માતા છેલ્લા ૩ માસથી આઈ.સી.યુ.માં હોવા છતાં આઈ.બી.પટેલ સ્કૂલના આચાર્યશ્રીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બજાવી ઉત્કૃષ્ટ કામગીરી
Publish Date : 30/04/2026
જિલ્લા પ્રશાસન દ્વારા આચાર્ય શ્રી ભાવેશભાઈ ભટ્ટની ઉત્કૃષ્ટ કામગીરીને પ્રશસ્તિ પત્ર આપીને બિરદાવવામાં આવી
આણંદ, બુધવાર , સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત આણંદની આઈ બી પટેલ ઈંગ્લિશ સ્કૂલમાં આચાર્ય તરીકે ફરજ બજાવતા શ્રી ભાવેશભાઈ ભટ્ટએ બજાવેલી નિષ્ઠાપૂર્વકની કામગીરીને ધ્યાને લઈ તેમને જિલ્લા પ્રશાસન દ્વારા પ્રશસ્તિપત્ર આપી બિરદાવવામાં આવ્યા છે.
લોકશાહીને જીવંત રાખતી ચૂંટણીઓની કામગીરી માટે અધિકારીઓ કર્મચારીઓની જરૂરિયાત ઊભી થતી હોય છે. આવા સમયે વિવિધ સરકારી વિભાગો, શાળાઓ, કોલેજો સહિતના એકમોના અધિકારી કર્મચારીઓની ચૂંટણી ફરજની કામગીરી માટે ના હુકમો કરવામાં આવતા હોય છે. આવો જ એક હુકમ આઈ. બી. પટેલ ઈંગ્લિશ સ્કૂલમાં આચાર્ય તરીકે ફરજ બજાવતા શ્રી ભાવેશભાઈ ભટ્ટનો તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ના કાર્ય માટે કરવામાં આવ્યો હતો.
ચૂંટણી કાર્ય માટે નો આ હુકમ ભાવેશભાઈને મળ્યો તે સમયે તેમના માતૃશ્રી છેલ્લા એક વર્ષથી સતત ગંભીર રીતે બિમાર હોય તેમને છેલ્લા ત્રણ મહિનાથી સતત આઈ.સી.યુ.માં સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા. તેમ છતાં આ અત્યંત કપરી અને સંવેદનશીલ પરિસ્થિતિમાં પણ ચૂંટણી કામગીરીની અગત્યતા ને જાને લઈ ભાવેશભાઈએ તેમને સોંપવામાં આવેલી ચૂંટણી લક્ષી કામગીરી ઈમાનદારી, ચોકસાઈ અને જવાબદારીપૂર્વક નિર્વિઘ્ને પૂર્ણ કરી હતી.
તેમણે તેમની માતાની કાળજી રાખવાની સાથે તેમની પારિવારિક ફરજ નિભાવવા માટે દરરોજ વડોદરા હોસ્પિટલ સુધી જવું પડતું હોવા છતાં પણ તેમણે તેમની ફરજ ને પ્રાથમિકતા આપીને તેમના આવા સંજોગોમાં પણ ચૂંટણીમાંથી ફરજ મુક્તિ માટે વિનંતી કર્યા વગર, સંપૂર્ણ સમર્પણ અને નિષ્ઠા સાથે ચૂંટણી કાર્ય નિભાવ્યું છે.
ભાવેશભાઈ એ સતત દિવસ-રાતની મહેનત, ઉજાગરા અને માનસિક દબાણ વચ્ચે પણ હંમેશા હસતા મુખે પોતાની ફરજ બજાવી છે, જે તેમના અદમ્ય મનોબળ અને કાર્યપ્રતિ પ્રતિબદ્ધતાનું ઉત્તમ દૃષ્ટાંત છે.એક બાજુ શાળાના આચાર્ય તરીકે વાર્ષિક કસોટીનું પરિણામ, અપૂરતા સ્ટાફ વચ્ચે શાળાનું સંચાલન જેવી મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળવાની સાથે લોકશાહી પર્વ સમાન ચૂંટણીમાં તેમણે પોતાની ફરજને પ્રાથમિકતા આપી અને સફળતાપૂર્વક નિભાવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભાવેશભાઈ ને જ્યારે ચૂંટણી ફરજ સોંપવામાં આવી ત્યારે તેમણે તેમની માતાની આવી નાદુરસ્ત તબિયત બાબતે કોઈ પણ અધિકારી સામે રજૂઆત પણ કરી નહીં, તેમજ ચૂંટણી ફરજ દરમ્યાન પણ ક્યારેય તેમણે તેમની માતાની નાદુરસ્ત તબિયત બાબતે કોઈની પાસે ઉલ્લેખ પણ કર્યો ન હતો. એટલું જ નહીં પરંતુ તેમણે તેમની આવી પરિસ્થિતિમાં પણ ચૂંટણી ફરજમાંથી મુક્તિ માટે માગણી કરી ન હતી. રાષ્ટ્ર સેવાની આ તકને તેમણે નિષ્ઠાપૂર્વક ફરજ પાલન કરી સુપેરે પાર પાડી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેમણે તેમની આ પરિસ્થિતિથી અધિકારીશ્રીઓને વાકેફ કર્યા હતા.
શ્રી ભાવેશભાઈ ભટ્ટની આ ચૂંટણીમાં અવિરત સેવા, વફાદારી, નિષ્ઠા, ચોકસાઈ અને કાર્યકુશળતાને બિરદાવતા જિલ્લા પ્રશાસન દ્વારા તેમને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા છે.
પારિવારિક જવાબદારી, આચાર્ય તરીકેની ફરજો અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સોંપવામાં આવેલ ફરજ. આ ત્રણેય જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક બજાવી શ્રી ભાવેશભાઈએ અન્યોને પ્રેરણા પૂરી પાડી છે.

માતા છેલ્લા ૩ માસથી આઈ.સી.યુ.માં હોવા છતાં આઈ.બી.પટેલ સ્કૂલના આચાર્યશ્રીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બજાવી ઉત્કૃષ્ટ કામગીરી

માતા છેલ્લા ૩ માસથી આઈ.સી.યુ.માં હોવા છતાં આઈ.બી.પટેલ સ્કૂલના આચાર્યશ્રીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બજાવી ઉત્કૃષ્ટ કામગીરી

માતા છેલ્લા ૩ માસથી આઈ.સી.યુ.માં હોવા છતાં આઈ.બી.પટેલ સ્કૂલના આચાર્યશ્રીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બજાવી ઉત્કૃષ્ટ કામગીરી