આણંદ જિલ્લાના પેન્શનરોએ આવકવેરા અંગેની વિગતો જિલ્લા તિજોરી કચેરી ખાતે તા.૧૫ એપ્રિલ સુધીમાં લેખિતમાં આપવાની રહેશે
Publish Date : 03/04/2025
આણંદ,બુધવાર: આણંદ જિલ્લા તિજોરી કચેરી ખાતેથી પેન્શન મેળવતા જે પેન્શનરોની આગામી નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ ની પેન્શનની આવક કરપાત્ર થતી હોય તેવા પેન્શનરોએ આવકવેરા કાયદા હેઠળ આપવામાં આવેલ ન્યુ રેજીમ અને ઓલ્ડ રેજીમ એમ બે વિકલ્પ પૈકી જે પેન્શનરો ઓલ્ડ રેજીમનો વિકલ્પ સ્વીકારવા માંગતા હોય તેઓએ ઓલ્ડ રેજીમ સ્વીકારવા બાબતનું બાયંધરી ફોર્મ અને આવકવેરા અંતર્ગત બાદ મળવાપાત્ર રોકાણો / સંભવિત રોકાણોની બાયંધરી અંગેની વિગતો જિલ્લા તિજોરી કચેરી આણંદ ખાતે તા.૧૫ એપ્રિલ ૨૦૨૫ સુધીમાં લેખિતમાં આપવાની રેહશે.
જે પેન્શનરો સંભવિત રોકાણોની બાયંધરી આપેલ હશે તેવા, પેન્શનરોએ રોકાણ કર્યેથી તેની નકલ નિયત સમય મર્યાદામાં જિલ્લા તિજોરી કચેરીને આપવાની રહેશે અન્યથા રોકાણ કરેલ નથી એવુ માનવામાં આવશે.
જે પેન્શનરે ઓલ્ડ રેજીમનો વિકલ્પ આપેલો હશે, તે સિવાયના બાકીના તમામ પેન્શનરો ન્યુ રેજીમનો વિકલ્પ સ્વીકારવા માંગે છે, તેમ માનીને આવકવેરાની કપાત કરવામાં આવશે.
જે પેન્શનરોએ તેઓના પાનકાર્ડ, આધારકાર્ડ તેમજ મોબાઈલ નંબરની વિગતો જિલ્લા તિજોરી કચેરી,આણંદ ખાતે રજુ કરેલ ના હોય તેઓએ જરૂરી વિગતો સત્વરે પુરી પાડવા જિલ્લા તિજોરી અધિકારીશ્રી,આણંદ દ્વારા વધુમાં જણાવાયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લા તિજોરી ખાતેથી કુટુંબ પેન્શન મેળવતા પેન્શનરો અને પેન્શનની આવક કરપાત્ર ના હોય તેવા પેન્શનરોએ આ વિકલ્પ આપવાની જરૂરિયાત રેહતી નથી, તેમ પણ જિલ્લા તિજોરી અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.