ભારે વરસાદને કારણે પેટલાદ-ખંભાત રાજ્ય માર્ગ પરના ખરાબ થયેલ રસ્તાઓ સમારકામ કરીને મોટરેબલ કરાયા
Publish Date : 17/07/2025
અમદાવાદ સર્કલના અધિક્ષક ઈજનેરશ્રી હિતેશ સોલિયાના માર્ગદર્શન હેઠળ કામગીરી હાથ ધરાઈ.
આણંદ, બુધવાર: જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીની સુચના અને માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તાર તથા નેશનલ હાઇવે અને દાંડી માર્ગ ઉપર ભારે વરસાદને કારણે ખરાબ થયેલ રસ્તાઓ ઉપર પડેલ ખાડાઓ તાત્કાલિક ધોરણે પુરવા, રોડ રસ્તાનું સમારકામ કરવું, તમામ રસ્તાઓ મોટરેબલ બનાવવા અંગે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને સુચના આપવામાં આવી હતી.
આ ઉપરાંત માર્ગ અને મકાન વિભાગના ઉચ્ચ અધિકારીઓના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લાના રોડ-રસ્તાઓનું સમારકામ હાથ ધરવામાં આવી રહ્યું છે.
જે અન્વયે અમદાવાદ સર્કલના અધિક્ષક ઈજનેરશ્રી હિતેશભાઈ સોલિયાએ જણાવ્યું હતું કે, આણંદ ડિવીઝન અંતર્ગત ૯૫૦ કિમીના રોડ નેટવર્ક પૈકી ૬૫ કિમી જેટલો રસ્તા વરસાદને કારણે ડેમેજ થયો હતો. વરસાદ બંધ થતા જ યુધ્ધના ધોરણે રસ્તાઓ ઉપર ખાડા પડ્યા હોય તેવા રસ્તાઓનું દૂરસ્તી કામ, પેચ વર્ક, હોટ મિક્સ વર્ક હાથ ધરવામાં આવ્યું છે. જેના કારણે રસ્તાઓ પૂર્વવત થયા છે.નાગરિકોને વાહન વ્યવહારમાં કાંઈ મુશ્કેલી ન પડે તે માટે માર્ગ અને મકાન કટિબધ્ધ છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
આણંદ જિલ્લાના માર્ગ અને મકાન(રાજ્ય) વિભાગના કાર્યપાલક ઈજનેરશ્રી હિતેશ ગઢવીએ પણ આણંદ ડિવીઝન અંતર્ગત કરાઈ રહેલ કામગીરી અંતર્ગત જણાવ્યું હતું કે, જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ જુદી જુદી ટીમો બનાવી રોડ-રસ્તાના સમારકામની કામગીરી વરસાદ બંધ થતા તાકીદના ધોરણે હાથ ધરવામાં આવી છે. જે અનવ્યે પેટલાદ-ખંભાત રાજ્ય માર્ગ પરના ૯ કિમી જેટલા રોડ પર દૂરસ્તી કામ, પેચ વર્ક, હોટ મિક્સ વર્ક હાથ ધરવામાં આવ્યું છે. જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી ના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયત હસ્તકના માર્ગો કે જે ભારે વરસાદને કારણે ખરાબ થયેલ છે તેનું પણ આ જ રીતે કામગીરી સત્વરે પૂર્ણ કરવામાં આવશે, તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું
પેટલાદ-ખંભાત રાજ્ય માર્ગ સમારકામ વેળાએ સિટી ઈજનેરશ્રી જીગર પટેલ તથા માર્ગ અને મકાનના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.