫,૮૦,૫૪૭ મતદારોનો મુસદ્દા મતદારયાદીમાં સમાવેશ
પ્રસિધ્ધ થયેલ મુસદ્દા મતદારયાદી સંબંધે હક્ક-દાવા અને વાંધા અરજીઓ રજુ કરવાના સમયગાળા તા.૧૯/૧૨/૨૦૨૫ થી તા.૧૮/૦૧/૨૦૨૬ રહેશે
તા.૧૭/૦૨/૨૦૨૬ ના રોજ મતદારયાદીની આખરી પ્રસિધ્ધિ કરવામાં આવશે
કોઈપણ મતદારને મતદારયાદી અંતર્ગત કોઈપણ માહિતીની જરૂરીયાત હોય તો હેલ્પલાઈન નંબર ૧૯૫૦ પર ઓફિસ સમય દરમિયાન ફોન કરવા અનુરોધ
voters.eci.gov.in ની સાઇટ ઉપર અથવા voterhelpline application પરથી ઓનલાઇન ફોર્મ નં.૬ અને ૮ (ડીક્લેરેશન ફોર્મ સહિત) અને ફોર્મ નં.૭ ભરી શકે છે
જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ યોજી પત્રકાર પરિષદ
કોઈપણ લાયક મતદાર મતદાર યાદીમાં સમાવેશ થવાથી રહી ન જાય તે માટે ખાસ અનુરોધ કરતા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી
આણંદ, શુક્રવાર: જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ આજે કલેકટર કચેરી આણંદ ખાતે ડ્રાફ્ટ મતદાર યાદી રજૂ કરતા આણંદ જિલ્લાના માધ્યમ કર્મીઓ સાથે વાત કરી હતી. શ્રી પ્રવીણ ચૌધરીએ જણાવ્યું હતું કે
ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હી દ્વારા તા.૨૭/૧૦/૨૦૨૫ ના રોજ ગુજરાત રાજ્યમાં તા.૦૧/૦૧/૨૦૨૬ ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત આણંદ જિલ્લામાં તા.૨૮/૧૦/૨૦૨૫ થી મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.
આણંદ જિલ્લામાં ૧૦૮- ખંભાત, ૧૦૯- બોરસદ, ૧૧૦- આંકલાવ, ૧૧૧- ઉમરેઠ, ૧૧૨- આણંદ, ૧૧૩- પેટલાદ અને ૧૧૪- સોજીત્રા વિધાનસભા મતદાર વિભાગોનો સમાવેશ થાય છે.
આણંદ જિલ્લાના કુલ ૦૭ વિધાનસભા મતદાર વિભાગમાં તા.૨૭/૧૦/૨૦૨૫ની સ્થિતિએ નોંધાયેલ કુલ મતદારો ૧૮,૧૨,૩૨૭ છે.
આ મતદારો માટે ગણતરી ફોર્મનું વિતરણ, ફોર્મ પરત લેવા તથા ડિઝીટાઇઝેશનની પ્રક્રિયા તા.૧૪/૧૨/૨૦૨૫ ના રોજ પૂર્ણ કરવામાં આવેલ છે. જે કામગીરીના અંતે કુલ ૧૮,૧૨,૩૨૭ મતદારો પૈકી ૧૫,૮૦,૫૪૭ મતદારોનો મુસદ્દા મતદારયાદીમાં સમાવેશ થયેલ છે અને કુલ ૨,૩૧,૭૮૦ વ્યક્તિઓના નામ મુસદ્દા મતદારયાદીમાંથી કમી થયેલ છે.
આણંદ જિલ્લામાં કુલ મતદારો ૧૮,૧૨,૩૨૭, તે પૈકી મરણ થયેલ ૭૦,૨૫૪, ગેરહાજર હોય અથવા જેમનો સંપર્ક નહી થઇ શકવાથી ૪૧,૨૩૩, કાયમી અન્ય સ્થળે સ્થળાંતર થવાથી ૯૮,૨૧૧ અન્ય જગ્યાએ મતદાર હોવાથી ૨૦,૦૦૭ અન્ય પરત ન મળેલ ૨,૦૭૫ મતદારો રદ થતા કમી થયેલ મતદારો ૨,૩૧,૭૮૦ છે આમ, મુસદ્દા મતદારયાદીના મતદારો ૧૫,૮૦,૫૪૭ રહેલ છે.
મતદાન મથકોના પુનર્ગઠન બાદ આણંદ જિલ્લામાં કુલ ૧૭૭૨ મતદાન મથકોમાં નવા ૧૫૫ મતદાન મથકોનો ઉમેરો થતા કુલ ૧૯૨૭ મતદાન મથકો અસ્તિત્વમાં આવેલ છે.
