આણંદ ખાતે જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો
Publish Date : 01/12/2025
૦૬ પ્રશ્નો પૈકી ૦૫ પ્રશ્નોનો કરાયો હકારાત્મક નિકાલ
આણંદ,ગુરુવાર: જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી, આણંદ ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો.
જિલ્લાના પ્રજાજનોની સુખાકારી અને તેમના પ્રશ્નોના ઝડપી નિવારણ માટે આયોજિત આ જિલ્લા કક્ષાના ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજદારોની ફરિયાદોને હકારાત્મક અભિગમ આપીને જિલ્લા કક્ષાએથી વહીવટી તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે.
જિલ્લા કક્ષાના ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજદારો દ્વારા રજૂ કરાયેલ ૦૬ જેટલા પ્રશ્નો કલેકટર શ્રીએ સંબંધિત અધિકારીશ્રીઓ સાથે જરૂરી જાણકારી મેળવી અરજદાર સાથે વાત કર્યા બાદ ૦૫ પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ કરવામાં આવ્યું હતું જ્યારે એક પ્રશ્ન પેન્ડિંગ રાખવામાં આવ્યો હતો. આ પ્રશ્નોમાં પ્રાથમિક શાળાની આજુબાજુથી પાનનો ગલ્લો હટાવવો, જાહેર રસ્તો ખુલ્લો કરવો, રસ્તા ઉપર થી ફેન્સીંગ હટાવવી, માપણીની ખરાઈ સંબંધે રજૂઆત, વેચાણ દસ્તાવેજ ની નોંધ સામે તકરારી કેસ, જાહેર રોડ પરના દબાણો દૂર કરવા જેવા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા.
જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ગૌરવ જસાણી,નિવાસી અધિક કલેકટર શ્રી આર.એસ.દેસાઈ સહિત સંલગ્ન વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આણંદ ખાતે જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો