૫ મી સપ્ટેમ્બર : શિક્ષણ દિન વિશેષ
Publish Date : 04/09/2025
એક સમયે શાળાના વિદ્યાર્થી કમલેશભાઈ પટેલ આજે તે જ શાળાના શ્રેષ્ઠ આચાર્ય સાબિત થયા
શિક્ષકદિનના અવસરે રાજયકક્ષાના “શ્રેષ્ઠ આચાર્ય”નો પારિતોષિક ખંભાતના રાલેજની શ્રીમતી કે.ડી. પટેલ હાઇસ્કુલ ના આચાર્ય શ્રી કમલેશભાઈ પટેલને એનાયત કરાશે
દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના શિક્ષક તરીકેના ઉત્કૃષ્ટ પ્રદાનને યાદ કરતા તેમના જન્મદિવસ પાંચમી સપ્ટેમ્બરને દેશભરમાં શિક્ષકદિન તરીકે ઉજવવામાં આવે છે.
ગુજરાત સરકાર દર વર્ષે શિક્ષક દિન નિમિત્તે રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરે છે. આ વર્ષે રાજ્ય સ્તરે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકની શ્રેણીમાં “શ્રેષ્ઠ આચાર્ય” તરીકે સન્માનિત થનારા આણંદના ખંભાત તાલુકાના રાલેજ સ્થિત શ્રીમતી કે.ડી
પટેલ હાઇસ્કુલના આચાર્યશ્રી ડૉ.કમલેશકુમાર એમ. પટેલની શ્રેષ્ઠ આચાર્ય તરીકે પસંદગી કરવામાં આવી છે.
એક સમયનો વિધાર્થી આજે તે જ શાળાનો સફળ સુકાની બનીને શાળાને શ્રેષ્ઠ શાળા બનાવી
ભૂતકાળમાં શ્રીમતી કી.ડી પટેલ હાઇસ્કુલના વિદ્યાર્થી રહી ચૂકેલા કમલેશભાઈ ૧૦ વર્ષ સુધી આ જ શાળામાં શિક્ષક તરીકે તથા ૧૫ વર્ષથી આ જ શાળાના આચાર્ય તરીકે કર્મનિષ્ઠ ભૂમિકામાં પોતાની ફરજ અદા કરે છે.
વર્ષ ૨૦૧૦માં કેળવણી મંડળ રાલેજ દ્વારા કમલેશભાઈને શાળાનું સુકાન સંભાળવાની તક આપતા જ તેમણે ગામના બાળકોને ઉત્તમ ગુણવત્તાનું શિક્ષણ મળી રહે અને શાળા શ્રેષ્ઠતમ શિખરો સર કરે તે દિશામાં પ્રયત્નો ચાલુ કર્યા. શાળાના આચાર્ય બન્યા બાદ કમલેશભાઈએ શાળાની ભૌતિક સુવિધાઓમાં વધારો કર્યો તેમજ ગ્રાન્ટેડ સામાન્ય પ્રવાહના વર્ગો પણ શરૂઆત કરાવ્યા.
આ ઉપરાંત તેમણે શાળા એ માત્ર પુસ્તકિયા જ્ઞાનનો પર્યાય ન બનતા બાળકોના સર્વાંગી વિકાસ માટે વિવિધ પેટા સંસ્થાઓ પણ ઊભી કરી .જેમાં પ્રમાણિકતા માટે “રામહાટ” વ્યક્તિગત વિકાસ અને સમાજસેવા માટે એન.એસ.એસ, આરોગ્ય માટે પાણી સમિતિ,શારીરિક વિકાસ માટે યોગ – વ્યાયામ , વિદ્યાર્થીઓ માં વૈજ્ઞાનિક અભિગમ ખીલવવા વિક્રમ સારાભાઈ ગુજકોસ્ટ સાયન્સ ક્લબ તથા ધંધાકીય અભિગમ ખીલવવા વાણિજ્ય સમિતિ ,ઇકો ક્લબ ઉપરાંત વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી.દરેક સમિતિના સફળ સંચાલન માટે શિક્ષક તથા વિદ્યાર્થીઓની નિયુક્તિ કરીને શાળામાં શિક્ષણની ચીલાચાલુ પદ્ધતિ કરતા કંઈક વિશેષ આપવા કમલેશભાઈએ પ્રયત્ન કરી રહ્યા છે.
