વડોદરાના તરસાલી ખાતે તા.૧૭મી સપ્ટેમ્બરે ચાર જિલ્લાનો ક્લસ્ટર કક્ષાનો રોજગાર અને એપ્રેન્ટીસ મેળો યોજાશે
Publish Date : 16/09/2026
૩૫ થી વધુ નોકરીદાતા કંપનીઓ દ્વારા ૧૫૦૦થી વધુ જગ્યાઓ માટે પસંદગી પ્રક્રિયા હાથ ધરાશે
આણંદ, સોમવાર , શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હસ્તકની મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી-વડોદરા તેમજ ખેડા, આણંદ અને છોટાઉદેપુર જિલ્લા રોજગાર કચેરીઓ તથા યુ.ઈ.બી. વડોદરા અને વિદ્યાનગરના સંયુક્ત ઉપક્રમે આગામી તારીખ ૧૭ મી સપ્ટેમ્બર, ગુરુવારના રોજ સવારે ૦૯:૦૦ કલાકે વડોદરાના તરસાલી આઈ.ટી.આઈ. કેમ્પસમાં મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી ખાતે ચાર જિલ્લાના ક્લસ્ટર કક્ષાનો બૃહદ રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાશે.
આ મેળામાં ૩૫થી વધુ નોકરીદાતા કંપનીઓ ઉપસ્થિત રહીને ૧,૫૦૦થી વધુ ખાલી જગ્યાઓ માટે ઉમેદવારોની સીધા ઇન્ટરવ્યૂ દ્વારા પસંદગી પ્રક્રિયા હાથ ધરશે.
આ ભરતી મેળા મારફતે સર્વિસ સેક્ટર, મેન્યુફેક્ચરિંગ, ફાર્માસ્યુટિકલ્સ, સેલ્સ, હોસ્પિટાલિટી અને ઈન્સ્યોરન્સ સહિતના વિવિધ ક્ષેત્રોમાં બ્રાન્ચ ઓફિસર, એક્ઝિક્યુટિવ, પ્રોડક્શન સુપરવાઇઝર, ક્વોલિટી કન્ટ્રોલર, પ્રોડક્શન આસિસ્ટન્ટ મેનેજર, સિનિયર સેલ્સ એન્ડ માર્કેટિંગ મેનેજર, ટૂલ રૂમ ઓપરેટર, ઇલેક્ટ્રોનિક એન્જિનિયર, રિલેશનશિપ મેનેજર, એકાઉન્ટન્ટ, કસ્ટમર સર્વિસ એક્ઝિક્યુટિવ, ફિલ્ડ સ્ટાફ અને ફ્રન્ટ ડેસ્ક ઓપરેટર સહિતની વિવિધ સંવર્ગની જગ્યાઓ ભરવામાં આવશે.
ભરતી પ્રક્રિયામાં ધોરણ ૧૦ અને ૧૨ પાસ, તમામ ટ્રેડના આઈ.ટી.આઈ., ડિપ્લોમા અને ડિગ્રી એન્જિનિયરિંગ (મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, કેમિકલ, ઈ.સી., ઇન્સ્ટ્રુમેન્ટ, એગ્રિકલ્ચર), બી.કોમ., એમ.કોમ., બી.ફાર્મ., એમ.ફાર્મ., બી.બી.એ., એમ.બી.એ., બી.એસસી., એમ.એસસી., કેમિસ્ટ્રી, બી.ઈ.(મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઇન્સ્ટ્રુમેન્ટ), એ.એન.એમ., જી.એન.એમ. તેમજ બી.આર.એસ., એમ.આર.એસ. અને એમ.એસ.ડબલ્યુ. સહિતની શૈક્ષણિક લાયકાત ધરાવતા ૧૮ થી ૩૫ વર્ષની વયના મહિલા અને પુરુષ ઉમેદવારો ભાગ લઈ શકશે.
તદુપરાંત સ્વતંત્ર રીતે હલનચલન કરી શકતા તેમજ વાણી-શ્રવણની દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો પણ લાયકાત મુજબની જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયામાં ભાગ લઈ શકશે.
ઇચ્છુક ઉમેદવારોએ પોતાના બાયોડેટાની પાંચ નકલો સાથે તારીખ ૧૭ મી સપ્ટેમ્બરના રોજ સવારે ૦૯-૦૦ કલાકે મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી, આઈ.ટી.આઈ. કેમ્પસ, તરસાલી ખાતે રૂબરૂ ઉપસ્થિત રહેવાનું રહેશે. આ ભરતી મેળો સંપૂર્ણપણે નિઃશુલ્ક છે જેથી ઉમેદવાર કે નોકરીદાતાએ આ ભરતી મેળામાં ભાગ લેવા, આયોજન કે પસંદગી પ્રક્રિયા માટે કોઈપણ પ્રકારની ફી કે ચાર્જ ચૂકવવાનો રહેતો નથી, તેની ખાસ નોંધ લેવા આણંદના રોજગાર અધિકારી દ્વારા જણાવાયું છે.