મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ટેક હોમ રાશન વિતરણમાં પારદર્શિતા માટે ફેસ રેકગ્નિશન સિસ્ટમનો અમલ
Publish Date : 22/09/2026
આંગણવાડી કેન્દ્રોમાં FRS ટેકનોલોજીના માધ્યમથી ૭૯,૦૪૭ થી વધુ લાભાર્થીઓને પારદર્શક રીતે પોષણયુક્ત આહારનું વિતરણ
ટેકનોલોજીનો સચોટ ઉપયોગ: ૯૩ ટકાથી વધુ પાત્ર લાભાર્થીઓને ડિજિટલ ઓળખના આધારે ટેક હોમ રાશન પ્રાપ્ત થયું
ડિજિટલ નોંધણી અને ચહેરાની ઓળખથી સાચા લાભાર્થીની ખાતરી
આણંદ, સોમવાર, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડી કેન્દ્રો મારફતે પાત્ર લાભાર્થીઓને આપવામાં આવતા ટેક હોમ રાશન (THR) ના વિતરણમાં વધુ પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરવા માટે ફેસ રેકગ્નિશન સિસ્ટમ (FRS) નો નવતર પ્રયોગ અમલી બનાવવામાં આવ્યો છે. આ વ્યવસ્થા હેઠળ લાભાર્થીની ચહેરાની ઓળખ આધારિત ડિજિટલ નોંધણી કરવામાં આવે છે, જેના આધારે જ પાત્ર લાભાર્થીને ટેક હોમ રાશનના વિતરણની નોંધણી કરવામાં આવે છે. આ આધુનિક પ્રણાલીના માધ્યમથી લાભાર્થીની ઓળખની સચોટ ચકાસણી કરી વાસ્તવિક અને જરૂરિયાતમંદ લાભાર્થીને જ યોજનાનો લાભ મળે તે સુનિશ્ચિત કરવાનો છે.
આ ટેકનોલોજીના અમલીકરણથી સમગ્ર વિતરણ પ્રક્રિયા અત્યંત પારદર્શક બની છે. એફ.આર.એસ. (FRS) ના ઉપયોગથી ટેક હોમ રાશનના વિતરણ અંગેની તમામ વિગતો ડિજિટલ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ રહે છે, જેના પરિણામે સંબંધિત અધિકારીઓ દ્વારા વિતરણ કામગીરીનું મોનિટરિંગ, ચકાસણી અને સમીક્ષા અગાઉ કરતા વધુ અસરકારક રીતે કરી શકાય છે. આ સિસ્ટમ સરકારી પોષણ યોજનાનો લાભ યોગ્ય અને પાત્ર લાભાર્થી સુધી કોઈપણ ક્ષતિ વગર પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે.
વિતરણ વ્યવસ્થામાં કાર્યક્ષમતા વધારવા અને લાભાર્થીના હકનો લાભ સીધો જ તેમના સુધી પહોંચાડવાના હેતુથી અમલી બનાવાયેલ આ સિસ્ટમના પરિણામો પ્રોત્સાહક રહ્યા છે. ઓગસ્ટ-૨૦૨૬ના ડેટા મુજબ આ યોજના હેઠળ નોંધાયેલા કુલ ૮૪,૮૭૪ પાત્ર લાભાર્થીઓમાંથી ૮૨,૩૯૨ લાભાર્થીઓનું આધાર ફેસ મેચિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે, જે ૯૭.૦૮ ટકાની નોંધપાત્ર સિદ્ધિ દર્શાવે છે. આ ડિજિટલ માધ્યમ દ્વારા કુલ ૭૯,૦૪૭ લાભાર્થીઓને ટેક હોમ રાશનનું વિતરણ કરવામાં આવ્યું છે, જે કુલ લક્ષ્યાંકના ૯૩.૧૩ ટકા જેટલું થાય છે.
આ પ્રોજેક્ટ હેઠળ આણંદ જિલ્લાના વિવિધ બ્લોકમાં સઘન કામગીરી કરવામાં આવી છે. આણંદ-૧, ૨, ૩ અને ૪ બ્લોક સહિત આંકલાવ, બોરસદ, ખંભાત, પેટલાદ, સોજિત્રા, તારાપુર અને ઉમરેઠ જેવા વિસ્તારોમાં એફ.આર.એસ. સિસ્ટમ દ્વારા વિતરણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં આણંદ એકમાં ૯૭.૩૧%, આણંદ ૨ માં ૯૩.૮૪ ટકા, આણંદ ત્રણમાં ૯૮.૧૯% અને આણંદ ચાર મા ૯૬.૬૩ ટકા આધાર ફેસ મેચિંગ નોંધાયું છે. બોરસદ એકમાં ૯૮.૪૬, બોરસદ ૨ માં ૯૮.૪૫, આકલાવમાં ૯૩.૦૮, સોજિત્રા બ્લોકમાં ૯૮.૯૫ ટકા અને ખંભાત-૧ માં ૯૮.૫૫ ટકા જેટલું ઊંચું ફેસ મેચિંગ નોંધાયું છે.લાભાર્થીઓને એફ.આર.એસ. દ્વારા રાશન વિતરણ કરીને ટેકનોલોજીના માધ્યમથી પારદર્શિતાનો શ્રેષ્ઠ દાખલો બેસાડવામાં આવ્યો છે, તેમ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી તેજલબેન ગોસ્વામી દ્વારા જણાવવામાં આવ્યું છે.