કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ
Publish Date : 30/06/2025
આણંદ જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના બીજા દિવસે લોક સહકાર દ્વારા રોકડ રૂપિયા ૧૭.૬૭ લાખ અને વસ્તુ સ્વરૂપમાં રૂપિયા ૨.૨૦ કરોડ મળીને કુલ રૂપિયા ૨.૩૮ કરોડ ઉપરાંતનું દાન પ્રાપ્ત થયું.
બીજા દિવસે ૨૪,૫૩૪ વિદ્યાર્થીઓનો આંગણવાડી, બાલવાટિકા, ધોરણ – ૧, ધોરણ – ૯ અને ધોરણ – ૧૧ માં પ્રવેશ અપાયો.
શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના બે દિવસ દરમિયાન કુલ રૂપિયા ૩.૪૩ કરોડ ઉપરાંતનું દાન રોકડ અને વસ્તુ સ્વરૂપે પ્રાપ્ત થયું- જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અર્ચનાબેન પ્રજાપતિ.
આણંદ, શુક્રવાર: આણંદ જિલ્લામાં આરંભ થયેલો ત્રિ દિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત આજે બીજે દિવસે ગાંધીનગર ખાતેથી આવેલ ઉચ્ચ અધિકારીઓ, જિલ્લા કલેકટર શ્રી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સહિતના અધિકારીઓએ વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવ્યો હતો.
આણંદ જિલ્લામાં ત્રણ દિવસ દરમિયાન યોજાનાર શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના આજે બીજા દિવસે આંગણવાડીમાં ૩૦૭૦, બાલવાટિકામાં ૬૬૫૧, ધોરણ ૦૧ માં ૩૧૧, ધોરણ ૦૯ માં ૯૩૪૧ અને ધોરણ ૧૧ માં ૫૧૬૧ વિદ્યાર્થીઓ મળીને કુલ ૨૪,૫૩૪ વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો હતો.
જેમાં ૧૨,૦૯૧ કન્યાઓ અને ૧૨,૪૪૩ કુમારનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત શાળા પ્રવેશોત્સવ દિવસના બીજા દિવસે ૦૮ શાળાઓમાં ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ની શરૂઆત કરવામાં આવી હતી, જ્યારે ૪૯ જેટલી કન્યાઓને વિદ્યાલક્ષ્મી બોન્ડ ચૂકવવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે યોજાયેલ શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે સમગ્ર જિલ્લામાં થી રોકડ સ્વરૂપે રૂપિયા ૧૩,૨૬,૯૩૩ અને વસ્તુ સ્વરૂપે રૂપિયા ૯૨,૨૫,૨૪૫ મળીને કુલ રૂપિયા ૧,૦૫,૫૨૧૭૮ લોક સહકાર દ્વારા દાન પ્રાપ્ત થયું હતું.
આજે બીજા દિવસે રોકડ સ્વરૂપે ૧૭,૬૭,૨૦૩ અને વસ્તુ સ્વરૂપમાં ૨,૨૦,૪૨,૮૬૦ મળીને કુલ રૂપિયા ૨,૩૮,૧૦,૦૬૩ નું દાન પ્રાપ્ત થયું છે, આમ, શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના બે દિવસ દરમિયાન કુલ રૂપિયા ૩.૪૩ કરોડ ઉપરાંત નું દાન મળ્યું હોવાનું જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી અર્ચનાબેન પ્રજાપતિ દ્વારા જણાવવામાં આવ્યું છે.