બોરસદના સારોલ ગામે શ્રમિકો માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો
આણંદ, શનિવાર , આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના સારોલ ગામ ખાતે ગુજરાત ગ્રામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા સંચાલિત વિવિધ સહાયકારી યોજનાઓની વિસ્તૃત માહિતી શ્રમિકો સુધી પહોંચે તે હેતુથી સ્વામિનારાયણ મંદિર પરિસરમાં શ્રમિકો અને તેમના પરિવારજનો માટે ખાસ માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો.
આ કાર્યક્રમમાં બોરસદના મદદનીશ સરકારી શ્રમ અધિકારીશ્રી પી.બી.બારીયા દ્વારા અંત્યેષ્ટિ સહાય યોજના, શ્રમિક સુરક્ષા (અકસ્મિક મૃત્યુ/અકસ્મિક વીમા) યોજના, સિલિકોસિસથી મૃત્યુના કિસ્સામાં મળવાપાત્ર સહાય યોજના તેમજ સિલિકોસિસની બીમારીના કારણે અસરગ્રસ્ત શ્રમિકોના પુનર્વસન સંબંધિત યોજનાઓ અંગે ઊંડાણપૂર્વક સમજણ આપવામાં આવી હતી. આ ઉપરાંત, શ્રમિકોને વિવિધ યોજનાઓના હેતુ, યોગ્યતા/પાત્રતા, મળવાપાત્ર સહાયની રકમ અને લાભ મેળવવા માટેની જરૂરી અરજી પ્રક્રિયા વિશે માહિતી આપી માર્ગદર્શિત કરવામાં આવ્યા હતા.
આ જાગૃતિ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય શ્રમિકો અને તેમના પરિવારજનોમાં સરકારી યોજનાઓ પ્રત્યે સરકારી સહાયની જાગૃતિ કેળવવાનો તથા તમામ પાત્ર લાભાર્થીઓ સુધી યોજનાકીય લાભો સરળતાથી પહોંચાડી શકાય તે માટે જરૂરી માહિતી પૂરી પાડવાનો છે. આ કાર્યક્રમમાં સારોલ ગામના સરપંચશ્રી સહિત અંદાજીત ૭૦ જેટલા શ્રમિકો ઉપસ્થિત રહ્યા હતા.