વસ્તી ગણતરી અંતર્ગત સ્વ-ગણતરી પ્રક્રિયામાં પેટલાદની એસ.એસ. હોસ્પિટલના અધિકારી-કર્મચારીઓ બન્યા સહભાગી
Publish Date : 30/05/2026
રાષ્ટ્રીય વસ્તી ગણતરી–૨૦૨૭ અંતર્ગત પ્રથમ તબક્કામાં ઓનલાઈન સ્વ-ગણતરી પૂર્ણ કરવાની છેલ્લી તા. ૩૧ મે, ૨૦૨૬
આણંદ, શુક્રવાર : ગુજરાત રાજ્યમાં રાષ્ટ્રીય વસ્તી ગણતરી-૨૦૨૭ અંતર્ગત પ્રથમ તબક્કામાં હાલ ‘સ્વ-ગણતરી’ (Self-Enumeration) અભિયાન ઉત્સાહભેર ચાલી રહ્યું છે. ગત દિવસોમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આ અભિયાનનો ડિજિટલ પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. અભિયાન હેઠળ પ્રથમ તબક્કામાં નાગરિકોને સત્તાવાર પોર્ટલ મારફતે પોતાની તેમજ પરિવારની વિગતો ઓનલાઈન નોંધાવવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સ્વ-ગણતરી પ્રક્રિયા પૂર્ણ કરવાની છેલ્લી તારીખ તા. ૩૧ મે, ૨૦૨૬ નક્કી કરવામાં આવી છે.
આ અભિયાનને સફળ બનાવવા વિવિધ સરકારી કચેરીઓ અધિકારી – કર્મચારીઓ દ્વારા ‘સ્વ-ગણતરી’ (Self-Enumeration) સક્રિય કામગીરી હાથ ધરવામાં આવી છે. તેના ભાગરૂપે પેટલાદની એસ.એસ. હોસ્પિટલ ખાતે ફરજ બજાવતાં ૨૦૩ જેટલા અધિકારી-કર્મચારીઓએ વસ્તી ગણતરીના પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરાવીને તેમની ‘સ્વ-ગણતરી’ ની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરી છે, તેમ એસ.એસ. હોસ્પિટલની એક યાદીમાં જણાવાયું છે.
ઉલ્લેખનિય છે કે, ગુજરાતમાં અત્યાર સુધી હજ્જારો નાગરિકોએ ઓનલાઈન પોર્ટલ પર પોતાની નોંધણી પૂર્ણ કરી છે. આણંદ જિલ્લાની વાત કરીએ તો, સમગ્ર જિલ્લામાં અત્યાર સુધીમાં અંદાજે ૧૮,૬૩૯ પરિવારોએ ઓનલાઈન પોર્ટલ પર પોતાની વિગતો જાતે નોંધીને ‘સ્વ-ગણતરી’ (Self-Enumeration) દ્વારા ડિજિટલ જનગણના અભિયાનમાં સહભાગી થયા છે.
વસ્તી ગણતરી અભિયાન દ્વારા સરકારને વસ્તી, આરોગ્ય, શિક્ષણ, રહેણાંક સહિત વિકાસલક્ષી યોજનાઓ માટે સચોટ અને વિશ્વસનીય માહિતી પ્રાપ્ત થશે, જે ભાવિ આયોજન અને નીતિ નિર્માણમાં ઉપયોગી સાબિત થશે. જેને ધ્યાને લઈ આણંદ જિલ્લા તંત્ર દ્વારા નાગરિકોને https://se.census.gov.in પોર્ટલ પર જઈ પોતાની સાચી અને સંપૂર્ણ માહિતી સમયમર્યાદામાં નોંધાવી રાષ્ટ્રહિતના આ મહત્વપૂર્ણ કાર્યમાં સહભાગી થવા અનુરોધ કરવામાં આવ્યો છે.