• Social Media Links
  • Site Map
  • Accessibility Links
  • English
Close

ઉમરેઠ ખાતે વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન અંતર્ગત ખેડૂત સંમેલન યોજાયું

Publish Date : 13/06/2025

આણંદ,ગુરૂવાર: ખરીફ સીઝનના પ્રારંભ પહેલા ખેડૂતો ખેતીમાં તમામ જરૂરી આયોજન કરી શકે તેવા ઉદ્દેશ્ય સાથે ભારત સરકારે તારીખ ૨૯ મે થી ૧૨ જૂન સુધી રાષ્ટ્રવ્યાપી ‘વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન’ શરૂ કર્યું છે.

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રંભાઇ પટેલ દ્વારા તા. ૨૯ મે ૨૦૨૫ના રોજ આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતેથી ગુજરાતમાં‘વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન’નો શુભારંભ કરવામાં આવ્યો હતો.

‘વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન’ અંતર્ગત ઉમરેઠ ખાતે સાંસદશ્રી મિતેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સાંસદશ્રી મિતેશભાઇ પટેલે જણાવ્યું કે, આ અભિયાનનો ઉદ્દેશ્ય વૈજ્ઞાનિક જ્ઞાનને ‘લેબ ટુ લેન્ડ’માં રૂપાંતરિત કરીને કૃષિ સંશોધન અને ખેડૂત સમુદાય વચ્ચેના અંતરને દૂર કરવાનો છે. ‘વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન’ સફળતાપૂર્વક આગળ વધી રહ્યું છે. જેમાં દેશભરના લાખો ખેડૂતો જોડાયા છે. આ પહેલના ભાગ રૂપે, કૃષિ વૈજ્ઞાનિકો સ્થાનિક પરિસ્થિતિઓના પૂર્વ જ્ઞાન સાથે ગામડાઓની મુલાકાત લે છે અને તે મુજબ ખેડૂતો સાથે સંવાદ કરે છે.પોષક તત્વો, આબોહવા અને યોગ્ય પાકની જાતોના આધારે ઉત્પાદકતા સુધારવા માટે માર્ગદર્શન આપે છે. તેમણે ખેડૂત મિત્રોને તેમના પ્રશ્નોના નિરાકરણ માટે આણંદ કૃષિ યુનિવર્સિટીની મુલાકાત લેવા હાકલ કરી હતી. 

આણંદ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના વિવિધ આયામો અને પ્રાકૃતિક કૃષિમાં દેશી ગાયના મહત્વ, નવા સંશોધિત બિયારણો, નેનો ફર્ટિલાઇઝર, સોઇલ હેલ્થ કાર્ડના ઉપયોગ જેવી કૃષિલક્ષી માહિતી આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં આણંદ કૃષિ નિયામકશ્રી  ડૉ. જે. કે. પટેલ, સહ વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડૉ. એસ. ડી. પટેલ, વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ. વાય. સી. લકુમ,ઉમરેઠ તાલુકા પંચાયત પ્રમુખ, ઉમરેઠ નગરપાલિકા પ્રમુખ અને આણંદ કૃષિ યુનિવર્સિટીના અધિકારીઓ અને વૈજ્ઞાનિકો હાજર રહ્યા હતા.આ કાર્યક્રમમાં ૨૦૦ કરતાં વધું ખેડૂતોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.