વાસદ નજીક મહીસાગર નદીના પટમાં 108 ની ટીમે કરાવી સફળ પ્રસૂતિ: માતા અને નવજાત શિશુ સુરક્ષિત
Publish Date : 28/09/2026
આણંદ, રવિવાર, આપત્તિના સમયે દેવદૂત બનીને પહોંચતી 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવાએ ફરી એકવાર પોતાની ત્વરિત કામગીરી અને માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તારીખ 27 સપ્ટેમ્બરના રોજ સવારે 08:36 કલાકે વાસદ સ્થિત મહીસાગર નદીના પટ વિસ્તારમાંથી એક ગર્ભવતી મહિલા માટે ઈમરજન્સી કોલ મળતા જ વાસદ IFT 108 એમ્બ્યુલન્સ ટીમ ક્ષણનો પણ વિલંબ કર્યા વિના તત્કાળ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
નદી પટ વિસ્તારમાં પહોંચીને તપાસ કરતા 26 વર્ષીય મહિલાને પ્રસૂતિની તીવ્ર પીડા થઈ રહી હતી. સ્થિતિ અત્યંત સંવેદનશીલ હોવાથી હોસ્પિટલ પહોંચાડવા સુધીનો સમય ન હોઈ, એમ્બ્યુલન્સ ટીમે સમયસૂચકતા વાપરીને સ્થળ પર જ તમામ જરૂરી તબીબી સાધન-સામગ્રી સાથે ત્વરિત સારવાર અને ઈમરજન્સી સહાય પૂરી પાડવાનું શરૂ કરી દીધું હતું.
108 કમાન્ડ સેન્ટરના ડો. મંથનના માર્ગદર્શન હેઠળ EMT ગાયત્રીબેન ભીલ અને પાયલોટ સમીરભાઈ વહોરાએ પોતાની ઉત્કૃષ્ટ કુશળતા અને સૂઝબૂઝથી સ્થળ પર જ સફળતાપૂર્વક પ્રસૂતિ કરાવી હતી. 108 ની આ ટીમે પોતાની નિષ્ઠા અને ફરજપરસ્તતાથી એક જટિલ પરિસ્થિતિને સફળતામાં ફેરવી બતાવી હતી.
પ્રસૂતિ બાદ માતા અને નવજાત શિશુ બંનેની તબિયત એકદમ સ્વસ્થ અને સ્થિર છે. બંનેને વધુ નિરીક્ષણ અને સારવાર અર્થે સીએચસી (CHC) વાસદ રેફરલ હોસ્પિટલ ખાતે સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યા છે. 108 ની આ સરાહનીય કામગીરી અને સમયસર મળેલી જીવનરક્ષક મદદ બદલ દર્દીના પરિવારે 108 ની ટીમનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.