વણાકબોરી વિયર ઓવરફ્લો: મહી નદીમાં પાણીની આવક વધતા કાંઠાના ગામોને સાવચેત રહેવા સૂચના
Publish Date : 27/07/2026
મહી નદીમાં ૪૨૩૭ ક્યુસેક પાણીનો પ્રવાહ: ભારે વરસાદની આગાહી વચ્ચે ફ્લડ સેલ દ્વારા એલર્ટ જાહેર
નડિયાદ ફ્લડ સેલની ચેતવણી: વણાકબોરી વિયરના નીચાણવાળા વિસ્તારોમાં નદીના પટમાં ન જવા અપીલ
આણંદ, શુક્રવાર, નડિયાદ સ્થિત મહી સિંચાઈ વર્તુળના ફ્લડ સેલ દ્વારા મહી નદીના ઉપરવાસમાં થઈ રહેલા વરસાદ અને જળસ્તરમાં થયેલા વધારાને પગલે સાવચેતીના ભાગરૂપે મહત્વની સૂચના જાહેર કરવામાં આવી છે. હાલમાં વણાકબોરી વિયર તેની નિર્ધારિત સપાટી વટાવીને ઓવરફ્લો થઈ રહ્યો છે, જેના કારણે મહી નદીના જળસ્તરમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. તંત્ર દ્વારા લેવામાં આવેલી સત્તાવાર માહિતી મુજબ, ૨૪ જુલાઈ ૨૦૨૬ના રોજ બપોરે ૧૪:૦૦ કલાકની સ્થિતિએ વણાકબોરી વિયર પરથી મહી નદીમાં ૪૨૩૭ ક્યુસેક પાણીનો પ્રવાહ પસાર થઈ રહ્યો છે.
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની કરવામાં આવેલી આગાહીને ધ્યાને લેતા આગામી સમયમાં મહી નદીના પ્રવાહમાં હજુ પણ વધારો થવાની પૂરેપૂરી શક્યતા છે. વણાકબોરી જળાશયની સપાટી હાલમાં ૬૭.૬૭ પર પહોંચી છે અને વિયર ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોમાં પાણીનું સ્તર વધી શકે તેમ છે. આ પરિસ્થિતિને જોતા નડિયાદ ફ્લડ સેલ દ્વારા વણાકબોરી વિયરના નીચાણવાસમાં આવતા તમામ વિસ્તારોના રહિશોને નદીના પટમાં ન જવા અથવા કોઈપણ પ્રકારની અવરજવર ન કરવા માટે સૂચના આપવામાં આવી છે.