કમલેશભાઈની શાળાના વહીવટી સંચાલનની નોંધ લઇ આણંદ જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીની કચેરી દ્વારા વર્ષ ૨૦૧૫ તથા વર્ષ ૨૦૨૫ એમ બે વખત જિલ્લાની શ્રેષ્ઠ શાળા એવોર્ડ સાથે રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનિય છે કે,વર્ષ ૨૦૧૫માં ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા શ્રેષ્ઠ શાળાનું સંચાલનની નોંધ લઈને ગુજરાત રાજ્યની “શ્રેષ્ઠ શાળા”એવોર્ડ સન્માન પત્ર તથા રૂ.૫ લાખનું રોકડ પુરસ્કાર એનાયત કરાયો હતો.
આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય કક્ષાએ “નેશન બિલ્ડર એવોર્ડ”, રાષ્ટ્ર કક્ષાએ “ઇન્સ્પાયરીંગ ક્લાઈમેટ એજ્યુકેટર એવોર્ડ”, નેશનલ સાયન્સ ફેર ભોપાલ ખાતે ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ, ભારત સરકારના પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા આયોજિત નિબંધ લેખન તથા ચિત્ર સ્પર્ધામાં ત્રણ વખત રાષ્ટ્ર કક્ષાએ પ્રતિનિધિત્વ જેવા સન્માન તથા શાળાના બાળકોને વિમાન માર્ગે તેમજ રેલવે માર્ગે યોજેલા શૈક્ષણિક પ્રવાસ એ કમલેશભાઈના શૈક્ષણિક – વહીવટી સંચાલન માટેનું યાદગાર સંભારણું બની રહ્યું છે.
વર્ષ 2010 થી શાળાનું સફળ સુકાન થકી શાળાની ભૌતિક સુવિધાઓમાં વધારો કરીને નવા આયામ પર પહોંચાડી
વર્ષ ૨૦૧૦માં કમલેશભાઈ એ આચાર્ય તરીકે શાળાનું સુકાન સંભાળતા ૧૦ રૂમની શાળામાંથી હાલ ૧૬ રૂમ તથા પ્રાર્થનાખંડ સહિત ૫૦૦ થી વધુ વિધાર્થીઓનું શિક્ષણ કાર્ય ચાલી રહ્યું છે. ૧૩૦૦ પુસ્તકો ધરાવતા પુસ્તકાલયમાંથી હાલમાં ૪૦૦૦થી વધુ પુસ્તકો સાથે સમૃદ્ધ પુસ્તકાલય બનાવવામાં આવ્યું છે.પ્રતિ વર્ષ બાળકોને શૈક્ષણિક પ્રવાસ કરવાની સાથે સાથે વર્ષ ૨૦૧૫માં વિમાન માર્ગે પણ શૈક્ષણિક પ્રવાસ કરવામાં કમલેશભાઈએ પહેલ કરી હતી.
ચાલુ વર્ષે ૨૦૨૫ માં ડોક્ટર કમલેશભાઈ પટેલની શિક્ષણમાં તેમના દ્વારા કરવામાં આવેલ વિશિષ્ટ યોગદાન ની કદર કરીને રાજ્ય સરકારે તેમને માધ્યમિક શાળાના રાજ્યના શ્રેષ્ઠ આચાર્ય તરીકે પસંદ કર્યા છે અને પાંચમી સપ્ટેમ્બરના રોજ તેમનું રાજ્ય કક્ષાએ સન્માન થનાર છે ત્યારે તેમણે આણંદ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે તે બદલ અને તેમની પસંદગી કરવા બદલ રાજ્ય સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.