રવિ સીઝનમાં પ્રાકૃતિક ખેતી : ઓછા ખર્ચે વધુ ઉપજ માટેનું માર્ગદર્શન
Publish Date : 28/11/2025
આણંદ,બુધવાર: રવિ સીઝનની શરૂઆત સાથે જ ખેડૂતો માટે મિશ્રપાક અને આંતરપાક પદ્ધતિ અપનાવવી સમયની જરૂરિયાત બની છે. પ્રાકૃતિક ખેતીના સિદ્ધાંતો અનુસાર ઘઉં સાથે ચણા, રજકો, મેથી, રાઈ જેવા પાકોની યોગ્ય મિશ્ર ખેતી શક્ય બને છે. પાકની પસંદગી અને આયોજન સાથે પ્રાકૃતિક પદ્ધતિઓનો ઉપયોગ કરે તો ખર્ચ ઘટે છે અને ઉત્પાદન વધારો થાય છે.
પ્રાકૃતિક કૃષિમાં પાયાના ખાતર તરીકે ઘન-જીવામૃતનો ઉપયોગ જોઈએ તો,રાસાયણિક ખાતરોના ઉપયોગ કરતાં ઓછા ખર્ચે ઉત્તમ પરિણામ આપે તેવું ઘન-જીવામૃત એકર દીઠ આશરે ૧૦૦૦ કિલો આપવું જોઈએ. ઘન જીવામૃત જમીનની ફળદ્રુપતા,સૂક્ષ્મજીવાણુઓની સંખ્યા તેમજ ભેજધારણ ક્ષમતા વધારવામાં મદદરૂપ બને છે.
આ ઉપરાંત બીજ માવજતનું સફળ અંકુરણનું પ્રથમ પગલું ગણવામાં આવે છે.વાવણી પહેલાં બીજને બિજામૃતનો પટ આપવાથી જમીનજન્ય રોગો સામે રક્ષણ મળે છે અને છોડની વૃદ્ધિ માટે જરૂરી પોષક તત્વો સરળતાથી ઉપલબ્ધ થાય છે.
આ બિજામૃત સામગ્રી (100 કિગ્રા બીજ માટે) જોઈએ તો તેમાં દેશી ગાયનું ગોબર – 5 કિગ્રા, દેશી ગાયનું ગોમૂત્ર – 5 લિટર,ફોડલો ચૂનો – 50 ગ્રામ, મોટા વૃક્ષ/વડની નીચેની માટી – 1–2 મુઠ્ઠી વગેરેનો સમાવેશ થાય છે.
આ બનાવવા માટે બિજામૃત બનાવવાની પદ્ધતિ જોઈએ તો,20 લિટર પાણીમાં ઉપોક્ત તમામ વસ્તુઓ મિક્સ કરો, સવાર–સાંજ ઘડિયાળની દિશામાં હલાવો અને 24 કલાક છાંયડામાં ઢાંકી રાખો. ત્યારબાદ બીજને પટ આપી 30 મિનિટ છાયામાં સુકવી વાવણી કરવાની રહેશે.
પ્રાકૃતિક કૃષિનું અન્ય આયામ જીવામૃત કે જે જમીનની જીવંત શક્તિ વધારતી પ્રાકૃતિક દવા તરીકે ઉપયોગી બની રહે છે.ધોરિયા અથવા દ્વીપમાં એકર દીઠ 200 લિટર જીવામૃત આપવાથી જમીનમાં સૂક્ષ્મજીવાણુઓની સંખ્યા વધી પોષક તત્વો લભ્ય સ્વરૂપમાં પરિવર્તિત થાય છે.
જીવામૃત બનાવવા માટે દેશી ગાયનું ગોબર – 10 કિગ્રા,દેશી ગાયનું ગોમૂત્ર – 10 લિટર,ગોળ – 1 કિગ્રા,કઠોળનો લોટ – 1.5 કિગ્રા,મોટા વૃક્ષની નીચેની માટી – 500 ગ્રામ તથા પાણી – 180 લિટર વગેરે સામગ્રી સામેલ કરવામાં આવે છે.
જીવામૃત માટે બધી સામગ્રી 180 લિટર પાણીમાં મિક્સ કરી સવાર–સાંજ હલાવી છાંયમાં ઢાંકી રાખવી. ઉનાળામાં 4 દિવસમાં, શિયાળામાં 6–7 દિવસમાં જીવામૃત તૈયાર થાય છે.15 લિટરના પંપમાં 2.5 લિટર જીવામૃત મિક્સ કરી દર 15 દિવસે તમામ પાકમાં છંટકાવ કરી શકાય.
આ ત્રીજો આયામા એટલે આચ્છાદન પદ્ધતિ કે જે જમીનની ભેજ અને તંદુરસ્તી જાળવવાની ચાવી છે.પાકની બે હાર વચ્ચે ડાંગર પરાડ, ઘઉંનું કુંવર, બાજરીનું ભૂસું, કપાસ–એરંડાના ભૂકા જેવા પાક અવશેષોથી આચ્છાદન કરવાથી તાપમાનના ફેરફારો સામે રક્ષણ,જમીનની ભેજ અને ઓર્ગેનિક કાર્બન જળવાઈ રહે,નાઈટ્રોજનનું નુકસાન અટકે,નિંદામણ નિયંત્રણ થાય છે,જૈવ-રસાયણિક પ્રક્રિયાઓ સુઘડ રીતે ચાલે છે.
આમ, પ્રાકૃતિક ખેતી પદ્ધતિઓનો અમલ ખેડૂતને ઓછા ખર્ચે વધુ અને સ્વસ્થ ઉપજ આપે છે. રાસાયણિક ખાતરોના ખર્ચમાં બચત થાય છે અને જમીન લાંબા ગાળે વધુ ફળદ્રુપ બને છે. આવનારા રવિ સીઝનમાં મિશ્રપાક, બિજામૃત, જીવામૃત અને આચ્છાદનનો યોગ્ય ઉપયોગ ખેડૂત માટે સમૃદ્ધિનો માર્ગ બતાવે છે.