Close

ચિંતન શિબિર- ૨૦૨૫ સમાપન

Publish Date : 01/12/2025

રાજ્યના શ્રેષ્ઠ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીઓને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે પુરસ્કાર  એનાયત કર્યા

વર્ષ ૨૦૨૪-૨૦૨૫ દરમિયાનની ઉત્કૃષ્ટ સેવાઓ બદલ “કર્મયોગી પુરસ્કાર”થી  ૪ સનદી અધિકારઓનું સન્માન

આણંદના તત્કાલીન જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલિંદ બાપનાને કર્મયોગી પુરસ્કારથી સન્માનિત કરાયા

શનિવાર: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ધરમપુર શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે યોજાયેલી ત્રિ-દિવસીય ૧૨ મી ચિંતન શિબિરના સમાપન દિવસે વર્ષ:૨૦૨૪થી ૨૦૨૫ દરમિયાન ઉત્કૃષ્ટ પ્રશાસનિક સેવા બદલ ચાર સનદી  અધિકારીઓને કર્મયોગી પુરસ્કાર એનાયત કર્યા  હતા.

મુખ્યમંત્રીશ્રીએ નાયબ મુખ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી ની ઉપસ્થિતિ માં આ પુરસ્કાર આપ્યા હતા.

જે સનદી અધિકારીઓને આ કર્મયોગી સન્માન મળ્યું તેમાં વલસાડના તત્કાલીન કલેક્ટરશ્રી નૈમેષ દવે, પાટણના તત્કાલીન કલેકટરશ્રી અરવિંદ વી, આણંદના તત્કાલીન જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિલિંદ બાપના અને મોરબીના તત્કાલીન જિલ્લા વિકાસ અધિકારીશ્રી જે. એસ. પ્રજાપતિનો સમાવેશ થાય છે.

આ પુરસ્કાર અંર્તગત પ્રત્યેકને રૂ. ૫૧ હજારનો રોકડ પુરસ્કાર અને જે જિલ્લાનું પ્રતિનિધિત્વ કરતા હોય તે જિલ્લાના વિકાસ માટે રૂ. ૪૦ લાખની પ્રોત્સાહક ગ્રાન્ટ આપવામાં આવી હતી.

વહીવટમાં આધુનિક ઉપકરણોનો ઉપયોગ, નવીનતમ યોજનાઓ- કાર્યક્રમ અને અન્ય માપદંડોને ધ્યાનમાં રાખીને સીએમ ડેશબોર્ડ અંતર્ગત આવરી લેવાયેલ KPI (Key Performance Indicator)ના આધારે રાજ્યના વહીવટમાં ગતિશીલતા લાવવા અને શ્રેષ્ઠ કામગીરી બજાવતા જિલ્લા કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓને પ્રોત્સાહિત કરવાના હેતુથી વર્ષ ૨૦૦૫થી જિલ્લા કલેક્ટરશ્રી/ જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓને કર્મયોગી પુરસ્કાર આપવાની યોજના શરૂ કરવામાં આવેલી છે.

આ યોજના અંતર્ગત જિલ્લા કલેક્ટરશ્રીઓ માટે ૮૧ KPI તથા જિલ્લા વિકાસ અધિકારીઓ માટે ૭૩ KPI નક્કી કરવામાં આવ્યા છે. આ યોજનામાં શ્રેષ્ઠ જિલ્લા કલેકટરશ્રી/ શ્રેષ્ઠ જિલ્લા વિકાસ અધિકારીશ્રી માટે કુલ ૧૦૦ ગુણમાંથી વિભાગો તથા મુખ્ય સચિવશ્રી  દ્વારા તેઓની કામગીરીનાં મૂલ્યાંકનનાં આધારે રાજ્ય સરકારને જે ભલામણો કરાય તેના આધારે આ પુરસ્કારો એનાયત કરવામાં આવે છે.

આ યોજના અંતર્ગત ૧૫ લાખથી વધુ વસ્તી અને મ્યુનિસિપલ કોર્પોરેશનનો વિસ્તાર ધરાવતા જિલ્લા અને ૧૫ લાખ સુધીની વસ્તી ધરાવતા જિલ્લા એમ બે કેટેગરીમાં પુરસ્કાર આપવામાં આવે છે.

૧૨ મી ચિંતન શિબિર ના સમાપન દિવસે દરેક કેટેગરીમાં બે કલેકટર અને બે જિલ્લા વિકાસ અધિકારી મળી ચાર સનદી અધિકારીઓને  વર્ષ ૨૦૨૪ -૨૫ માટેના પુરસ્કાર આપવામાં આવ્યા હતા.