મેદસ્વિતા: કારણો, અસરો અને નિવારણ
Publish Date : 19/07/2025
આણંદ,શુક્રવાર: મેદસ્વિતા નિવારણ માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પોતાના “મન કી બાત” કાર્યક્રમમાં પણ દર મહિને ૧૦ ટકા તેલના વપરાશ પર કાપ મૂકવા દેશની જનતાને અપીલ કરી છે.જે અન્વયે રાજ્ય સરકારે પણ “મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન”ની શરૂઆત કરીને રાજયના નાગરિકો મેદસ્વિતા પ્રત્યે જાગૃતિ કેળવે તે માટે વિવિધ માધ્યમો દ્વારા સમજ પૂરી પાડવામાં આવી રહી છે.
જે અન્વયે આજે આ લેખ થકી મેદસ્વિતા થવા માટેના કારણો ,તેની શારીરિક તથા માનસિક અસરો અને નિવારણ માટેના પગલાં વિશે વિસ્તૃત જાણકારી આપવાનો સ્તુત્ય પ્રયાસ કરાયો છે.
મેદસ્વિતા, જેને અંગ્રેજીમાં ઓબેસિટી (Obesity) કહેવાય છે, આજના સમયમાં વૈશ્વિક સ્તરે એક ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા બની ગઈ છે. ભારતમાં પણ ઝડપથી બદલાતી જીવનશૈલી અને ખાણીપીણીની આદતોને કારણે મેદસ્વિતાના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે.
મેદસ્વિતા એ શરીરમાં અતિશય ચરબીનું સંચય થવું છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. તેનું માપન સામાન્ય રીતે બોડી માસ ઇન્ડેક્સ (BMI) દ્વારા કરવામાં આવે છે. BMI 30 કે તેથી વધુ હોય તો તેને મેદસ્વિતા ગણવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનું વજન 80 કિલો અને ઊંચાઈ 1.6 મીટર હોય, તો BMI = 80 / (1.6 × 1.6) = 31.25, જે મેદસ્વિતા દર્શાવે છે.
મેદસ્વિતાના થવાના કારણો જોઇએ તો સૌ પ્રથમ તો અસંતુલિત આહાર. ફાસ્ટ ફૂડ, શર્કરાયુક્ત પીણાં, અને ઉચ્ચ કેલરીવાળા ખોરાકનું વધુ પડતું સેવન કરવાથી મેદસ્વિતાની સમસ્યા સર્જાય છે.
શારીરિક રીતે નિષ્ક્રિયતા પણ આ સમસ્યા સર્જાય છે.જેમ બેસી રહેવાની જીવનશૈલી, ઓછી કસરત અને ટેકનોલોજી પર વધુ પડતી નિર્ભરતાના કારણે શારીરિક રીતે નિષ્ક્રિયતા સર્જાતી હોય છે.જેના પરિણામે પણ મેદસ્વિતા ઉત્પન્ન થાય છે.
આ ઉપરાંત આનુવંશિક કારણો પણ જવાબદાર બનતા હોય છે.કેટલાક લોકોમાં આનુવંશિક પરિબળોને કારણે ચરબીનું સંચય થવાની સંભાવના વધે છે. તદ્ઉપરાંત હોર્મોનલ અસંતુલનની સ્થિતિમાં થાઇરોઇડ, પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ (PCOS) જેવી સ્થિતિઓ વજન વધારી શકે છે.
માનસિક તણાવ, ચિંતા અને ડિપ્રેશનને કારણે અતિશય ખાવાની આદત વજન વધારે છે.દવાઓ અને બીમારીઓ જેવી કે કેટલીક દવાઓ (જેમ કે સ્ટીરોઇડ્સ) અને રોગો વજનમાં વધારો કરી શકે છે.જેના કારણે મેદસ્વિતા થાય છે.
મેદસ્વિતાની અસરો
મેદસ્વિતા શરીર અને મન બંને પર ગંભીર અસરો કરે છે:
શારીરિક સ્વાસ્થ્ય તકલીફો જોઈએ તો,હૃદય રોગ, ઉચ્ચ રક્તચાપ, હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ વધે છે.ડાયાબિટીસની શક્યતા વધે છે.સાંધાનો દુખાવો થાય છે જેથી વધુ વજનને કારણે ઘૂંટણ અને કમરના સાંધાઓ પર દબાણ વધે છે.આ ઉપરાંત શ્વાસની તકલીફ પણ વધે છે,જેમાં સ્લીપ એપનિયા અને શ્વસન સમસ્યાઓ થઈ શકે છે.
માનસિક સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓનો પણ સર્જાય છે. જેમાં આત્મગ્લાનિ, ડિપ્રેશન અને સામાજિક અલગતા વગેરે જેવી સમસ્યાઓ પેદા થાય છે.
મેદસ્વિતાથી બચવાના ઉપાયો
સંતુલિત આહાર લેવો જોઈએ જેમ કે,ફળો, શાકભાજી, આખા અનાજ અને લો-ફેટ પ્રોટીનયુક્ત ખોરાક લેવો જોઈએ.ફાસ્ટ ફૂડ, મીઠાઈ અને પ્રોસેસ્ડ ખોરાકનું સેવન ઘટાડવાની હિમાયત કરવામાં આવી છે.
નિયમિત કસરત જેવી કે,દરરોજ ઓછામાં ઓછી 30 મિનિટ શારીરિક પ્રવૃત્તિ જેવી કે ચાલવું, દોડવું, યોગ અથવા જિમ સ્ટ્રેન્થ ટ્રેનિંગથી સ્નાયુઓ મજબૂત થાય છે અને ચયાપચય સુધરે છે.
જીવનશૈલીમાં ફેરફાર કરવાથી પણ મેદસ્વિતા નિવારી શકાય છે.જેમાં પૂરતી ઊંઘ (7-8 કલાક) લેવી જોઈએ, કારણ કે ઊંઘની કમી વજન વધારી શકે છે.તણાવ ઘટાડવા માટે ધ્યાન, યોગ અથવા શ્વસન કસરતો કરવાથી પણ મેદસ્વિતા નિવારી શકાય છે .
આ ઉપરાંત ડોક્ટરની સલાહ લેવી તથા નિયમિત રીતે BMI, બ્લડ સુગર અને કોલેસ્ટેરોલની તપાસ કરાવી જોઈએ જેથી કરીને આ સમસ્યાને નિવારી શકાય.
આમ,મેદસ્વિતા એક ગંભીર પણ નિવારી શકાય તેવી સમસ્યા છે. નિયમિત કસરત, સંતુલિત આહાર અને સ્વસ્થ જીવનશૈલી અપનાવીને તેના પર કાબૂ મેળવી શકાય છે.
