આણંદ જિલ્લાના તમામ પેન્શનરો પોસ્ટ ઓફીસ મારફત વધુમાં વધુ ડીઝીટલ હયાતી કરાવી રાજ્ય સરકારની પહેલમાં સહભાગી થવા અનુરોધ
Publish Date : 05/05/2025
આણંદ જિલ્લાના અંદાજિત ૧૭,૫૦૦ જેટલા પેન્શનરોને નિ:શુલ્ક ઘરઆંગણે જ આ સેવાનો લાભ મળશે.
આણંદ,શનિવાર: આણંદ જિલ્લા તિજોરી કચેરી ખાતેથી રાજ્ય સરકારનું પેન્શન મેળવતા પેન્શરોએ પોતાની વાર્ષિક હયાતીની ખરાઈ તા.૦૧ મે થી તા.૩૧ જુલાઈ સુધીમાં કરાવી લેવા તથા વધુમાં વધુ પોસ્ટ ઓફિસ/ઈન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેન્ક મારફત પેન્શનર વિનામૂલ્યે તેમના ઘરઆંગણે જ ડિજિટલ હયાતીનો લાભ મેળવે તેમ જિલ્લા તિજોરી અધિકારી દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
વધુમાં તાજેતરમાં સરકારશ્રી દ્વારા રાજ્યના પેન્શનર્સના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે કે,વૃધ્ધ પેન્શનરોને અવર-જવરમાં પડતી મુશ્કેલીઓને ધ્યાને લઈને હયાતી(લાઈફ સર્ટિસફિકેટ)ની ખરાઈ માટેની પ્રક્રિયાને વધુ સરળ બનાવવામાં આવી છે.
હાલની પ્રક્રિયા મુજબ રાજ્યના પેન્શનરોએ હયાતીની ખરાઈ માટે બેંક અથવા સંબંધિત કચેરીમાં જવું પડે છે. જેમાં વૃદ્ધ પેન્શનરોને શારીરિક અશક્તતાને પરિણામે અનેક મુશ્કેલીઓ અનુભવાતી હોય છે. રાજ્ય સરકાર દ્વારા આ પ્રક્રિયાને સરળ કરવા માટે હવે હયાતીની ખરાઈની સેવા પેન્શનરોને વિનામૂલ્યે તેમના ઘરઆંગણે જ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. હયાતીની ખરાઈ કરવા માટે ગુજરાત સરકાર દ્વારા ભારતીય ટપાલ વિભાગ સાથે સમજૂતી કરાર કરવામાં આવ્યા છે. રાજ્યની પોસ્ટ ઓફિસ મારફત પેન્શનરોને આ સેવા ઉપલબ્ધ થશે. આ સેવા અંતર્ગત પોસ્ટ ઓફિસ મારફત પેન્શનરોના ઘર-આંગણે રૂબરૂ મુલાકાત કરી હયાતીની ખરાઈ સંપૂર્ણપણે નિ:શુલ્ક કરવામાં આવશે. આ સેવા પેન્શનરોને મદદ કરવા માટે એક વધારાના વિકલ્પ તરીકે કાર્યરત કરવામાં આવી છે. હાલના હયાતીની ખરાઈના અન્ય વિકલ્પો રાબેતા મુજબ ચાલુ રહેશે. રાજ્યના પેન્શનરો દ્વારા મળેલી રજૂઆતોને હકારાત્મક વાચા આપતા રાજ્ય સરકાર દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી આણંદ જિલ્લાના અંદાજિત ૧૭૫૦૦ જેટલા પેન્શનરોને નિશુલ્ક ઘરઅંગણે જ આ સેવાનો લાભ મળશે.
અત્રે નોંધનીય છે કે, વર્ષ.૨૦૧૮ માં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે ઇન્ડિયા પોસ્ટ પેન્ટ બેંકની દેશવ્યાપી શરૂઆત કરાવી હતી ત્યારે બેકિંગ સેવા આપ કે દ્વાર મુખ્ય વિઝન હતું. આ વિઝનના ભાગરૂપે જ ગુજરાત સરકાર દ્વારા આ પહેલ હાથ ધરવામાં આવી છે.
સમગ્ર પ્રક્રિયા કેવી રીતે કામ કરશે?…
પેન્શનર્સને ડિજીટલ લાઈફ સર્ટીફિકેટ આપવામાં આવે છે. જેથી હવે પોસ્ટ ઓફિસની ટીમને સંપર્ક કરવાથી અથવા તેમની પોસ્ટ ઓફિસની ટીમ સામે ચાલીને દરેક પેન્શનર્સના ઘરે જશે. તેમની જોડે ઉપલબ્ધ મોબાઇલ લાઇફ સર્ટિફિકેટના સોફ્ટવેરમાં પી.પી.ઓ નંબર, આધાર નંબર, બેંક એકાઉન્ટ ડિટેઈલ, મોબાઈલ નંબર જેવા મહત્વના ડેટા નાંખીને પેન્શનરની બાયોમેટ્રીક લેશે. જેના પરિણામે ગણતરીની મીનિટમાં જ પેન્શનર્સના ડિજીટલી બાયોમેટ્રીક ઓથેન્ટિકેશનથી ડિજીટલ લાઈફ સર્ટીફિકેટ ઇસ્યુ થઈ જશે તથા પોતાના મોબાઈલ નંબર પર હયાતી થયા બદલનું કંફર્મેશન પણ મળશે. જેની એક ડિજીટલ નકલ પેન્શન ઓફિસમાં પણ પહોંચી જશે. જેથી આણંદ જિલ્લાના તમામ પેન્શનરો પોસ્ટ ઓફીસ મારફત વધુમાં વધુ ડીઝીટલ હયાતી કરાવી રાજ્ય સરકારની પહેલમાં સહભાગી થવા તથા ઘરઆંગણે જ ડીઝીટલ હયાતીનો વધુમાં વધુ લાભ લેવા વિનંતી.
રાજ્ય સરકારના પેન્શનરો જિલ્લા તિજોરી કચેરી,આણંદ ખાતે ગયા વિના પોતાના મોબાઈલમાં જ પેન્શન આવક પ્રમાણપત્ર મેળવી શકે તે મુજબની સુવિધા ઉપલબ્ધ કરાવેલ હોવાથી સને.૨૦૨૫-૨૦૨૬ ના પેન્શન આવકના પ્રમાણપત્ર વેબસાઇટ http://cybertreasury.gujarat.gov.in પરથી મેળવી લેવા પણ વધુમાં જિલ્લા તિજોરી અધિકારી દ્વારા જણાવાયું છે.