Close

પ્રાકૃતિક ખેતી – આણંદ જિલ્લો

Publish Date : 03/03/2026

બોરસદ ચોકડી સ્થિત ATIC “પ્રાકૃતિક વેચાણ કેન્દ્ર” : ખેડૂતની પ્રગતીનો નવો આયામ

પ્રાકૃતિક ખેતી થકી આણંદમાં સફળતાની મહેક પ્રસરાવતા આસોદરના ખેડૂત લાલસિંહ પઢિયાર

સરકાર દ્વારા વિનામૂલ્યે પ્રાકૃતિક વેચાણ કેન્દ્રની  જગ્યા આપીને ‘ફાર્મ ટુ કન્ઝ્યુમર’નો ખ્યાલ સાકાર કરાયો

આણંદ, સોમવાર:  વર્તમાન સમયમાં જ્યારે રાસાયણિક ખેતીના ગંભીર દુષ્પરિણામો સામે આવી રહ્યા છે, ત્યારે આણંદ જિલ્લામાં ‘બેક ટુ નેચર’નો પવન ફૂંકાયો છે. ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને આત્મા પ્રોજેક્ટના સંયુક્ત ઉપક્રમે આણંદના બોરસદ ચોકડી સ્થિત ATIC બિલ્ડીંગ ખાતે દર મંગળવારે ભરાતું ‘પ્રાકૃતિક ખેતી ઉત્પાદન વેચાણ કેન્દ્ર’ આજે ખેડૂતો માટે સમૃદ્ધિનું અને નગરજનો માટે આરોગ્યનું પ્રવેશ દ્વાર બન્યું છે.

આ વેચાણ કેન્દ્રમાં પ્રાકૃતિક કૃષિની જણશો ના વેચાણ માટે આવતા આંકલાવ તાલુકાના આસોદર ગામના ૪૪ વર્ષીય પ્રગતિશીલ ખેડૂત લાલસિંહ સંજુભાઈ પઢિયાર જણાવે છે કે તેઓ છેલ્લા પાંચ વર્ષથી સંપૂર્ણપણે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. પાંચ સભ્યોના પરિવારનું ભરણપોષણ કરતા લાલસિંહ એ કહ્યું  કે, “મેં છેલ્લા પાંચ વર્ષથી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવી છે. શરૂઆતમાં થોડા પડકારો લાગતા હતા, પણ આજે પ્રાકૃતિક ખેતીથી મારા ખેતરમાં કેળા, પપૈયા, હળદરના મુખ્ય પાકની સાથે મિશ્ર પાકમાં હું દૂધી, ટામેટા, મરચા સહિત બધા શાકભાજી વર્ગીય પાક કરું છું અને દર મંગળવારે આણંદ ખાતે બપોરે મારા ખેતરમાં પ્રાકૃતિક ખેતીથી ઉગાવેલ પાકનો સ્ટોલ લગાવીને હું મારા પાકની સીધી આવક મેળવુ છું.” ખેતીમાં પાક પદ્ધતિનું વૈવિધ્ય એ લાલસિંહની સફળતાનો મુખ્ય સ્તંભ છે. તેઓ માત્ર એક જ પાક પર નિર્ભર રહેવાને બદલે મુખ્ય પાક તરીકે કેળ, પપૈયા અને હળદરની ખેતી કરે છે. જેની સાથે જ જમીનનો મહત્તમ ઉપયોગ કરવા માટે તેઓ મિશ્ર પાક તરીકે દૂધી, ટામેટા, મરચા અને વિવિધ પ્રકારના શાકભાજીના પાક પણ ઉગાડે છે. આ પદ્ધતિને કારણે જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે છે અને તેમને સતત આવક મળતી રહે છે. તેઓ દર મંગળવારે બપોરે ૩-૦૦ થી સાંજના ૬-૦૦ કલાક દરમિયાન આણંદ માં બોરસદ ચોકડી પાસે ATIC બિલ્ડીંગ ખાતે પોતાનો સ્ટોલ લગાવી ગ્રાહકોને સીધું વેચાણ કરે છે અને વચેટિયાઓ ના હોવાથી ઉગવેલ પાકના પૂરેપૂરા ભાવ મેળવે છે.

  ગુજરાત સરકાર પ્રાકૃતિક ખેતીને જન-આંદોલન બનાવવા માટે કટિબદ્ધ છે. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ખેડૂતોને વિવિધ સહાય આપવામાં આવી રહી છે. જેમા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને દેશી ગાયના નિભાવ માટે દર મહિને ૯૦૦ રૂપિયાની સહાય આપવામા આવે છે અને ‘આત્મા’ પ્રોજેક્ટ દ્વારા ખેડૂતોને જીવામૃત અને ઘન જીવામૃત બનાવવાની વૈજ્ઞાનિક તાલીમ અને કિટ પૂરી પાડવામાં આવે છે. તે ઉપરાંત ખેડૂતોને પોતાના ઉત્પાદનો વેચવા માટે ATIC જેવા કેન્દ્રો પર વિનામૂલ્યે જગ્યા પૂરી પાડીને ‘ફાર્મ ટુ કન્ઝ્યુમર’નો ખ્યાલ સાકાર કરાયો છે.

ઉલ્લેખનીય છે કે લાલસિંહ જેવા અનેક ખેડૂતો આજે પ્રાકૃતિક ખેત પદ્ધતીથી ખેતી કરીને આર્થિક રીતે સધ્ધર બની રહ્યા છે અને સમાજને રસાયણમુક્ત શુદ્ધ શાકભાજી સહિતની વિવિધ વસ્તુઓ પૂરી પાડી રહ્યા છે. લાલસિંહની સફળતાની સફર અન્ય ખેડૂતો માટે પથદર્શક બની રહી છે, જે દર્શાવે છે કે પ્રાકૃતિક ખેતી એ જ સ્વાસ્થ્યપ્રદ અને ઉજ્જવળ ભવિષ્યની ચાવી છે.