Close

બોરસદ પાસે સૂર્યમંદિર નજીકનો માઇનોર બ્રિજનું સ્ટ્રક્ચર સંપૂર્ણ તોડી પાડવા વાહનવ્યવહારના ડાયવર્ઝનની મુદ્દત લંબાવાઈ

Publish Date : 14/09/2026

બોરસદ-વાસદ નેશનલ હાઈવે પર ૧૯ નવેમ્બર ૨૦૨૬ સુધી ટ્રાફિક પ્રતિબંધ: અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા નવું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

બોરસદ-આણંદ અને બોરસદ-વાસદ ચોકડી વચ્ચે ભારે વાહનો માટે ટ્રાફિક ડાયવર્ઝન

આણંદ, શુક્રવાર, આણંદ જિલ્લાના બોરસદ ગામ પાસે રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૬૪ પર આવેલા અને અતિભારે વરસાદને કારણે જર્જરિત થયેલા માઈનોર બ્રિજના સંપૂર્ણ ડેમોલિશન અને પુનઃનિર્માણની કામગીરીને ધ્યાને રાખીને વાહનવ્યવહાર પરના પ્રતિબંધની મુદ્દતમાં વધારો કરવામાં આવ્યો છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી રાહુલ ગમારા દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩(૧)(બી) હેઠળ મળેલી સત્તાની રૂએ પ્રસિદ્ધ કરવામાં આવેલા નવા જાહેરનામા અનુસાર, હવે ૧૮ નવેમ્બર ૨૦૨૬ સુધી આ માર્ગ પર ટ્રાફિક ડાયવર્ઝન અમલી રહેશે.

આ જાહેરનામાં દ્વારા સૂર્યમંદિર પાસેના માઈનોર બ્રિજ પરથી તમામ પ્રકારના વાહનોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવ્યો છે. આ સમયગાળા દરમિયાન વાહનચાલકોએ તંત્ર દ્વારા સૂચવવામાં આવેલા વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ તારીખ ૧૯ સપ્ટેમ્બર ૨૦૨૬ થી ૧૯ નવેમ્બર ૨૦૨૬ સુધી કરવાનો રહેશે.

મુસાફરોની સુવિધા માટે જાહેર કરવામાં આવેલા વૈકલ્પિક રૂટ મુજબ, બોરસદથી વાસદ તરફ જતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૬૪ ના વાહનો હવે બોરસદ આણંદ ચોકડીથી સિંગલાવ ચાર રસ્તાથી  ડાબી બાજુ વળી ત્યાંથી ૧૦૦ ફૂટ રોડ પરથી પસાર થઈને છોટાલાલ પાર્ક અને રાઠોડ ચોકડી થઈને આગળ વધશે. ત્યાંથી પાણીની ટાંકી ત્રણ રસ્તાથી જમણી બાજુ વળીને બોરસદ-વાસદ ચોકડી અને ડાબી બાજુ વળતા બોરસદ-વાસદ હાઈવે તરફ જઈ શકાશે. આ જ રીતે વાસદ-બોરસદ ચોકડીથી આણંદ ચોકડી તરફ આવતા વાહનો માટે પાણીની ટાંકીથી ડાબી બાજુ વળીને રાઠોડ ચોકડી, છોટાલાલ પાર્ક અને સિંગલાવ ત્રણ રસ્તા થઈ વાસદ-ધર્મજ હાઈવે અથવા બોરસદ આણંદ ચોકડી તરફ જવાનો માર્ગ નિયત કરવામાં આવ્યો છે.

ભારે વાહનોના અવરોધરહિત સંચાલન માટે પણ સ્પષ્ટ સૂચનાઓ જારી કરી છે. ભારે વાહનોએ બોરસદ-વાસદ હાઈવે રોડ પર આગળ વધીને બોરસદ વધવાલા ટી-પોઈન્ટથી ડાબી બાજુ વળી વાસદ થી ધર્મજ તરફ જતા હાઈવે પર જવાનું રહેશે અને ત્યાંથી પામોલ બ્રિજ નીચે આવેલા સર્વિસ રોડનો ઉપયોગ કરીને આગળ વધવાનું રહેશે.

નવા જાહેરનામા મુજબ, બોરસદ-આણંદ ચોકડીથી બોરસદ-વાસદ ચોકડી તરફ જતા તમામ ભારે વાહનોએ હવે વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવાનો રહેશે. આ વાહનો બોરસદ-આણંદ ચોકડીથી આણંદ તરફ જતા આણંદ બ્રીજ ચાર રસ્તાથી જમણી બાજુ વળીને સર્વિસ રોડ પર આગળ વધશે. ત્યાંથી ધર્મજ-વાસદ હાઈવે સાથે જોડાઈને દાવોલ બ્રીજ સર્વિસ રોડ પર આગળ વધવાનું રહેશે. ત્યારબાદ દાવોલથી જમણી બાજુ વળીને વધવાલા ટી-પોઈન્ટ સુધીના સર્વિસ રોડનો ઉપયોગ કરીને વાહનો બોરસદ-વાસદ ચોકડી તરફ જઈ શકશે.

આ હુકમનું ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે.