Close

રાજ્ય સરકારશ્રીની “મિશન મધમાખી કાર્યક્રમ” યોજના હેઠળ મધમાખી ઉછેર તાલીમ માટે અરજીઓ મંગાવાઈ

Publish Date : 24/08/2026

ઇચ્છુક ઉમેદવારોએ તા. ૧ લી સપ્ટેમ્બર, ૨૦૨૬ સુધીમાં અરજી કરવાની રહેશે

આણંદ, શુક્રવાર , રાજ્ય સરકારશ્રીની “મિશન મધમાખી કાર્યક્રમ” યોજના હેઠળ આણંદ જિલ્લામાં મધમાખી ઉછેરને પ્રોત્સાહન આપવા તેમજ ખેડૂતો, યુવાનો અને વિદ્યાર્થીઓને રોજગારીલક્ષી કૌશલ્ય પ્રાપ્ત થાય તેવા ઉમદા હેતુથી મધમાખી ઉછેર તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે.

આણંદ જિલ્લાના રસ ધરાવતા ખેડૂત ભાઈઓ-બહેનો, યુવાનો અને વિદ્યાર્થીઓએ તેઓના આધાર કાર્ડની નકલ સાથે નિયત અરજી આગામી તા.૦૧-૦૯-૨૦૨૬ સુધીમાં આણંદની બોરસદ ચોકડી પાસે સ્થિત જિલ્લા જૂના સેવા સદનના ચોથા માળે રૂમ નં. ૪૨૭-૪૨૯માં આવેલ નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી ખાતે જમા કરાવવાની રહેશે. તેમજ વધુ માહિતી માટે કચેરીના ફોન નંબર. ૦૨૬૯૨-૨૬૨૦૨૩ પર સંપર્ક કરી શકાશે.

મધમાખી ઉછેર એ કૃષિ સાથે સંકળાયેલો એક અત્યંત મહત્વપૂર્ણ પૂરક વ્યવસાય છે. આ વ્યવસાય દ્વારા મધ, મીણ તેમજ અન્ય મધમાખીજન્ય ઉત્પાદનો થકી વધારાની આવક મેળવી શકાય છે. આ ઉપરાંત, મધમાખીઓ દ્વારા થતી પરાગનયનની પ્રક્રિયાને કારણે ખેતી પાકોની ઉત્પાદકતા અને ગુણવત્તામાં પણ નોંધપાત્ર વધારો થાય છે. તેથી જિલ્લાના વધુમાં વધુ ઇચ્છુક ખેડૂતો, યુવાનો અને વિદ્યાર્થીઓ નિયત સમયમર્યાદામાં અરજી કરી આ તાલીમનો લાભ મેળવે તેવી નાયબ બાગાયત નિયામકશ્રી, આણંદ દ્વારા અપીલ કરવામાં આવી છે.