પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન અને ખેડૂતોની આવક વધારવામાં મહત્વના પુરવાર થતાં રસાયણમુક્ત જંતુનાશક શસ્ત્રો
Publish Date : 16/01/2026
પ્રાકૃતિક ખેતીમાં ફુગનાશકની ભૂમિકા ભજવતું જંતુનાશક શસ્ત્ર એટલે ‘સુંઠાસ્ત્ર’
આણંદ, શુક્રવાર: ખેત ઉત્પાદન અને ખેડૂતની આવક વધારતી ખેતી એટલે કે પ્રાકૃતિક ખેતી. પ્રાકૃતિક ખેતી એટલે કે દેશી ગાય આધારિત ખેતી અપનાવીને ખેડૂતો ઓછા ખર્ચે વધુ આવક મેળવી શકે છે. તેમજ પ્રાકૃતિક ખેતી પર્યાવરણને પણ સંરક્ષિત રાખવામાં અગત્યનું યોગદાન આપે છે.
પ્રાકૃતિક ખેતીમાં પાકના રક્ષણ માટે રાસાયણ યુક્ત દવાઓનો ઉપયોગ કરવામાં આવતો નથી. પરંતુ કુદરતી રીતે તૈયાર કરવામાં આવતાં જંતુનાશક શસ્ત્રો જેવાં કે નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, દશપર્ણી અર્ક, ખાટી છાશ, સુંઠાસ્ત્રનો ઉપયોગ કરવામાં આવે છે જેનાથી પાકને પૂરતું રક્ષણ મળે છે તેમજ ખેત ઉત્પાદન અને ખેડૂતોની આવકમાં વધારો થાય છે.
આવો! આજે આપણે ઉકત જણાવેલા જંતુનાશક શસ્ત્રો પૈકિના ‘સુંઠાસ્ત્ર’ બનાવવાની પ્રક્રિયા વિશે સમજીએ. સુંઠાસ્ત્રનો ઉપયોગ પ્રાકૃતિક ખેતીમાં ફૂગનાશક તરીકે કરવામાં આવે છે. તેને બનાવવા માટે ૨૦૦ ગ્રામ સુંઠ અથવા વાવડીંગ પાઉડરને ર લીટર પાણીમાં એટલુ ઉકાળવું કે અડધું થઈ જાય. ત્યારબાદ તેને ઠંડુ પાડવું. બીજા વાસણમાં ૨ લીટર દૂધને ધીમા તાપે ઉકાળી મલાઈ કાઢી નાખવી. ૨૦૦ લીટર પાણીમાં ઉપરનો ઉકાળો અને દૂધ મીક્ષ કરી ર કલાક બાદ છોડ પર ઉપયોગ કરવાથી ફૂગનો નાશ કરી શકાય છે.
આમ, પ્રાકૃતિક ખેતીમાં જીવામૃત, બીજામૃત, આચ્છાદન જેવા આયામોની સાથે નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, દશપર્ણી અર્ક, ખાટી છાશ, સુંઠાસ્ત્ર જેવા જંતુનાશક શસ્ત્રોનો ઉપયોગ કરવાથી જમીનની ભેજ સંગ્રહ ક્ષમતા, ફળદ્રુપતા અને ઉત્પાદન ક્ષમતા વધારી શકાય છે અને આ જંતુનાશક શસ્ત્રોના ઉપયોગ દ્વારા પ્રાકૃતિક ખેતી કરીને પર્યાવરણ તથા માનવીય સ્વાસ્થ્યનું રક્ષણ, પોષણ અને સંવર્ધન કરી શકાય છે.