સુગમ ડિજિટલ ગુજરાત- નાગરિકોને ઘરઆંગણે સરકારી સેવાઓ ઉપલબ્ધ કરાવતું એક ડિજિટલ પ્લેટફોર્મ
Publish Date : 22/07/2026
આણંદ, મંગળવાર, રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને સરકારી સેવાઓ સરળ, ઝડપી અને પારદર્શક રીતે ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશથી ઓનલાઈન સેવાઓનો વ્યાપ સતત વધી રહ્યો છે. આ પ્લેટફોર્મના માધ્યમથી રાજ્યના નાગરિકો વિવિધ સરકારી વિભાગોની સેવાઓ માટે હવે ઘરે બેઠાં જ ઓનલાઈન અરજી કરી શકે છે, એટલું જ નહી પરંતુ અરજીઓની સ્થિતિ જાણી શકે છે તેમજ સરકારની વિવિધ સેવાઓ અને યોજનાઓનો સરળતાથી ઘરે બેઠાં જ લાભ મેળવી શકે છે.
રાજ્ય સરકારનો મુખ્ય ઉદ્દેશ ટેકનોલોજીના માધ્યમથી સરકારી સેવાઓને વધુ સુલભ, કાર્યક્ષમ અને સમયબદ્ધ બનાવવાનો છે. આ પહેલા સામાન્ય નાગરિકોને નાના-નાના કામો માટે સરકારી કચેરીઓના અનેક ધક્કા ખાવા પડતા હતા, લાંબી લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડતું હતું અને હવે આજે ડિજિટલ વ્યવસ્થાના કારણે મોટાભાગની સેવાઓ ઓનલાઈન થતા ઘણા કામો સરળ બની ગયા છે અને આ સેવાની પ્રક્રિયા વધુ સરળ અને પારદર્શક બની છે. પરિણામે સમય અને ખર્ચમાં બચત થવાની સાથે સરકારી કામગીરીમાં પણ કાર્યક્ષમતા આવી છે.
સુગમ ડિજિટલ ગુજરાતના માધ્યમથી નાગરિકો વિવિધ પ્રકારના દાખલાઓ અને પ્રમાણપત્રો માટે ઓનલાઈન અરજી કરી શકે છે. આવકનો દાખલો, જાતિનો દાખલો, રહેઠાણનો દાખલો, નોન-ક્રિમીલેયર પ્રમાણપત્ર, સિનિયર સિટિઝન પ્રમાણપત્ર સહિત વિવિધ પ્રમાણપત્રો માટે અરજી કરવાની સુવિધા ઉપલબ્ધ છે. આ ઉપરાંત વિવિધ વિભાગોની નાગરિકોને લગતી સેવાઓ, સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગેની માહિતી, યોજનાઓ માટે ઓનલાઈન અરજી, અરજીઓની સ્થિતિની જાણકારી તેમજ અનેક ડિજિટલ સેવાઓ એક જ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
આ પ્લેટફોર્મનો ઉપયોગ કરવો સરળ છે. આ પ્લેટફોર્મનો ઉપયોગ કરવા ઈચ્છતા વ્યક્તિએ સૌ પ્રથમ આ પ્લેટફોર્મ ઉપર તેની નોંધણી કરાવવાની હોય છે. ત્યારબાદ મોબાઇલ નંબર અથવા અન્ય વિગતો ભરીને પોર્ટલ ઉપર લોગિન થઈ જરૂરી સેવા પસંદ કરી શકાય છે. જેમાં ઓનલાઈન અરજીપત્રકમાં વિગતો ભરવાની રહેશે અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરીને અરજી સબમિટ કરવાની રહેશે, અરજી સ્વીકાર્યા બાદ ઓનલાઈન જ તેની માહિતી તમને મળી જશે, જેના કારણે અરજદારોને વારંવાર સરકારી કચેરીઓમાં જવાની જરુર રહેતી નથી.
સુગમ ડિજિટલ પોર્ટલ એ વિવિધ સરકારી સેવાઓ જેવી કે, જરૂરી દસ્તાવેજો, અરજી પ્રક્રિયા, પાત્રતા, સમયમર્યાદા અને અન્ય માર્ગદર્શિકા પણ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવે છે. જેના કારણે નાગરિકોને યોગ્ય અને અધિકૃત માહિતી સરળતાથી મળી રહે છે તેમજ અરજી પ્રક્રિયામાં પારદર્શિતા જળવાઈ રહે છે.
રાજ્ય સરકાર દ્વારા ડિજિટલ સેવાઓના પરિણામે દૂરના ગામોમાં વસતા નાગરિકો પણ હવે નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC), જનસેવા કેન્દ્ર અથવા ઇન્ટરનેટની મદદથી સરકારી સેવાઓનો લાભ મેળવી શકે છે.
આજના ડિજિટલ ગવર્નન્સના યુગમાં સુગમ ડિજિટલ રાજ્ય સરકારની મહત્વપૂર્ણ પહેલ તરીકે ઉભરી આવ્યું છે. આ પ્લેટફોર્મના માધ્યમ થી સરકારી સેવાઓમાં પારદર્શિતા, જવાબદારી અને કાર્યક્ષમતામાં વધારો થયો છે. સાથે જ નાગરિકોને ઘરે બેઠા જ વિવિધ સરકારી સેવાઓનો ઝડપી લાભ મળી રહે છે.
સુગમ ડિજિટલ એ રાજ્ય સરકારની નાગરિકો માટેની ડિજિટલ પહેલ છે, જે સરકારી સેવાઓને વધુ સરળ, ઝડપી, પારદર્શક બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. ટેકનોલોજી આધારિત સેવાના કારણે નાગરિકોને ઘર બેઠા જ વિવિધ સરકારી સેવાઓનો લાભ મળી રહ્યો છે. ડિજિટલ ગુજરાતના નિર્માણમાં આ પ્લેટફોર્મ અસરકારક માધ્યમ તરીકે કાર્ય કરી રહ્યું છે અને રાજ્યમાં સુશાસનને વધુ મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે.