વિશ્વ પ્રવાસન દિવસ : પ્રવાસનથી જ મળશે સંસ્કૃતિ, રોજગાર અને વિકાસને નવી દિશા
Publish Date : 28/09/2026
પ્રવાસન એટલે માત્ર મનોરંજન નહીં, પણ સંસ્કૃતિ અને વિકાસની ઓળખ
આણંદ,શુક્રવાર,વિશ્વ પ્રવાસન દિવસ દર વર્ષે 27 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. પ્રવાસન ક્ષેત્રના મહત્વ અંગે લોકોમાં જાગૃતિ લાવવા, વિવિધ દેશો અને પ્રદેશોની સંસ્કૃતિને નજીકથી સમજવા તેમજ પ્રવાસનના આર્થિક અને સામાજિક મહત્વને ઉજાગર કરવાના હેતુથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. પ્રવાસન આજે માત્ર મનોરંજન કે ફરવા પૂરતું મર્યાદિત રહ્યું નથી, પરંતુ તે રોજગાર, સ્થાનિક અર્થતંત્ર, સાંસ્કૃતિક વારસા અને સર્વાંગી વિકાસ સાથે જોડાયેલું મહત્વનું ક્ષેત્ર બની રહ્યું છે.
પ્રવાસન દ્વારા વ્યક્તિને વિવિધ સ્થળોની પ્રાકૃતિક સુંદરતા, ઐતિહાસિક વારસો, ધાર્મિક પરંપરા, લોકજીવન, કલા અને સંસ્કૃતિને જાણવાની તક મળે છે. એક પ્રદેશના લોકો જ્યારે બીજા પ્રદેશની મુલાકાત લે છે ત્યારે વિવિધ ભાષા, પહેરવેશ, ભોજન, કલા અને ત્યાની પરંપરાઓને સમજવાની સાથે પરસ્પર સંવાદ અને સમજણ પણ વધે છે. આ રીતે પ્રવાસન વિવિધ સંસ્કૃતિઓ વચ્ચે જોડાણ સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
ગુજરાત પહેલાથી જ પોતાની વિવિધ પ્રકારના પ્રવાસન માટે વિશેષ ઓળખ ધરાવે છે. રાજ્યમાં ઐતિહાસિક સ્મારકો, ધાર્મિક સ્થળો, દરિયાકિનારા, વન્યજીવન, રણપ્રદેશ, લોકકલા અને સાંસ્કૃતિક વારસો પ્રવાસીઓને આકર્ષે છે. જેમ કે ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, કચ્છનું રણ, ગીરનું જંગલ, સોમનાથ, દ્વારકા, પાવાગઢ સહિત અનેક પ્રવાસન સ્થળો આવેલા છે. આવા સ્થળો રાજ્યની સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વિવિધતાની ઓળખ ધરાવે છે.
પ્રવાસન ક્ષેત્રના વિકાસ સાથે સ્થાનિક સ્તરે રોજગારીની તકો પણ વધે છે. હોટલ, પરિવહન, માર્ગદર્શક સેવા, હસ્તકલા, સ્થાનિક ઉત્પાદનો અને વિવિધ સેવાઓ સાથે સંકળાયેલા લોકો માટે આવકના નવા માર્ગો ઊભા થાય છે. ખાસ કરીને સ્થાનિક કારીગરો અને નાના વ્યવસાયકારો માટે પ્રવાસન મહત્વપૂર્ણ આર્થિક આધાર બની શકે છે. પ્રવાસીઓ દ્વારા સ્થાનિક વસ્તુઓની ખરીદીથી સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન મળે છે અને પરંપરાગત કલા તથા હસ્તકલાને જાળવવામાં મદદ મળે છે.
પ્રવાસન સ્થળોના વિકાસમાં સ્વચ્છતા અને સુવિધાઓનું પણ વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. પ્રવાસન સ્થળોએ સ્વચ્છતા જાળવવી, પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરવો, જાહેર સંપત્તિને નુકસાન ન પહોંચાડવું અને કુદરતી સંસાધનોનું સંરક્ષણ કરવું એ દરેક નાગરિક અને પ્રવાસીની જવાબદારી છે. પ્રકૃતિ અને પર્યાવરણનું જતન કરીને કરવામાં આવતું પ્રવાસન લાંબા ગાળે પ્રવાસન સ્થળોને ટકાવી રાખવામાં મદદરૂપ બને છે.
પ્રવાસન સ્થળોની મુલાકાત દરમિયાન સ્થાનિક પરંપરા અને સંસ્કૃતિનું સન્માન કરવું, કુદરતી સ્થળોને સ્વચ્છ રાખવા, પાણી અને અન્ય કુદરતી સંસાધનોનો બગાડ ન કરવો તેમજ વન્યજીવો અને પ્રકૃતિને નુકસાન ન પહોંચાડવું જરૂરી છે. પ્રવાસનનો વિકાસ એવો હોવો જોઈએ કે જેના કારણે સ્થાનિક લોકો, પ્રવાસીઓ અને પર્યાવરણ ત્રણેને લાભ મળે.
પ્રવાસન દ્વારા પોતાના જ રાજ્ય અને દેશના અજાણ્યા સ્થળોને જાણવાની તક પણ મળે છે. સ્થાનિક પ્રવાસનને પ્રોત્સાહન આપવાથી લોકો પોતાના વિસ્તારના ઐતિહાસિક, ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાથી વધુ પરિચિત બને છે. તે વારસાનુ જતન કરે છે અને આ સાથે સ્થાનિક સ્તરે રહેલી વિશેષતાઓને દેશ-વિદેશના પ્રવાસીઓ સુધી પહોંચાડવામાં પણ મદદ મળે છે.
વિશ્વ પ્રવાસન દિવસ આપણને એ સમજ આપે છે કે પ્રવાસન માત્ર પ્રવાસ કરવાની પ્રવૃત્તિ નથી પરંતુ તે સંસ્કૃતિને જોડવાનું, રોજગારની તકો ઊભી કરવાનું અને સ્થાનિક વિકાસને વેગ આપવાનું માધ્યમ છે. પ્રવાસન સ્થળોનો વિકાસ, જરૂરી સુવિધાઓનું નિર્માણ, સ્વચ્છતા અને સુરક્ષા સાથે પ્રાકૃતિક તથા સાંસ્કૃતિક વારસાનું સંરક્ષણ કરવામાં આવે તો પ્રવાસન ક્ષેત્ર વધુ મજબૂત બની શકે છે.
આ વિશ્વ પ્રવાસન દિવસ નિમિત્તે આપણે આપણા આસપાસના પ્રવાસન સ્થળોને જાણીએ, તેમના ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વને સમજીએ તેમજ પ્રવાસ દરમિયાન સ્વચ્છતા, શિસ્ત અને પર્યાવરણ સંરક્ષણને પ્રાથમિકતા આપવાનો સંકલ્પ કરીએ. જવાબદાર પ્રવાસન દ્વારા સ્થાનિક વિકાસને ગતિ આપવાની સાથે આપણા સમૃદ્ધ વારસાને આવનારી પેઢી સુધી જાળવી રાખી શકાય છે.