બાળકોમાં વધતા ચાંદીપુરા તાવના જોખમ સામે આરોગ્ય વિભાગ એક્શન મોડમાં: સેન્ડફલાયથી બચવા વિસ્તૃત માર્ગદર્શિકા જાહેર
Publish Date : 18/07/2026
બાળકોને સખત તાવ કે ખેંચ જણાય તો વિલંબ કર્યા વિના તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં સારવાર લેવા આરોગ્ય વિભાગની અપીલ
આણંદ, શુક્રવાર, ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તેમજ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન દ્વારા રાજ્યમાં બાળકો માટે જોખમી ગણાતા ચાંદીપુરા રોગના નિયંત્રણ અને સાવચેતી માટે વિસ્તૃત માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે.
સેન્ડફલાય એટલે કે રેતીની માખી દ્વારા ફેલાતા આ વાયરલ તાવના વધતા જતા જોખમને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા વિશેષ જનજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ ચેપી રોગ ખાસ કરીને ૦ થી ૧૫ વર્ષની વયના બાળકોના સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઊભું કરતો હોવાથી વાલીઓને સતર્ક રહેવા અને જરૂરી સાવચેતીના પગલાં લેવા માટે જણાવવામાં આવ્યું છે. આ રોગના ફેલાવાને રોકવા માટે સેન્ડફલાયના ઉત્પત્તિ સ્થાનોનો નાશ કરવો અને બાળકોને આ જીવાતથી સુરક્ષિત રાખવા એ જ પ્રાથમિક અને અસરકારક ઉપાય છે.
ચાંદીપુરા તાવના લક્ષણોને સમયસર ઓળખવા અત્યંત જરૂરી છે કારણ કે ત્વરિત સારવાર જ બાળકના જીવને બચાવી શકે છે. જો કોઈ બાળકને અચાનક અત્યંત સખત તાવ આવવાની શરૂઆત થાય અને તેની સાથે ઝાડા કે ઉલ્ટીની ફરિયાદ હોય, તો તેને તાત્કાલિક તબીબી તપાસ કરાવવી જોઈએ. રોગની તીવ્રતા વધતા બાળકને ખેંચ આવવી અથવા બાળક અર્ધભાન કે સંપૂર્ણ બેભાન થઈ જવાની સ્થિતિ પણ સર્જાઈ શકે છે. કરમસદ આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારી અને જિલ્લા પંચાયતના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે આવા કોઈપણ લક્ષણો દેખાય ત્યારે જરા પણ વિલંબ કર્યા વિના દર્દીને તાત્કાલિક ધોરણે નજીકની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરવા જોઈએ, જેથી સંભવિત જાનહાનિ ટાળી શકાય.
આ રોગ ફેલાવતી સેન્ડફલાય સામાન્ય માખી કરતા કદમાં ચાર ગણી નાની હોવાથી તેને નરી આંખે જોવી મુશ્કેલ હોય છે, પરંતુ તે ચાંદીપુરા અને કાલા આઝાર જેવા જીવલેણ રોગો ફેલાવવામાં અત્યંત સક્રિય છે. આ માખીઓ મોટાભાગે ઘરની અંદરની કાચી કે પાકી દીવાલોની તિરાડોમાં, ભેજવાળા વાતાવરણમાં અને અંધારિયા ખૂણાઓમાં વસવાટ કરે છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ગાર-લીપણવાળા મકાનોની દીવાલોમાં રહેલા નાના છિદ્રો આ માખીના પ્રજનન માટે મુખ્ય કેન્દ્ર બને છે. મચ્છરની જેમ જ આ જીવના ઈંડામાંથી ઈયળ અને કોશેટો બન્યા બાદ તે પુખ્ત માખી તરીકે બહાર આવે છે, જે બાદમાં બાળકોમાં વાયરસના સંક્રમણનું નિમિત્ત બને છે.
સેન્ડફલાયથી થતા રોગોથી બચવા માટે ઘર અને આસપાસના વાતાવરણમાં સ્વચ્છતા રાખવી અનિવાર્ય છે, જે માટે રહેણાંકની અંદર અને બહારની દીવાલોમાં રહેલી તમામ તિરાડોને તાત્કાલિક પુરાવી દેવી જોઈએ. ૧૫ વર્ષ સુધીના બાળકો આ રોગની ચપેટમાં આવવાની શક્યતા વધુ હોવાથી વાલીઓએ રાત્રે સુતી વખતે બાળકો માટે જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીનો જ ઉપયોગ કરવો જોઈએ અને દિવસ દરમિયાન બાળકોના આખું શરીર ઢંકાય તેવા કપડાં પહેરાવવા જોઈએ. આ ઉપરાંત બાળકો ઘરની બહાર ખુલ્લા આંગણામાં કે જ્યાં ધૂળ અને ભેજ વધુ હોય ત્યાં ખુલ્લા શરીરે ન રમે તેની તકેદારી રાખવી જરૂરી છે. ઘરમાં પૂરતા પ્રમાણમાં હવા-ઉજાસ અને સૂર્યપ્રકાશ રહે તેવી વ્યવસ્થા કરવાથી આ જીવાતનો ઉપદ્રવ ઘટાડી શકાય છે.