શિક્ષણથી વંચિત બાળકોની ઓળખ માટે આણંદ જિલ્લામાં તા. ૪ થી ૧૦ ડિસેમ્બર દરમિયાન વિશેષ સર્વે હાથ ધરાશે

Publish Date : 18/11/2026

શાળા બહારના બાળકોના સર્વેની કામગીરીમાં સહકાર આપવા અંગે સમગ્ર શિક્ષા જિલ્લા કચેરી દ્વારા નાગરિકોને અપીલ

આણંદ, મંગળવાર , રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ-૨૦૦૯ની જોગવાઈ મુજબ ૬ થી ૧૪ વર્ષની વયજૂથના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો બંધારણીય અધિકાર છે. જે અંતર્ગત, વિવિધ કારણોસર શાળા બહાર રહી ગયેલા અને ધોરણ-૧ થી ૧૨ સુધીનું શિક્ષણ પૂર્ણ ન કરી શક્યા હોય તેવા ૬ થી ૧૮ વર્ષની વયજૂથના દિવ્યાંગ સહિતના તમામ બાળકોની ઓળખ કરવા માટે આગામી તા.૦૪/૧૨/૨૦૨૬ થી તા.૧૦/૧૨/૨૦૨૬ દરમિયાન વિશેષ સર્વે હાથ ધરવામાં આવનાર છે. સમગ્ર શિક્ષા પ્રોજેક્ટ સ્ટાફ, શાળા વ્યવસ્થાપન સમિતિ અને અન્ય સંબંધિત વિભાગોના સંયુક્ત ઉપક્રમે આ કામગીરી કરવામાં આવશે.

આ સર્વેની કામગીરીને સફળ બનાવવા માટે જાહેર જનતાનો સહકાર અત્યંત આવશ્યક છે. જેથી નાગરિકોને તેઓની આસપાસ આવા કોઈ પણ શાળા બહારના બાળકો જોવા મળે, તો તેની જાણ નજીકની સરકારી પ્રાથમિક શાળા, તાલુકાના સી.આર.સી. કે બી.આર.સી. ભવન ખાતે કરવા અથવા સમગ્ર શિક્ષા જિલ્લા કચેરી, આણંદના ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૨૩૩૩ ૭૬૩૫ ઉપર સંપર્ક કરી માહિતી આપવા સમગ્ર શિક્ષા જિલ્લા કચેરી દ્વારા એક યાદીમાં નાગરિકોને નમ્ર અપીલ કરવામાં આવી છે.