કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા જાહેર રસ્તા ઉપર ટ્રાફિકને અડચણરૂપ ઊભી રાખવામાં આવતી લારીઓ જપ્ત કરવામાં આવશે
Publish Date : 19/12/2025
ફ્રુટની લારીઓ માટે જગ્યા ફાળવવામાં આવી છે તે જગ્યા ઉપર લારીઓ વાળા ઉભા રહે તે જરૂરી
આણંદ, શુક્રવાર: કરમસદ આણંદ મહાનગરપાલિકા ના કમિશનરશ્રી ની સૂચના અને માર્ગદર્શન મુજબ મહાનગરપાલિકા વિસ્તારમાં અને ખાસ કરીને અમુલ ડેરી રોડ, તુલસી સિનેમા ચાર રસ્તા, મોટી શાકમાર્કેટ અને સ્ટેશન રોડ ઉપર ફ્રુટની લારીઓ લઈને ઊભા રહેતા લોકો માટે ડોક્ટર અજય કોઠીયાલાના દવાખાનાની પાછળ વેન્ડિંગ ઝોન બનાવવામાં આવ્યો છે. ત્યાં ફ્રુટ ની લારીઓ 100 કરતા વધારે ઊભી રહે તેવી જગ્યા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ઉપરાંત તે જગ્યા ઉપર પાયાની સુવિધા પણ ઉપલબ્ધ કરાવાઈ છે.
કરમસદ આણંદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ફ્રુટ ની લારીઓ વાળા તેઓને જગ્યા ફાળવણી કરી હોવા છતાં તે જગ્યા ઉપર ફ્રૂટ ની લારીઓ ઉભી ન રાખતા જાહેર રસ્તાઓ ઉપર લારીઓ ઉભી રાખે છે. જે નિયમ વિરુદ્ધ હોય, ટ્રાફિકને અડચણરૂપ હોય મહાનગર પાલિકા દ્વારા આવી લારીઓ જપ્ત કરવામાં આવે છે. જે માટે લારીઓ વાળા મહાનગરપાલિકા ખાતે રજૂઆત કરવા આવ્યા હતા. જે રજૂઆત મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા સંપૂર્ણ રીતે નકારવામાં આવી છે અને મહાનગરપાલિકા વિસ્તારમાં જાહેર રસ્તાઓ ઉપર ઉભા રહેતા લારીઓ વાળા એ તેઓને ફાળવવામાં આવેલ જગ્યાઓ ઉપર જ પોતાની લારીઓ ઉભી રાખવા માટે જણાવ્યું છે.
મહાનગરપાલિકા વિસ્તારમાં જાહેર રસ્તાઓ ઉપર ઉભી રાખવામાં આવતી ફ્રુટની તથા અન્ય લારીઓ જપ્ત કરવામાં આવશે અને કાયદાની જોગવાઈ ને આધીન કાર્યવાહી કરવામાં આવશે તેમ મનપાના એસ્ટેટ વિભાગ દ્વારા વધુમાં જણાવ્યું છે.