વડાપ્રધાનશ્રીના ૭૫મા જન્મદિવસે અનોખી ભેટ આપનારી આણંદની બે બહેનોની કલાત્મક જુગલબંધીને બિરદાવતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
Publish Date : 18/02/2026
આણંદ, સોમવાર: આણંદની બે પ્રતિભાશાળી બહેનો, કવિયત્રી શ્રી રાધાબેન ભોઈ અને ચિત્રકાર શ્રી રંજનબેન ભોઈ દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૫મા જન્મદિવસની ઉજવણી નિમિત્તે એક અદ્ભુત અને અવિસ્મરણીય કલાત્મક ભેટ તૈયાર કરવામાં આવી હતી. આ કલાકાર બહેનોએ વડાપ્રધાનશ્રીના જીવન સંઘર્ષ અને સફળતાને કેનવાસ પર ઉતારીને ૭૫ ફૂટ લાંબા અને ૭૫ ઈંચ પહોળા વિશાળ કેનવાસ પર ૭૫ ચિત્રો અને ૭૫ કવિતાઓનું સર્જન કર્યું છે. આ કલાને બિરદાવતા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બંને બહેનોને અભિનંદન પાઠવ્યા છે.
વ્યવસાયે નોટરી એડવોકેટ અને કવિયત્રી એવા રાધાબેન તથા વલ્લભ વિદ્યાનગરની ઈન્દુભાઈ ઇપ્કોવાલા ફાઈન આર્ટ્સ કોલેજના અધ્યાપિકા અને ચિત્રકાર રંજનબેને પોતાની કલાના સમન્વયથી આ ભવ્ય કૃતિ તૈયાર કરી છે. આ સર્જનમાં વડાપ્રધાનશ્રીની વિવિધ ૭૫ મુખ મુદ્રાઓ અને તેમના વ્યક્તિત્વને બિરદાવતી ૭૫ કવિતાઓનો સમાવેશ થાય છે. આ અદભૂત કલા-સંગમ તા.૧૭મી સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ વડાપ્રધાનશ્રીના ૭૫મા જન્મદિવસ નિમિત્તે તેમને અર્પણ કરવા માટે તૈયાર કરવામાં આવ્યું હતું.
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ બંને બહેનોની કલા પ્રતિભાને બિરદાવતા પત્ર પાઠવીને શુભેચ્છાઓ પાઠવી છે. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી જે પ્રવૃત્તિઓને ‘સ્વાંતઃ સુખાય’ એટલે કે આત્માના આનંદ માટેની પ્રવૃત્તિઓ ગણાવે છે, તેનું આ એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. તેમણે આ વિશાળ ચિત્ર પ્રદર્શનના આગામી આયોજન બદલ હર્ષની લાગણી વ્યક્ત કરી હતી અને બંને બહેનો ભવિષ્યમાં પણ કલા જગતમાં આ રીતે જ અવનવા સર્જન કરી અનોખું પ્રદાન આપે તેવી મંગલ કામનાઓ કરી હતી.