૧૨ વર્ષ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના
Publish Date : 20/06/2026
“પ્રાકૃતિક ખેતી તરફ પાછા વળવું એજ આજના સમયની સૌથી મોટી માંગ” : રાજ્યમંત્રી શ્રી સંજયસિંહ મહીડા
આણંદ ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’ અંતર્ગત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શન કાર્યક્રમ યોજાયો
પ્રભારી મંત્રીશ્રીના હસ્તે જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરી આદર્શ ઉદાહરણરૂપ કાર્ય કરતા ખેડૂતોનું સન્માન કરાયું
આણંદ, બુધવાર , પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના સફળ ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર દેશમાં વિવિધ જનકલ્યાણના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેના ભાગરૂપે આણંદ સ્થિત આણંદ કૃષિ યુનિવર્સિટીના BACA હોલ ખાતે ગુજરાતના મહેસૂલ રાજ્ય મંત્રી અને આણંદ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી સંજયસિંહ મહીડાની વિશેષ ઉપસ્થિતિમાં ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’ અંતર્ગત ‘પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ-વ-પ્રદર્શન’ કાર્યક્રમ યોજાયો હતો.
આ તકે પ્રભારી મંત્રીશ્રી સંજયસિંહ મહીડાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં છેલ્લા ૧૨ વર્ષમાં દેશમાં સુશાસનની નવી સિદ્ધિઓ કાયમ થઈ છે. કૃષિ ક્ષેત્રે ક્રાંતિ લાવવા માટે પ્રાકૃતિક ખેતી તરફ પાછા વળવું અને તેને અપનાવવી એ આજના સમયની સૌથી મોટી માંગ છે. તેમણે ઉમેર્યું કે, રસાયણમુક્ત ખેતી માત્ર જમીનની ફળદ્રુપતા જ નથી જાળવતી, પરંતુ નાગરિકોના સ્વાસ્થ્યની રક્ષા પણ કરે છે. સરકાર પ્રાકૃતિક ખેતી અપનાવતા ખેડૂતોને તમામ સ્તરે પ્રોત્સાહન અને સહાય પૂરી પાડવા કટિબદ્ધ છે.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતુ કે પ્રાકૃતિક ખેતીની પદ્ધતિમાં માત્ર એક દેશી ગાયના છાણ અને ગૌમૂત્રથી ૩૦ એકર સુધીની ઉત્તમ ખેતી કરી શકાય છે, જેના કારણે ખેતીનો ખર્ચ નહિવત થઈ જાય છે. બીજામૃત, જીવામૃત, આચ્છાદન, વાફસા અને સજીવ પાક વ્યવસ્થા જેવા ૫ મુખ્ય સ્તંભો પર આધારિત પ્રાકૃતિક ખેતી દ્વારા પાક શુદ્ધ અને રોગમુક્ત બને છે, જેનાથી ખેડૂતોનો આર્થિક લાભ વધે છે અને વડાપ્રધાનશ્રીનો ખેડૂતોની આવક બમણી કરવાનો સંકલ્પ પણ સાકાર થાય છે. તેમણે તમામ ખેડૂતોને પોતાની જમીનના ઓછામાં ઓછા ૨૫% ભાગમાં સ્વેચ્છાએ પ્રાકૃતિક ખેતી શરૂ કરવા અપીલ કરી હતી. આ તકે મંત્રીશ્રીએ સ્થળ પર ઊભા કરાયેલ પ્રાકૃતિક કૃષિના પ્રદર્શન સ્ટોલ્સની મુલાકાત લઈને ખેડૂતો દ્વારા તૈયાર કરાયેલી પ્રાકૃતિક પેદાશોના નિદર્શનને નિહાળ્યું હતું. તેમજ જિલ્લામાં પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્ય કરનારા જિલ્લાના આદર્શ ખેડૂતોને મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે બેસ્ટ આત્મા ફાર્મર અવોર્ડ અને પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવાહુતી, આણંદ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મયુરીબેન પટેલ, કરમસદ આણંદ મહાનગરપાલિકા મેયરશ્રી દિપીકાબેન પટેલ, આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ.એન.આઈ.શાહ, અગ્રણી સર્વ શ્રી હેમલબેન પટેલ, દિપેશભાઈ અમીન સહિતના પદાધિકારીઓ, કૃષિ વૈજ્ઞાનિકો, જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ અને મોટી સંખ્યામાં જિલ્લાના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

૧૨ વર્ષ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના

૧૨ વર્ષ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના

૧૨ વર્ષ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના

૧૨ વર્ષ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના

૧૨ વર્ષ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના