111-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી : 2026
Publish Date : 22/04/2026
મુક્ત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે પોલીસ તંત્ર સજ્જ – જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ગૌરવ જસાણી
02 ડીવાયએસપી, 04 પોલીસ ઇન્સ્પેક્ટર, 500 જેટલા પોલીસ અને હોમગાર્ડના જવાનો ઉપરાંત સીઆરપીએફની 03 કંપની મતદાન મથકો ખાતે ફરજ બજાવશે
આણંદ, સોમવાર : 111- ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગતનું મતદાન આગામી તારીખ 23મી એપ્રિલ ગુરૂવારના રોજ સવારના 7-00 કલાકથી સાંજના 18-00 કલાક દરમિયાન યોજાનાર છે, ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આ ચૂંટણીમાં મુક્ત અને ન્યાયી રીતે મતદાન થાય, મતદારો નિર્ભય પણે તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકે અને શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે, આ માટે જિલ્લા તંત્રની સાથે પોલીસ વિભાગ પણ ચૂંટણીમાં ફરજ બજાવવા માટે સંપૂર્ણ સજ્જ બન્યુ છે.
જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ગૌરવ જસાણીના જણાવ્યા પ્રમાણે ઉમરેઠ વિધાનસભા મતદાર વિભાગના 306 મતદાન મથકો ખાતે મતદાન યોજાવાનું છે. આ તમામ મતદાન મથકો ખાતે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. આ માટે આણંદ જિલ્લામાં 03 સીઆરપીએફની કંપની ફાળવવામાં આવી છે. એટલે કે સીઆરપીએફના જવાનો મતદાન મથકો ઉપર ચાંપતી નજર રાખશે.
ઉલ્લેખનિય છે કે, સીઆરપીએફના જવાનો ઉપરાંત ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારના 46 ગામોના 306 મતદાન મથકો ખાતે 500 કરતા વધુ પોલીસ, હોમગાર્ડ અને ગ્રામ રક્ષક દળના જવાનો પણ ફરજ બજાવશે. જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ગૌરવ જસાણીના માર્ગદર્શન હેઠળ 02 ડીવાયએસપી, 04 પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર ચૂંટણીમાં ફરજ બજાવનાર છે. જેમાં ચેકપોસ્ટ, એફ.એસ.ટી., એસ.એસ.ટી. ની ટીમનો પણ સમાવેશ થાય છે