Close

પ્રાકૃતિક ખેત પદ્ધતિમાં ખેત ઉત્પાદન અને ખેડૂતની આવક વધારતા રસાયણમુક્ત જંતુનાશક શસ્ત્રો

Publish Date : 05/02/2026

વૃક્ષના થડમાં, સિંગોમાં અને ફળોમાં રહેતી નાની મોટી ઈયળોના નિયંત્રણમાં ઉપયોગી જંતુનાશક શસ્ત્ર – ‘અગ્નિઅસ્ત્ર’

આણંદ, ગુરૂવાર: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા આહવાન કર્યું છે. ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી એ પ્રાકૃતિક ખેતીના વ્યાપને વધારવા માટે રાજ્યભરમાં મુહિમ શરૂ કરી છે. રાસાયણિક ખેતી માત્ર જમીનને જ નહી પરંતુ માનવ સ્વાસ્થ્યને પણ નુકસાન કરી રહી છે. ત્યારે ખેડૂતો પ્રાકૃતિક કૃષિનું મહત્વ સમજી અને પ્રાકૃતિક ખેતી અપનાવીને ઓછા ખર્ચે વધુ આવક મેળવી રહ્યા છે. પ્રાકૃતિક ખેતી કરીને પર્યાવરણને સંરક્ષિત રાખવામાં અગત્યનું યોગદાન આપતા ખેડૂતોને જોઈ અન્ય ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી અપનાવે તે માટે જાગરૂકતા અર્થે અનેકવિધ પ્રયાસો હાથ ધરાયા છે.

આ પ્રાકૃતિક ખેતીમાં પાકના રક્ષણ માટે કુદરતી રીતે તૈયાર કરવામાં આવતાં જંતુનાશક શસ્ત્રો જેવાં કે નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, દશપર્ણી અર્ક, ખાટી છાશ, સુંઠાસ્ત્રનો ઉપયોગ કરવામાં આવે છે જેનાથી પાકને પૂરતું રક્ષણ મળે છે અને ખેત ઉત્પાદનમાં અને ખેડૂતોની આવકમાં વધારો થાય છે. આવો! આજે આપણે ઉકત જણાવેલા જંતુનાશક શસ્ત્રો પૈકિના ‘અગ્નિઅસ્ત્ર’ બનાવવાની પ્રક્રિયા વિશે સમજીએ.

અગ્નિઅસ્ત્રનો ઉપયોગ વૃક્ષના થડમાં, સિંગોમાં રહેતી અને ફળોમાં રહેતી ઈયળો તેમજ નાની- મોટી ઈયળોના નિયંત્રણ કરવા માટે થાય છે. અગ્નિઅસ્ત્ર બનાવવા માટે ૨૦ લીટર દેશી ગાયનુ ગૌમૂત્ર, ૨ કિગ્રા કડવા લીમડાનાં પાનની ચટણી, ૫૦૦ ગ્રામ તીખા મરચાંની ચટણી, ૨૫૦ ગ્રામ દેશી લસણની ચટણી, ૫૦૦ ગ્રામ તમાકુનો પાવડર, ૫૦૦ ગ્રામ આદુની ચટણીના મિશ્રણને ઓગાળીને ઢાંકી ધીમા તાપે એક ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરી ઠંડુ પડવા દેવું. ત્યારબાદ ૨ દિવસ સુધી સવાર-સાંજ ૫-૫ મિનિટ માટે ઘડીયાળના કાંટાની દિશામાં હલાવવું પછી કપડાથી ગાળીને ઉપયોગ કરવો. અગ્નિઅસ્ત્રને ૩ મહિના સુધી સંગ્રહ કરીને ઉપયોગમાં લઈ શકાય છે. પ્રતિ એકર ૧૦૦ થી ૨૦૦ લીટર પાણીમાં ૬ થી ૮ લીટર અગ્નિઅસ્ત્ર ભેળવીને તેનો છંટકાવ કરવો જોઈએ.

આમ, પ્રાકૃતિક ખેતીમાં જીવામૃત, બીજામૃત આચ્છાદન જેવા આયામોની સાથે નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, દશપર્ણી અર્ક, ખાટી છાશ, સુંઠાસ્ત્ર જેવા જંતુનાશક શસ્ત્રોનો ઉપયોગ કરવાથી જમીનની ભેજ સંગ્રહ ક્ષમતા, ફળદ્રુપતા અને ઉત્પાદન ક્ષમતા વધારી શકાય છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યની સાથે સાથે આણંદ જિલ્લામાં પણ પ્રાકૃતિક કૃષિને વેગ મળી રહ્યો છે. આજે પ્રાકૃતિક કૃષિ સમયની માંગ છે, ત્યારે પ્રાકૃતિક કૃષિને લઈને કેન્દ્ર-રાજ્ય સરકાર દ્વારા દેશના ખૂણે-ખૂણે પ્રાકૃતિક કૃષિના મહત્વ વિશે સમજ આપવા તથા જાગૃત કરવા માટે ખેડૂતો સાથે સંવાદ કરવામાં આવી રહ્યો છે. જેના પરિણામો આણંદ જિલ્લામાં મળી રહ્યા છે અને ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળવા લાગ્યા છે.