111-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી -2026
Publish Date : 17/04/2026
મતદાનના દિવસે હીટવેવની અસરને ધ્યાને લઈ મતદાન મથકો ખાતે ઓઆરએસના પેકેટ મૂકવામાં આવશે
દરેક મતદાન મથક ખાતે ફર્સ્ટ એઈડ કીટ અને ઇમરજન્સીમાં 108 એમ્બ્યુલન્સની સેવા ઉપલબ્ધ રહેશે
આણંદ, ગુરૂવાર , ઉનાળાની ઋતુ દરમિયાન સામાન્ય તાપમાનથી વધુની સંભાવનાને કારણે હિટવેવ વધુ મજબૂત અને લાંબા સમય સુધી પરિવર્તિત થઈ શકે છે.
આણંદ જિલ્લામાં આગામી તારીખ 23મી એપ્રિલના રોજ યોજાનાર ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી અને તારીખ 26 એપ્રિલના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત હીટવેવની અસરને નિવારવા માટેના પગલાં લેવા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીને જણાવ્યું છે.
જે અંતર્ગત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી એ આગામી 23 મી એપ્રિલ ના રોજ યોજાનાર ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી અને તારીખ 26 એપ્રિલના રોજ યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમા મતદાનના દિવસે તમામ મતદાન મથકો ખાતે ઓઆરએસ ના પેકેટ મૂકવામાં આવશે, જેથી કોઈ મતદારને ગરમીની હિટવેવની અસરને કારણે કઈ તકલીફ થાય તો તરત જ પ્રાથમિક સુવિધા આપી શકાય.
આ ઉપરાંત દરેક મતદાન મથક ખાતે ફર્સ્ટ એઈડ કીટ પણ મૂકવામાં આવશે અને ઇમરજન્સીમાં 108 ની સેવા ઉપલબ્ધ રહેશે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી એ વધુમાં જણાવ્યું કે જે વ્યક્તિઓ એટલે કે મતદારો ગંભીર બિમારીમાંથી પસાર થઈ રહ્યા હોય કે જેમને બાયપાસ સર્જરી કરી હોય, સ્ટેન્ટ મૂક્યું હોય, ડાયાબિટીસ હોય, હાઈ રિસ્ક વાળા મતદારો, નાનું બાળક હોય કે જે મહિલાઓને પ્રસુતિ થવાની હોય તેવા મતદારોએ સવારના સમયમાં મતદાન કરી લેવું જોઈએ કે જેથી તેમને બપોરના સમયમાં હીટવેવની અસર ના થાય.
આ ઉપરાંત આણંદ જિલ્લાના તમામ સીએચસી સેન્ટર અને પીએચસી સેન્ટરો ખાતે આરોગ્યની સેવાઓ ઇમર્જન્સી સેવાઓ ઉપલબ્ધ રહેશે અને ડોક્ટર સહિતનો સ્ટાફ હાજર રહેશે.
ખાસ કરીને ઇવીએમ મશીન જે જગ્યાએથી મતદાન મથક ખાતે રવાના કરવામાં આવે છે અને પાછા જમા લેવામાં આવે છે તે ડિસ્પેચિંગ અને રીસીવિંગ સેન્ટર ડી એમ પટેલ આર્ટસ કોલેજ અને એસ એસ પટેલ કોમર્સ કોલેજ, ઓડ ખાતે મેડિકલ ટીમ હાજર રહેશે અને 108 એમ્બ્યુલન્સની સેવાઓ પણ ઉપલબ્ધ રહેશે તેમ તેમણે વધુમાં કહ્યું છે.