આજ તા.૧૯/૧૨/૨૦૨૫ ના રોજ મતદારયાદીના મુસદ્દા (Draft Electoral Roll) ની પ્રસિધ્ધિ આણંદ જિલ્લા કલેકટર કચેરી, તમામ મતદાર નોંધણી અધિકારી/મદદનીશ મતદાર નોંધણી અધિકારી તથા બુથ પર થનાર હોઈ, તમામ મતદારો પોતાના નામ આ મુસદ્દા મતદારયાદીમાં સમાવેશ થયેલ છે કે કેમ ? તે જોઈ શકશે. તેમજ પરત ન મળેલ ફોર્મ્સની યાદી ઉપર જણાવ્યા મુજબના સ્થળો ઉપરાંત ગ્રામ પંચાયત/નગરપાલિકા કચેરી ખાતે પણ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
આજ તા.૧૯/૧૨/૨૦૨૫ ના રોજ મતદારયાદીના મુસદ્દા (Draft Electoral Roll) ની પ્રસિધ્ધિ બાબતે આજે માન્ય રાજકીય પક્ષો સાથે એક બેઠકનું પણ આયોજન કરેલ છે તેમજ પ્રસિધ્ધ થયેલ મુસદ્દા મતદારયાદીની એક નકલ હાર્ડ કોપી (ફોટોવાળી) અને સોફટ્કોપી (ફોટા વગરની) તેમજ Uncollectable ગણતરી ફોર્મ્સની યાદી પણ વિનામૂલ્યે આપવામાં આવેલ છે.
પ્રસિધ્ધ થયેલ મુસદ્દા મતદારયાદી સંબંધે હક્ક-દાવા અને વાંધા અરજીઓ રજુ કરવાના સમયગાળા દરમ્યાન તા.૧૯/૧૨/૨૦૨૫ થી તા.૧૮/૦૧/૨૦૨૬ સુધી કોઇ પણ મતદાર કે નાગરિક મતદારયાદીમાં પોતાના નામનો સમાવેશ અથવા નામ કમી કરવા સંબંધે હક્ક દાવા અને વાંધા નિયત મતદાર નોંધણી અધિકારીશ્રી અથવા મદદનીશ મતદાર નોંધણી અધિકારીશ્રીની ક્ચેરી ખાતે રજુ કરી શક્શે.
તા.૧૯/૧૨/૨૦૨૫ થી તા.૧૦/૦૨/૨૦૨૬ દરમ્યાન નોટીસ ઈસ્યુ કરવી, સુનાવણી અને ચકાસણી, ગણતરી ફોર્મ પર નિર્ણય તથા સાથે સાથે મતદાર નોંધણી અધિકારી દ્વારા હક્ક-દાવા અને વાંધા અરજીઓનો નિકાલ કરવામાં આવશે. આ સમયગાળા દરમ્યાન મતદારોએ જરૂરી આધાર પુરાવા રજુ કરવાના રહેશે, જે રજુ ન કર્યેથી આખરી મતદારયાદીમાંથી તેઓના નામ નીકળી જશે. ત્યારબાદ તા.૧૭/૦૨/૨૦૨૬ ના રોજ મતદારયાદીની આખરી પ્રસિધ્ધિ કરવામાં આવશે.
વધુમાં કોઈપણ મતદારને મતદારયાદી અંતર્ગત કોઈપણ માહિતીની જરૂરીયાત હોય તો તેઓ આણંદ જિલ્લાની હેલ્પલાઈન નંબર ૧૯૫૦ પર ઓફિસ સમય દરમિયાન રજાના દિવસો સિવાય કોલ કરી માહિતી મેળવી શકે છે.
જો કોઈપણ મતદાર ગણતરી ફોર્મ (EF) ભરવાનું ચૂકી ગયા હોય અથવા નામ મુસદ્દા મતદારયાદીમાં સામેલ નથી. તો તુરંત ફોર્મ નં.૬ સ્વ-ઘોષણાપત્ર સહિત (મતદારયાદીમાં નામ ઉમેરવા માટે) ભરીને જરૂરી પુરાવા સાથે તમારા બુથ લેવલ ઓફિસર અથવા મતદાર નોંધણી અધિકારીશ્રીની કચેરી ખાતે જમા કરાવી શકે છે. આ ઉપરાંત voters.eci.gov.in ની સાઇટ ઉપર અથવા voterhelpline application પરથી ઓનલાઇન ફોર્મ નં.૬ અને ૮ (ડીક્લેરેશન ફોર્મ સહિત) અને ફોર્મ નં.૭ ભરી શકે છે.
જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ આણંદ જિલ્લાના તમામ નગરજનોને મતદારયાદીના સઘન સુધારણા કાર્યક્રમની રાષ્ટ્રીય કામગીરીમાં પોતાનો સહકાર આપે એવી અપીલ કરી છે અને તારીખ 1 લી જાન્યુઆરી 2026 ના રોજ જે યુવાઓના 18 વર્ષ પુરા થતા હોય તેઓ પણ મતદાર યાદીમાં નામ નોંધાવી શકે છે. તે માટે તેમણે યોગ્ય પુરાવા રજૂ કરી ફોર્મ ભરવા અનુરોધ કર્યો છે.
આ પત્રકાર પરિષદમાં આણંદ જિલ્લાના મતદાર નોંધણી અધિકારીશ્રીઓ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અનિતાબેન લાછુન સહિત આણંદ જિલ્લાના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ

મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