વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ સમિટ અંતર્ગત આણંદ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો
Publish Date : 20/06/2026
મહેસૂલ રાજ્યમંત્રી શ્રી સંજયસિંહ મહીડાની વિશેષ ઉપસ્થિતિમાં રૂ. ૨૬૭.૮૯ કરોડના કુલ ૧૫૨ ઇન્વેસ્ટમેન્ટ ઇન્ટેન્શન નોંધાયા
“આણંદ જિલ્લો ઔદ્યોગિક ક્ષેત્રે વૈશ્વિક હબ બનવા સક્ષમ”: આણંદ જિલ્લા પ્રભારી મંત્રીશ્રી સંજયસિંહ મહીડા
નવી ‘વિકસિત ગુજરાત ઔદ્યોગિક નીતિ ૨૦૨૬’નો લાભ લેવા ઉદ્યોગકારોને આહવાન કરતા અધિક ઉદ્યોગ કમિશનરશ્રી અમિત પ્રકાશ યાદવ
આણંદ, ગુરૂવાર ,”વાયબ્રન્ટ ગુજરાત રિઝનલ કોન્ફરન્સ – મધ્ય ગુજરાત” અંતર્ગત આણંદના સાંગોળપુરા સ્થિત પ્રમુખસ્વામી કોમ્યુનિટી હોલ ખાતે આજે વાયબ્રન્ટ ગુજરાત જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુજરાતના મહેસૂલ રાજ્યમંત્રી અને આણંદ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી સંજયસિંહ મહીડા મુખ્ય અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
આ તકે મંત્રીશ્રી સંજયસિંહ મહીડાએ જણાવ્યું હતું કે, છેલ્લા ૨૩ વર્ષથી વાઈબ્રન્ટ સમિટના કારણે ગુજરાત દેશના આર્થિક વિકાસનું પાવરહાઉસ બન્યું છે. નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માં દેશની કુલ નિકાસમાં ગુજરાતનો હિસ્સો ૨૫% રહ્યો છે. આણંદ જિલ્લાની પ્રગતિ વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે, સરદાર પટેલ અને ત્રિભુવનદાસ પટેલના પ્રયાસોથી શરૂ થયેલી અમૂલ ડેરીને કારણે આજે ‘દૂધ’ને આણંદ જિલ્લાની ‘વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ’ તરીકે વૈશ્વિક ઓળખ મળી છે. આણંદ જિલ્લો મિલ્કની સાથે વિઠ્ઠલ ઉદ્યોગનગર, ખંભાત, પેટલાદ, બોરસદ સહિતની જીઆઈડીસીઓ મારફતે ફાર્માસ્યુટિકલ, કેમિકલ અને એન્જિનિયરિંગ ક્ષેત્રે પણ અગ્રેસર છે. મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે ખંભાતના પ્રખ્યાત અકીક ઉદ્યોગને GI ટેગ મળેલો છે. જે વૈશ્વિક સ્તરે આકર્ષણનું કેન્દ્ર છે. આણંદમાંથી અથાણા, દિવેલ, ફ્રોઝન ફૂડ, રાઈસ અને દાળની મોટા પાયે નિકાસ થાય છે.
જિલ્લામાં હાલ ૭૯,૭૭૪ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME) નોંધાયેલા છે. છેલ્લા પાંચ વર્ષમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ૧૦૦૦ થી વધુ એમએસએમઇ એકમોને રૂપિયા ૪૮ કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે. નવી ઉદ્યોગ નીતિ-૨૦૨૬ ના માધ્યમથી ઉદ્યોગકારો વડાપ્રધાનશ્રીના ‘વિકસિત ભારત ૨૦૪૭’ના વિઝનને સાકાર કરશે તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આ તકે અધિક ઉદ્યોગ કમિશનરશ્રી અમિત પ્રકાશ યાદવ એ જણાવ્યું હતું કે તારીખ ૧૫ જૂન ૨૦૨૬ ના રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ઉદ્યોગ મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા લોન્ચ કરાયેલી ‘વિકસિત ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પોલિસી ૨૦૨૬’ રોકાણકારો માટે ખુબજ લાભદાયી છે. આ નીતિ હેઠળ વિકસિત તાલુકાઓમાં ૩૫% અને વિકાસશીલ તાલુકાઓમાં રૂપિયા ૧૦૦ કરોડ સુધીના રોકાણ પર ૪૫% સુધીની કેપિટલ સબસીડી તથા એન્વાયરમેન્ટ કોમ્પ્લાયન્સ (ZLD) માટે રૂપિયા ૫૦ કરોડ સુધીની સહાયની જોગવાઈ છે. આ ઉપરાંત સ્ટાર્ટઅપ્સ માટે રૂપિયા ૨૫ હજાર પ્રતિ માસ અને મહિલા ફાઉન્ડર હોય તો રૂપિયા ૩૦ હજાર પ્રતિ માસની સહાય બે વર્ષ સુધી આપવામાં આવશે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું. તેમણે આગામી સમયમાં વડોદરા ખાતે યોજાનારી રીજનલ કોન્ફરન્સમાં જોડાઈ આણંદ અને ખેડાના ઉદ્યોગકારોને આ નીતિનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો.
