ભગવાન બિરસા મુંડાની ૧૫૧ મી જન્મ જયંતિ-૨૦૨૬ નિમિત્તે તા.૧૫ નવેમ્બરના રોજ આણંદ ખાતે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરાશે
કરમસદ સ્થિત સરદાર પટેલ મેમોરિયલ હોલ ખાતે જિલ્લા કક્ષાનો અને આણંદ ટાઉનહોલ ખાતે મહાનગરપાલિકાનો કાર્યક્રમ યોજાશે
આણંદ, ગુરૂવાર , આદિવાસી સમાજના ગૌરવપૂર્ણ યોગદાનના ઇતિહાસને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્યથી ભારત સરકાર દ્વારા દર વર્ષે ૧૫ નવેમ્બરને ભગવાન બિરસા મુંડાના જન્મદિન નિમિત્તે “જનજાતીય ગૌરવ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. દેશ જ્યારે વર્ષ ૨૦૪૭માં ‘વિકસિત ભારત’ના મહત્વકાંક્ષી લક્ષ્ય તરફ આગળ વધી રહ્યો છે, ત્યારે આદિજાતિ સમુદાય પણ વિકાસના પંથે અગ્રેસર રહે તે હેતુ અંતર્ગત ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા આગામી તા. ૧૧ થી ૧૮ નવેમ્બર, ૨૦૨૬ દરમિયાન આદિજાતિ જિલ્લાઓમાં વિવિધ જનજાગૃતિ અને વિકાસલક્ષી કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આ રાષ્ટ્રીય અભિયાનના ભાગરૂપે આણંદ જિલ્લા કક્ષા અને કરમસદ આણંદ મહાનગરપાલિકા કક્ષાના મળી “જનજાતીય ગૌરવ દિવસ” ઉજવણીના ૦૨ ભવ્ય કાર્યક્રમ તા.૧૫ નવેમ્બર, ૨૦૨૬ના રોજ જિલ્લાના પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાનાર છે. જેમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ કરમસદ સ્થિત સરદાર પટેલ મેમોરિયલ હોલ ખાતે અને કરમસદ આણંદ મહાનગરપાલિકાનો કાર્યક્રમ આણંદ ટાઉનહોલ ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં આદિજાતિ વિકાસ વિભાગની વિવિધલક્ષી કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને સહાયોનું વિતરણ પણ કરવામાં આવશે.
આ અંગે કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનરશ્રી આર. એન. ડોડીયાએ જણાવ્યું હતું કે, આઝાદીની લડાઈમાં અનેક નામી-અનામી વીરોએ પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું છે. સરકાર દ્વારા આદિવાસી સમાજના ગૌરવપૂર્ણ ઇતિહાસને ઉજાગર કરવા વર્ષ ૨૦૨૧થી દર વર્ષે ૧૫મી નવેમ્બરે આ દિવસ ઉજવાય છે. આ વર્ષે રાજ્ય સરકારના દિશા-નિર્દેશો મુજબ આણંદ જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકા તંત્ર દ્વારા આણંદમાં બે મુખ્ય સ્થળોએ આ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.
આ આદિજાતિ સમુદાયોના કલા-કૌશલ્ય, સાંસ્કૃતિક વારસા તથા સ્વતંત્રતાની ચળવળમાં આપેલા બલિદાનને યાદ કરી શ્રધ્ધાંજલી આપવાના માધ્યમ રૂપે “જનજાતીય ગૌરવ દિવસ”ની આ ગૌરવપૂર્ણ ઉજવણીમાં જિલ્લાના તમામ નાગરિકો, શ્રેષ્ઠીઓ અને યુવા પેઢીને મોટી સંખ્યામાં સહભાગી થવા આણંદ જિલ્લા વહીવટી તંત્ર અને કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા અપીલ કરવામા આવી છે.