Close

વિકાસ સપ્તાહ ૨૦૨૫, આણંદ જિલ્લો

Publish Date : 14/10/2025

સોજીત્રા તાલુકાના ગાડા ગામે રાત્રિ સભા યોજાઈ

વિકાસ સપ્તાહનો રથ પરિભ્રમણ કરીને પહોંચ્યો ગદા ગામે, ગ્રામજનો દ્વારા થયું દબદબાભેર સ્વાગત

આણંદ, સોમવાર: વિકાસ સપ્તાહના છઠ્ઠા દિવસે સોજીત્રા તાલુકાના ગાડા ગામે રાતે વિકાસ રથ આવી પહોંચતા ગ્રામજનો દ્વારા રથનું ભવ્યાતિ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સમયે રાત્રી સભા યોજવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે તા. ૭ થી તા. ૧૫ ઓક્ટોબર સુધી આણંદ જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે.

આ કાર્યક્રમમાં  સોજીત્રાના તાલુકા વિકાસ અધિકારી શ્રી  જેનીબેન ગઢવીએ વિકાસ સપ્તાહ અંતર્ગત ગામ ખાતે આવેલ વિકાસ રથના માધ્યમથી સરકારની વિવિધ યોજનાઓની જાણકારી મેળવવા અનુરોધ કર્યો હતો અને કોઈપણ ગ્રામજન સરકારની વિવિધ યોજનાના લાભ થી વંચિત ન રહી જાય તે માટે પણ અનુરોધ કર્યો હતો.

આ તબક્કે મહાનુભાવોના હસ્તે મહિલા અને બાળ વિકાસ વિભાગ, આરોગ્ય વિભાગ, મિશન મંગલમ અને પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતના કુલ ૧૨ લાભાર્થીઓને રૂપિયા ૫.૩૦ લાખની  સહાયના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું તથા વિકાસ સપ્તાહ અંતર્ગત સાહિત્યનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. ગ્રામજનોએ વિકાસ રથ થકી વિકાસની ગાથા વર્ણવતી શોર્ટ ફિલ્મ નિહાળી હતી.

ગ્રામજનોએ ગામમાં વિવિધ જગ્યાઓ ખાતે રસ્તા બનાવવા અંગે, રસ્તાની બંને બાજુ ઝાડી જાખરા નું કટીંગ કરવા અંગે, મહિયારી શાળા નહેરની બંને બાજુ ઝાડ નું કટીંગ નું કામ કરવા અંગે, દેવાતજથી ગાડા સુધીનો કાસ તથા ગાડાથી ખોડિયાર માતાજીના મંદિર સુધીના કાંસની સફાઈ કરવા અંગે તથા કાંસના બંને પાડા ઉપર ગરનાડુ બનાવવા વખતે જેવા વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા. તાલુકા વિકાસ અધિકારી શ્રી અને તાલુકા પંચાયત પ્રમુખ શ્રી દ્વારા ગ્રામજનોના પ્રશ્નો સાંભળીને ગ્રામજનોના પ્રશ્નો નો હકારાત્મક ઉકેલ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે વિકાસ સપ્તાહનો વિકાસ રથ દિવસ દરમિયાન સોજીત્રા તાલુકાના પીપળાવ અને ત્રંબોવડ ગામે આવી પહોંચ્યો હતો ત્યાં ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને વિકાસ રથના માધ્યમથી ગ્રામજનોને વિવિધ યોજનાકીય સહાયના લાભોનું વિતરણ સોજીત્રાના ધારાસભ્ય શ્રી વિપુલભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં સોજીત્રા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી મેહુલભાઈ ગોહેલ, તાલુકા હેલ્થ ઓફિસર આઈ. કે. પ્રજાપતિ, તાલુકા શિક્ષણ અધિકારી શ્રી માધવસિંહ પરમાર, એપીએમસીના ચેરમેન શ્રી છત્રસિંહ જાદવ, અગ્રણી શ્રી બળદેવભાઈ પરમાર, શ્રી જતીનભાઈ પટેલ, તાલુકા પંચાયત સભ્ય શ્રી ઓ સહિત ગામના વડીલો, મહિલાઓ, યુવાઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

વિકાસ સપ્તાહ ૨૦૨૫, આણંદ જિલ્લો