આ તકે જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવાહુતીએ સ્વાગત પ્રવચન કરતા મંત્રીશ્રી, અધિક ઉદ્યોગ કમિશનરશ્રી સહિત કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ ઉદ્યોગપતિઓ, વેપારીઓ અને નાગરિકોને આવકાર્યા હતા. તેમણે જણાવ્યું કે, વર્ષ ૨૦૦૩ માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલમાં દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિથી શરૂ થયેલી વાઈબ્રન્ટ સમિટ માત્ર એક ઇવેન્ટ નથી, પરંતુ ગુજરાતના વિકાસ અને વૈશ્વિક ઓળખનું સશક્ત પ્લેટફોર્મ બની ઉભરી આવ્યું છે. બે વર્ષ પહેલાં યોજાયેલી પ્રિ-વાઈબ્રન્ટ આણંદ સમિટની સફળતાને યાદ કરી તેમણે ઉમેર્યું હતું કે આજનો આ કાર્યક્રમ સ્થાનિક એમએસએમઇ અને કૃષિ આધારિત ઉદ્યોગોમાં ફરી નવી ઉર્જાનો સંચાર કરશે.
નોંધનીય છે કે આગામી તા.૨૯/૩૦ ના રોજ વડોદરા ખાતે યોજાનારી સેન્ટ્રલ ઝોન સમિટના પૂર્વ તબક્કારૂપે યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લામાં ઔદ્યોગિક વિકાસને વેગ આપવા અને સ્થાનિક રોજગારી વધારવા જિલ્લાના વિવિધ અગ્રણી રોકાણકારો સાથે સ્ટેજ પર મહાનુભાવોની ઉપસ્થિતિમાં એમઓયુનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું હતું. જેમાં મેસર્સ વિપનિક ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રૂ. ૫ કરોડનું રોકાણ, મેસર્સ જે.એમ. ભગત દ્વારા રૂ. ૧૯ કરોડનું રોકાણ, મેસર્સ શ્રી રામ ટ્રેડિંગ કંપની દ્વારા રૂ. ૫ કરોડનું રોકાણ ઉપરાંત આણંદ જિલ્લા માટે કુલ ૧૫૨ ઇન્વેસ્ટમેન્ટ ઇન્ટેન્શન નોંધાયા છે, જેના થકી રૂપિયા ૨૬૭.૮૯ કરોડનું નવું રોકાણ આવશે અને અંદાજે ૧૬૫૦ જેટલી નવી રોજગારીની તકોનું સર્જન થશે. કાર્યક્રમની શરૂઆતમાં વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સ અંગેની એક માહિતીસભર ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતની ઔદ્યોગિક સફર અને વિકાસને પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ જિલ્લાના ઉદ્યોગ સાહસિકો માટે ‘વાજપાઈ બેન્કેબલ યોજના’ થકી મંજૂર થયેલ લોન અંતર્ગત લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મ્યુનિસિપલ કમિશનર શ્રી આર. એન. ડોડિયા, આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મયુરીબેન પટેલ, આણંદ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી દીપિકાબેન પટેલ, વિવિધ ઔદ્યોગિક એસોસિએશનના પદાધિકારીઓ, ઉદ્યોગપતિઓ, અધિકારીઓ તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ સમિટ અંતર્ગત આણંદ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો

વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ સમિટ અંતર્ગત આણંદ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો

વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ સમિટ અંતર્ગત આણંદ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો

વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ સમિટ અંતર્ગત આણંદ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો

વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ સમિટ અંતર્ગત આણંદ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો

વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ સમિટ અંતર્ગત આણંદ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો

વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ સમિટ અંતર્ગત આણંદ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો

વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ સમિટ અંતર્ગત આણંદ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો

વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ સમિટ અંતર્ગત આણંદ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો