રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત આણંદ ખાતે નવનિયુક્ત પંચાયતી રાજ પદાધિકારીઓ- સભ્યો માટે ક્ષમતા નિર્માણ તાલીમ કાર્યક્રમ યોજાયો
Publish Date : 24/08/2026
પ્રભારી મંત્રીશ્રી સંજયસિંહ મહિડા અને રાજ્યકક્ષાના મંત્રીશ્રી કમલેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં સુશાસન અને ગ્રામીણ વિકાસ બાબતે અપાયું માર્ગદર્શન
દરેક જન પ્રતિનિધિ પોતાની જવાબદારી ખૂબ જ સારી રીતે નિભાવે અને લોકોનો વિશ્વાસ ન તૂટે તેવું કામ કરવા અનુરોધ કરતા મંત્રી શ્રી સંજયસિંહ મહિડા
આણંદ, શનિવાર , આણંદ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના નવનિયુક્ત પદાધિકારીશ્રીઓ તથા સદસ્યશ્રીઓ માટે ‘રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન’ અંતર્ગત આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના બી.એ. કોલેજ ઓડિટોરીયમ હોલ ખાતે એક દિવસીય ‘ક્ષમતા નિર્માણ તાલીમ કાર્યક્રમ’ યોજાયો હતો.
આ તાલીમ કાર્યક્રમમાં આણંદ જિલ્લાના પ્રભારી અને રાજ્યના મહેસૂલ, આપત્તિ વ્યવસ્થાપન, પંચાયત ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ બાબતોના મંત્રીશ્રી સંજયસિંહ મહિડાએ નવનિયુક્ત પદાધિકારીઓ અને સદસ્યોને જનપ્રતિનિધિ તરીકે ચૂંટાઈ આવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
આ તકે મંત્રીશ્રી સંજયસિંહ મહિડાએ પંચાયતી રાજના નવનિયુક્ત પદાધિકારીઓ-સભ્યોને માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે, જનપ્રતિનિધિ તરીકે લોકોએ મૂકેલા વિશ્વાસને સાર્થક કરવો એ આપણી સર્વોચ્ચ પ્રાથમિકતા હોવી જોઈએ. પોતાના તાલુકા પંચાયત સભ્ય તરીકેના રાજકીય સફર અને અનુભવો વાગોળતાં તેમણે ઉમેર્યું કે, વિકાસના કામોમાં અંગત હિત કે વિસ્તારવાદથી પર રહીને છેવાડાના અને જરૂરિયાતમંદ વિસ્તારોને પ્રાધાન્ય આપવું જરૂરી છે. 15મા-16મા નાણાપંચ, એટીવીટી તથા વિવેકાધીન ગ્રાન્ટ જેવા તમામ સરકારી ભંડોળનો સુચારુ, પારદર્શક અને આયોજનબદ્ધ ઉપયોગ થાય તે સુનિશ્ચિત કરવા તેમણે અનુરોધ કર્યો હતો.
વધુમાં મંત્રીશ્રીએ પદાધિકારીઓને આજના ડિજિટલ યુગમાં ‘ટેકનોક્રેટ’ બની સોશિયલ મીડિયા અને ટેક્નોલોજીના માધ્યમથી પોતાના લોકઉપયોગી વિકાસકાર્યોને લોકો સમક્ષ ઉજાગર કરવા પ્રેરિત કર્યા હતા. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે જનપ્રતિનિધિ તરીકે પ્રજા સાથે સતત સંપર્કમાં રહેવું અનિવાર્ય છે, તેથી નાગરિકોના નાના-મોટા પ્રશ્નો સાંભળી 24 કલાક ફોન કે રૂબરૂ માધ્યમથી સંવાદ જાળવી રાખવો જોઈએ. સ્થાનિક સભ્યો સરકાર અને સંગઠન વચ્ચેની મજબૂત કડી સમાન હોવાથી, છેવાડાના માનવી સુધી કલ્યાણકારી યોજનાઓ પહોંચાડી પ્રજાહિતના કાર્યોને નિષ્ઠાપૂર્વક આગળ ધપાવવા તેમણે આહ્વાન કર્યું હતું.
મંત્રીશ્રી કમલેશભાઈ પટેલે નવનિયુક્ત પદાધિકારીઓને પ્રજાભિમુખ કામગીરી કરવા અને પંચાયતી રાજના માળખાને વધુ સુદ્રઢ બનાવવા પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે પંચાયતી રાજના પદાધિકારીઓને લોકશાહીના પાયાના સ્તંભ તરીકે જનસેવા અને રાષ્ટ્રનિર્માણમાં સક્રિય યોગદાન આપવા પ્રેરક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે છેવાડાના માનવી સુધી શાસનની કલ્યાણકારી યોજનાઓ પારદર્શક રીતે પહોંચાડવા, ગ્રામીણ કક્ષાએ શિક્ષણ, આરોગ્ય અને પાયાની સગવડો સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો હતો.
વધુમાં મંત્રીશ્રીએ વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે “ગ્રામ ઉદયથી રાષ્ટ્ર ઉદય” ના મંત્રને સાર્થક કરવા સતત પ્રયાસરત રહેવા, ભવિષ્યની પેઢીઓની સુરક્ષા માટે ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત વ્યાપક વૃક્ષારોપણ કરવા તેમજ જળ સંચય અને જળ સંસાધનોના બચાવ અંગે વિશેષ જાગૃતિ કેળવવા જણાવ્યુ હતુ. સમાજમાંથી કુરીવાજો અને અંધશ્રદ્ધા નાબૂદ કરી, જનપ્રતિનિધિઓએ સન્નિષ્ઠ અને ઉત્તમ લોકસેવા દ્વારા જનવિશ્વાસ અર્જિત કરી ઉત્કૃષ્ટ શાસનનું ઉદાહરણ પૂરું પાડવા તેમણે જન પ્રતિનિધિઓને અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે સાંસદ શ્રી મિતેશભાઈ પટેલે નવનિયુક્ત જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના સદસ્યોને પોતાના વિસ્તારમાં શ્રેષ્ઠ કામગીરી કરવા અનુરોધ કર્યો હતો.
આ વેળાએ પ્રાસંગિક ઉદ્બોધન કરતા જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતીએ સૌનો આવકાર કરતા કાર્યક્રમની રૂપરેખા વર્ણવી હતી.
આ તાલીમ કાર્યક્રમ દરમિયાન એસઆઈ આરડી સ્ટેટ ઇન્સ્ટિટ્યુટ ઓફ રૂરલ ડેવલપમેન્ટથી આવેલા માસ્ટર ટ્રેનર શ્રી બાબુભાઈ દેસાઈ, માસ્ટર ટ્રેનર શ્રી ધવલસિંહ સોલંકી અને માસ્ટર ટ્રેનર શ્રી રોનકભાઈ ભાવસાર દ્વારા વિવિધ વિષયો અંગે જન પ્રતિનિધિઓને વિસ્તૃત માહિતીસભર તાલીમ આપવામાં આવી હતી. માસ્ટર ટ્રેનર્સ દ્વરા પદાધિકારીઓને ગ્રામ વિકાસ સંબંધિત વિવિધ યોજનાઓનું અસરકારક આયોજન અને અમલીકરણ, ગ્રામ પંચાયત વિકાસ યોજના (GPDP), ૧૫માં નાણાંપંચ અંતર્ગત આયોજન, ઈ-ગ્રામ સ્વરાજ પોર્ટલનો ઉપયોગ, વેરા વસૂલાત, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના નિયમો, નાણાકીય વ્યવસ્થાપન, પારદર્શિતા અને જવાબદારી જેવા મહત્વના વિષયો પર વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. તેમજ પંચાયતી રાજ વ્યવસ્થાનો પરિચય, જિલ્લા અને તાલુકા પંચાયતના પદાધિકારીઓ તથા સદસ્યોની ભૂમિકા, સત્તાઓ અને વૈધાનિક ફરજો, ગ્રામસભાનું મહત્વ તેમજ વિવિધ સ્થાયી સમિતિઓની રચના અને તેમની કામગીરી અંગે ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમના અંતે આભાર દર્શન જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી ચિંતન પટેલે કર્યું હતું.
આ તાલીમ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના કાર્યકારી પ્રમુખશ્રી જીલુભા સિંધા,ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ પરમાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ક્રિષ્નાબેન ઉપાધ્યાય, પ્રોગ્રામ ઓફિસરશ્રી તેજલબેન સહિત આણંદ જિલ્લા અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા સદસ્યો, પદાધિકારીઓ તથા પંચાયત વિભાગના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત આણંદ ખાતે નવનિયુક્ત પંચાયતી રાજ પદાધિકારીઓ- સભ્યો માટે ક્ષમતા નિર્માણ તાલીમ કાર્યક્રમ યોજાયો

રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત આણંદ ખાતે નવનિયુક્ત પંચાયતી રાજ પદાધિકારીઓ- સભ્યો માટે ક્ષમતા નિર્માણ તાલીમ કાર્યક્રમ યોજાયો

રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત આણંદ ખાતે નવનિયુક્ત પંચાયતી રાજ પદાધિકારીઓ- સભ્યો માટે ક્ષમતા નિર્માણ તાલીમ કાર્યક્રમ યોજાયો

રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત આણંદ ખાતે નવનિયુક્ત પંચાયતી રાજ પદાધિકારીઓ- સભ્યો માટે ક્ષમતા નિર્માણ તાલીમ કાર્યક્રમ યોજાયો