શહેરને સ્વચ્છ રાખવા માટે તંત્રની સાથે નાગરિકોની ભાગીદારી પણ જરૂરી
Publish Date : 11/09/2026
આણંદ,ગુરુવાર, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની તાજેતરની વડોદરાની મુલાકાત દરમિયાન તેમણે સ્વચ્છતાને લઈને નાગરિકોને મહત્વપૂર્ણ સંદેશ આપતા જણાવ્યું હતું કે, “આપણે નક્કી કરીએ કે હવે આપણે વડોદરાને ગંદુ થવા જ નહીં દઈએ.” સ્વચ્છતા માત્ર સફાઈ કર્મચારીઓ કે સ્થાનિક તંત્રની જવાબદારી નથી, પરંતુ દરેક નાગરિકની સામૂહિક જવાબદારી છે. જાહેર સ્થળોને સ્વચ્છ રાખવા માટે તંત્ર દ્વારા કરવામાં આવતી કામગીરી સાથે નાગરિકોનો સહયોગ જોડાય તો શહેરને વધુ સ્વચ્છ અને સુંદર બનાવી શકાય છે.
શહેરના વિકાસમાં રસ્તા, પાણી, વીજળી અને અન્ય સુવિધાઓ જેટલું જ મહત્વ સ્વચ્છતા અને જાહેર સ્થળોની જાળવણીનું છે. શહેરના મુખ્ય માર્ગો, બજારો, બગીચાઓ, બસ સ્ટેન્ડ, સરકારી કચેરીઓની આસપાસના વિસ્તારો, જાહેર શૌચાલયો અને અન્ય જાહેર સ્થળોની નિયમિત સફાઈ થાય તે જરૂરી છે. શહેરની સ્વચ્છતા એ નાગરિકોની સભ્યતા અને જીવનશૈલીની ઓળખ છે.
સ્થાનિક તંત્ર દ્વારા શહેરમાં સફાઈ માટે સફાઈ કર્મચારીઓની કામગીરી, કચરાના નિકાલની વ્યવસ્થા અને જાહેર સ્થળોની જાળવણી કરવામાં આવે છે. જોકે સફાઈ કર્યા બાદ ફરીથી જાહેર સ્થળોએ કચરો ન ફેલાય તેની જવાબદારી પણ નાગરિકોની છે. રસ્તા પર કચરો ન નાખવો, કચરાપેટીનો ઉપયોગ કરવો, જાહેર સ્થળોએ થૂંકવું નહીં અને જાહેર સંપત્તિને નુકસાન ન પહોંચાડવું જેવી નાની બાબતો સ્વચ્છતા જાળવવામાં મોટો ફાળો આપી શકે છે.
ઘણી વખત જાહેર સ્થળોની સફાઈ કરવામાં આવે છે, પરંતુ થોડા સમય બાદ ત્યાં ફરી કચરો જોવા મળે છે. આવી સ્થિતિમાં માત્ર સફાઈની કામગીરી વધારવાથી કાયમી ઉકેલ મળી શકશે નહીં. લોકોમાં સ્વચ્છતા અંગેની સમજ અને જવાબદારી વધારવી પણ એટલી જ જરૂરી છે. આ માટે સ્થાનિક તંત્ર, શાળા-કોલેજો, સામાજિક સંસ્થાઓ, વેપારીઓ અને યુવાનો દ્વારા જનજાગૃતિના કાર્યક્રમો કરી શકાય છે.
જાહેર સ્થળોની જાળવણી પણ સ્વચ્છતાનો મહત્વપૂર્ણ ભાગ છે. બગીચાઓમાં નિયમિત સફાઈ સાથે છોડ અને વૃક્ષોની સંભાળ, બેસવાની વ્યવસ્થા, લાઇટિંગ અને અન્ય સુવિધાઓ કાર્યરત રહે તે જરૂરી છે. તેવી જ રીતે શહેરના જાહેર સ્થળોએ મૂકવામાં આવેલી કચરાપેટીઓનો સમયસર નિકાલ થાય અને તૂટેલી કે નુકસાન પામેલી સુવિધાઓની સમયસર મરામત કરવામાં આવે તો જાહેર સ્થળોની સ્થિતિ વધુ સારી બનાવી શકાય છે.
વડોદરામાં પ્રધાનમંત્રી દ્વારા આપવામાં આવેલા સ્વચ્છતાના સંદેશને માત્ર એક શહેર પૂરતો મર્યાદિત રાખવાને બદલે દરેક શહેર અને ગામમાં સ્વચ્છતા માટે દરેક નાગરિકએ સંકલ્પ લેવો જરૂરી છે. સ્વચ્છતા અભિયાન કોઈ એક દિવસની કામગીરીના બદલે રોજિંદા જીવનનો ભાગ બને તે જરૂરી છે.
શહેરને સ્વચ્છ રાખવામાં તંત્રની કામગીરી મહત્વપૂર્ણ છે, પરંતુ તંત્ર દ્વારા કરવામાં આવેલી સફાઈ જળવાઈ રહે તે માટે નાગરિકોની ભૂમિકા પણ એટલી જ મહત્વપૂર્ણ છે. દરેક વ્યક્તિ પોતાના ઘરથી સ્વચ્છતાની શરૂઆત કરી જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવામાં સહયોગ આપે તો સમગ્ર શહેરમાં સકારાત્મક પરિવર્તન લાવી શકાય છે.
સ્વચ્છ શહેર માત્ર સુંદર દેખાવ પૂરતું નથી. સ્વચ્છ વાતાવરણ લોકોના આરોગ્ય, સુખાકારી અને શહેરની ઓળખ સાથે જોડાયેલું છે. તેથી જાહેર સ્થળોની સ્વચ્છતા અને જાળવણીને સતત પ્રાથમિકતા આપવાની સાથે નાગરિકોમાં પણ સ્વચ્છતા પ્રત્યે જવાબદારીની ભાવના વિકસાવવી જરૂરી છે. પ્રધાનમંત્રીશ્રીના સ્વચ્છતાના સંદેશને જનભાગીદારી સાથે સાકાર કરવો એ સ્વચ્છ સ્વસ્થ શહેર તરફનું મહત્વપૂર્ણ પગલું બની રહેશે.