Close

ભારે વરસાદને પગલે આણંદ જિલ્લા વહીવટી તંત્ર હાઈ એલર્ટ

Publish Date : 03/08/2026

જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીએ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રની મુલાકાત લઈ વર્તમાન પરિસ્થિતિનો તાગ મેળવ્યો

આણંદ, શનિવાર , હવામાન વિભાગ દ્વારા આણંદ જિલ્લામાં ભારે વરસાદની કરવામાં આવેલી આગાહીને ગંભીરતાથી લઈને જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીના સીધા દિશા-નિર્દેશ હેઠળ સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગોતરા સુરક્ષાત્મક પગલાં લેવામાં આવી રહ્યા છે. જે અન્વયે જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીએ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ (આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર)ની રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમણે તમામ તાલુકાના સબંધિત પ્રાંત અધિકારીશ્રી, મામલતદારશ્રી અને તાલુકા વિકાસ અધિકારીશ્રી સાથે વીડિયો કોન્ફરન્સથી જોડાઈ અત્યાર સુધી જિલ્લામાં તાલુકાવાર અને કુલ નોંધાયેલા વરસાદની માહિતી મેળવી  જિલ્લાના અસરગ્રસ્ત સ્થળોએ હાથ ધરાયેલ સ્થળાંતરની કામગીરી, આશ્રયસ્થાનોમાં નાગરિકો માટે સુવિધાઓ અને ભોજન પહોંચાડવાની વ્યવસ્થા તેમજ કંટ્રોલ રૂમની કામગીરી તથા વર્તમાન પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. ઉપરાંત, જિલ્લામાં તૈનાત NDRFની ટીમના પ્રતિનિધિ સાથે ચર્ચા કરી આગામી પરિસ્થિતિની તૈયારી અંગે પૂર્વ સમીક્ષા કરી હતી.

આ સમીક્ષા મુલાકાત વેળાએ કલેક્ટરશ્રીએ જિલ્લામા ભારે વરસાદની સ્થિતિને ધ્યાને રાખીને વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરી અંગે વાત કરતા જણાવ્યું હતું કે સ્થાનિક વહીવટી તંત્ર અને આપત્તિ વ્યવસ્થાપન કંટ્રોલ રૂમ નાગરિકોની સલામતી માટે ૨૪×૭ સતત પ્રયાસરત છે. નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સલામત રીતે આશ્રયસ્થાનો ખાતે સ્થળાંતર કરવામાં આવ્યું છે તેમ જણાવી કલેક્ટરશ્રીએ જિલ્લાના તમામ નાગરિકોની સુરક્ષા માટે તંત્ર દ્વારા સુનિશ્ચિત પગલા ભરવામાં આવી રહ્યા હોવાનું જણાવ્યું હતું.  આ દરમિયાન નિવાસી અધિક કલેક્ટરશ્રી લલિતકુમાર પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

 

 

 

ભારે વરસાદને પગલે આણંદ જિલ્લા વહીવટી તંત્ર હાઈ એલર્ટ