8 સપ્ટેમ્બર, આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ
Publish Date : 11/09/2026
સાક્ષરતા માત્ર અક્ષરજ્ઞાન નહીં, સશક્ત સમાજની પહેલી સીડી છે
આણંદ, મંગળવાર, દર વર્ષે 8 સપ્ટેમ્બરના રોજ વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસનો મુખ્ય હેતુ લોકોમાં સાક્ષરતાના મહત્વ અંગે જાગૃતિ ફેલાવવાનો અને દરેક વ્યક્તિને શિક્ષણ સાથે જોડવાના પ્રયાસોને વેગ આપવાનો છે. સાક્ષરતા વ્યક્તિના જીવનમાં માત્ર વાંચવા-લખવાની ક્ષમતા પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે વ્યક્તિને પોતાના અધિકારો સમજવા, યોગ્ય નિર્ણયો લેવા અને સમાજમાં આત્મવિશ્વાસ સાથે આગળ વધવાની શક્તિ આપે છે.
આજના સમયમાં શિક્ષણનું સ્વરૂપ ઝડપથી બદલાઈ રહ્યું છે. એક તરફ ટેક્નોલોજી અને ડિજિટલ માધ્યમોથી માહિતી મેળવવાનું સરળ બન્યુ છે, તો બીજી તરફ ડિજિટલ સાક્ષરતા પણ એટલી જ જરૂરી બની છે. મોબાઇલ, ઈન્ટરનેટ, ઓનલાઈન સેવાઓ અને ડિજિટલ વ્યવહારોના વધતા ઉપયોગ વચ્ચે વ્યક્તિને સાચી માહિતી ઓળખતા આવડવું અને તેનો યોગ્ય ઉપયોગ કરવો પણ સાક્ષરતાનો મહત્વપૂર્ણ ભાગ બની રહ્યો છે.
સાક્ષર સમાજ પોતાના હકો અને ફરજો પ્રત્યે વધુ જાગૃત હોય છે. શિક્ષણના અભાવે વ્યક્તિ સરકારી યોજનાઓ, આરોગ્ય સેવાઓ, કાયદાકીય અધિકારો અને રોજગારની તકો જેવી અનેક બાબતોથી અજાણ રહી શકે છે. જ્યારે સાક્ષરતા વ્યક્તિને આ તકો સુધી પહોંચવાનો માર્ગ બતાવે છે. ખાસ કરીને મહિલાઓ, ગ્રામ્ય વિસ્તારોના લોકો અને આર્થિક રીતે નબળા વર્ગો સુધી શિક્ષણ પહોંચે તે સમાજના સર્વાંગી વિકાસ માટે જરૂરી છે.
સાક્ષરતાની શરૂઆત શાળાથી થાય છે, પરંતુ તેનો અંત શાળાની ચાર દીવાલોમાં થતો નથી. જીવનભર નવી બાબતો શીખવાની અને બદલાતા સમય સાથે પોતાને તૈયાર કરવાની પ્રક્રિયા પણ સાક્ષરતાનો જ એક ભાગ છે. આજના યુગમાં માત્ર અક્ષરજ્ઞાન નહીં, પરંતુ આર્થિક, ડિજિટલ અને સામાજિક સમજણ પણ વ્યક્તિને સક્ષમ બનાવે છે.
આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ માત્ર ઉજવણીનો દિવસ ન બની રહે, પરંતુ સમાજના દરેક વર્ગ સુધી શિક્ષણ પહોંચાડવાનો સંકલ્પ બને તે સમયની જરૂરિયાત છે. કારણ કે એક વ્યક્તિ સાક્ષર બને છે ત્યારે માત્ર તેનું જીવન બદલાતું નથી, પરંતુ એક પરિવાર અને ધીમે ધીમે સમગ્ર સમાજના વિકાસની દિશા બદલાય છે.