૧૦૮ ઈ.એમ.આર.આઈ ગ્રીન હેલ્થ સર્વિસના કર્મચારીઓના સમર્પણને “અર્પણ સન્માન”
Publish Date : 27/05/2025
મધ્ય ઝોનના સાત જિલ્લાઓના ૫૧ કર્મચારીઓને વર્ષ દરમિયાન ૧૦૮ ઇમરજન્સી સેવામાં ઉત્કૃષ્ટ સેવા આપવા બદલ સન્માનિત કરાયા.
આણંદ,સોમવાર: 26મી મે નેશનલ પાયલોટ દિવસ નિમિત્તે ગુજરાત રાજ્ય મધ્ય ઝોનના સાત જિલ્લાઓના ૫૧ કર્મચારીઓને વર્ષ દરમિયાન ૧૦૮ ઇમરજન્સી સેવામાં ઉત્કૃષ્ટ સેવા આપવા બદલ આણંદ જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીના હસ્તે પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે આણંદ મહાનગરપાલીકા કમિશનરશ્રી મીલીંદ બાપના તથા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ગૌરવ જસાણી પણ પ્રેરક ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીએ જણાવ્યું હતું કે,આ પ્રકારના સન્માન કાર્યક્રમ કર્મચારીઓમાં ઉત્સાહ અને કાર્યક્ષમતા વધારવામાં મહત્વપૂર્ણ કડી સાબિત થાય છે. આણંદ જિલ્લામાં યોજાનાર આ કાર્યક્રમ સમગ્ર મધ્ય ગુજરાત માટે પ્રેરણાદાયી બનશે.
મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓ જેમાં આણંદ, વડોદરા, ખેડા, અરવલ્લી,મહીસાગર, પંચમહાલ અને દાહોદના EMRI ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા કર્મચારીઓને તેમની ઉત્કૃષ્ટ કામગીરી માટે સન્માનનો કાર્યક્રમ આણંદ જિલ્લામાં સર્કીટ હાઉસ આણંદ ખાતે યોજાયો હતો.
કાર્યક્રમ દરમિયાન છેલ્લા એક વર્ષ દરમિયાન પોતાના ફરજ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર મધ્ય ગુજરાતના વિવિધ જિલ્લામાંથી કુલ ૫૧ જેટલા કર્મચારીઓ ને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. અમર પંડ્યા તથા EMRI ગ્રીન હેલ્થ સર્વિસના અધિકારીશ્રી તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
