Close

બાગાયત ખાતા દ્વારા મળતી “પ્રોસેસિંગ સહાય યુનીટ અંતર્ગત” કેરીની સિઝનમાં પ્રોસેસિંગનું સ્ટાર્ટઅપ શરૂ કરતા ઉમરેઠના જીગરભાઈ પટેલ

Publish Date : 02/06/2025

સફળ સ્ટાર્ટઅપ થકી અન્ય ૭ જેટલા લોકોને  રોજગારી આપીને અન્ય યુવાઓને સફળતાની રાહ ચીંધી.

કેરીની એક જ સીઝનમાં સરેરાશ રૂ.૧,૫૦,૦૦૦ જેટલી આવક મેળવતા પ્રગતિશીલ ખેડૂત.

બાગાયતી યોજના અંતર્ગત મળતી પ્રોસેસિંગ યુનિટ સહાયનો વધુ લાભ લેવા માટે જિલ્લાના ખેડૂતોને અપીલ કરતાં નાયબ બાગાયત નિયામકશ્રી ડૉ .સ્મિતા પીલ્લાઈ.

આણંદ,સોમવાર: સરકારના બાગાયત વિભાગ દ્વારા વિવિધ સહાયો લઈને યુવા ખેડૂતો પોતે તો આર્થિક રીતે ઉન્નત થઈ રહ્યા છે અને અન્ય લોકોના જીવન નિર્વાહ માટે રોજગારી પૂરી પાડી રહ્યા છે.

આજે વાત કરવી છે આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના અહિમા ગામના યુવા ખેડૂત જયંતીભાઈ પટેલ.

જીગરભાઈએ ખેતીક્ષેત્રે નવી દિશા આપીને યુવા ખેડૂતોને ખેતીક્ષેત્રે ઝંપલાવવા માટે પ્રેરણા પૂરી પાડી છે.

જીગરબાઈએ આ વખતની કેરીની સિઝનમાં કેરીના રસના પ્રોસેસિંગ માટે સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે. તેમને ગત વર્ષે બાગાયત ખાતા દ્વારા મળતી પ્રોસેસિંગ યુનિટ સહાય યોજના અંતર્ગત રૂ.૨,૪૪,૮૫૦ ની સહાય મેળવીને તેઓને પોતાનું યુનિટ શરૂ કર્યું.જે એક દિવસમાં ૧૦૦૦ લીટરથી વધુ કેરીના રસની પ્રોસેસ કરવાની ક્ષમતા ધરાવે છે.અત્યાર સુધીમાં તેમણે ૪૦ થી ૫૦ ઓર્ડરો પૂરા કર્યા છે, અને સરેરાશ રૂ.૧,૫૦,૦૦૦ ની આવક પણ મેળવી છે.

આ સ્ટાર્ટઅપ  દ્વારા જીગરભાઈ પોતે આર્થીક રીતે સધ્ધર નથી બન્યા પરંતું તેઓએ અન્ય ૬ થી ૭ જેટલા લોકોને પણ રોજગારી આપીને આર્થીક રીતે પગભર બનાવ્યા છે.

પોતાના સ્ટાર્ટઅપ વિશે જીગરભાઈ જણાવે છે કે,  કેરીની સિઝનમાં કેરીના રસના પ્રોસેસિંગ માટે  વડોદરાથી શ્રેષ્ઠ ગુણવત્તાવાળી કેરી પસંદ કરીને લાવે છે.અને ગ્રાહકોની માંગ મુજબ જુદી જુદી જાતની કેરીનું પ્રોસેસિંગ કરે છે.વધુમાં તેઓ આગળ જણાવતા કહે છે કે, અમારા દ્વારા કરાયેલ કેરીના રસની ગુણવત્તાને લીધે અમે ગામમાં જ નહિં, પણ આજુબાજુના વિસ્તારમાં જાણીતા બન્યા છીએ.

નાયબ બાગાયત નિયામકશ્રી ડૉ .સ્મિતા પીલ્લાઈ જણાવે છે કે, આણંદ જિલ્લાના ખેડૂતો ટામેટા,કેરી,સરગવા,હળદર,ગુલાબ વગેરે બાગાયતી પાકોમાં સક્રિય બનીને વાવેતર કરી રહ્યા છે.આથી,આણંદ જિલ્લાના ખેડૂતોને અપીલ કરતા જણાવ્યું કે,બાગાયતી યોજના અંતર્ગત મળતી પ્રોસેસિંગ યુનિટ સહાયનો વધુ લાભ લેવો જોઈએ, જેથી ખેડૂત ભાઈઓ બમણી આવક મેળવીને આત્મનિર્ભર બની શકે.

અત્રે ઉલ્લેખનિય છે કે, ગુજરાત રાજ્ય સ્ટાર્ટઅપ ઈન્ડિયા યોજનાનું સફળ અમલીકરણ કરનાર પ્રથમ રાજ્ય છે.રાજ્યમાં અત્યાર સુધી ૧૦ હજારથી ઉપરાંત વધુ સ્ટાર્ટઅપને માન્યતા મળી છે અને રાજ્યને સતત ૪ વર્ષ સુધી બેસ્ટ પરફોર્મર એવોર્ડ પણ મળ્યો  છે.