બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલયના સફાઈ કર્મચારીના પરિવારને SBI દ્વારા ₹10 લાખના જીવન વીમાની સહાય ચૂકવાઇ
Publish Date : 12/03/2026
કર્મચારીઓના SBI માં સેલરી એકાઉન્ટ હોવાથી ₹10 લાખનું જીવન વીમા કવચ આપમેળે પ્રાપ્ત થાય છે – SBI આણંદના AGM શ્રી વિક્રમસિંહ ઘરિયા
આણંદ, બુધવાર: ચારુતર વિદ્યામંડળ સંચાલિત બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય (BVM) ખાતે ફરજ બજાવતા ચોથા વર્ગના સરકારી અનુદાનિત કર્મચારી સ્વ. ગોવિંદભાઈના પરિવારને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI) દ્વારા વીમા કવચ હેઠળ આર્થિક સહાય પૂરી પાડવામાં આવી છે.
સંસ્થામાં સફાઈ કર્મચારી તરીકે કાર્યરત ગોવિંદભાઈનું ગત તારીખ 30/12/2025 ના રોજ દુઃખદ અવસાન થયું હતું, જેના પગલે બેન્ક દ્વારા ત્વરિત કાર્યવાહી કરી તેમના ધર્મપત્ની ગં.સ્વ. મયુરીબેનને ₹10,00,000 (અંકે રૂપિયા દસ લાખ પુરા) નો ચેક આપવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલયના તમામ સરકારી અનુદાનિત કર્મચારીઓના SBI માં સેલરી એકાઉન્ટ હોવાથી તેમને ₹10 લાખનું જીવન વીમા કવચ આપમેળે પ્રાપ્ત થાય છે. આ યોજનાની ખાસિયત એ છે કે તેના માટે કર્મચારીઓ પાસેથી કોઈપણ પ્રકારનું પ્રીમિયમ લેવામાં આવતું નથી, જે મુશ્કેલ સમયમાં કર્મચારીઓના પરિવાર માટે મોટું આર્થિક પીઠબળ સાબિત થાય છે.
આ ચેક અર્પણ વિધિ પ્રસંગે ચારુતર વિદ્યામંડળના અધ્યક્ષ એન્જિનિયર ભીખુભાઈ પટેલ, સંસ્થાના પ્રિન્સિપાલ ડૉ. વિનય જે. પટેલ, SBI આણંદ વિસ્તારના AGM શ્રી વિક્રમસિંહ ઘરિયા, શ્રી રાહુલ શુકલા (ચીફ મેનેજર) અને શ્રી સની પંચાલ (રિલેશનશિપ મેનેજર) ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ સમયે ડૉ. એચ. જી. કાતરીયા (એસોસિયેટ ડીન, ફેકલ્ટી અફેર્સ), ડૉ. ભાર્ગવ ગોરડિયા (હેડ, ઈ.સી. એન્જિનિયરિંગ તથા વાઇસ પ્રેસિડેન્ટ, BVM સેન્ટ્રલ કમિટી), અને ડૉ. જયદીપસિંહ બારીયા (એસોસિએટ ડીન, સ્ટુડન્ટ અફેર્સ એન્ડ એલ્યુમની) એ હાજર રહી શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.