Close

પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર-૨૦૨૬ માટે નોમિનેશન પ્રક્રિયાનો પ્રારંભ; ૩૧ જુલાઈ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે

Publish Date : 02/07/2026

વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવનાર પ્રતિભાશાળી બાળકો માટે ‘પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર’ મેળવવાની સુવર્ણ તક

સાત વિવિધ શ્રેણીઓમાં અસાધારણ પ્રદર્શન કરનાર બાળકોને રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરવામાં આવશે

૫ થી ૧૮ વર્ષની વયના બાળકો સત્તાવાર પોર્ટલ પર જરૂરી પુરાવા સાથે કરી શકશે ઓનલાઈન નોમિનેશન

આણંદ, બુધવાર, ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા વર્ષ ૨૦૨૬ માટેના ‘પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર’ (PMRBP) માટેની નોમિનેશન પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય પુરસ્કાર માટે પાત્રતા ધરાવતા અને વિવિધ ક્ષેત્રોમાં વિશેષ સિદ્ધિ હાંસલ કરનાર બાળકો આગામી તારીખ ૩૧/૦૭/૨૦૨૬ સુધીમાં રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ પર ઓનલાઈન માધ્યમથી પોતાનું આવેદન પત્ર રજૂ કરી શકે છે. આ પુરસ્કારનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોની અસાધારણ પ્રતિભાને ઓળખી તેમને રાષ્ટ્રીય ફલક પર પ્રોત્સાહન પૂરું પાડવાનો છે.

પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર ખાસ કરીને એવા બાળકોને આપવામાં આવે છે, જેમણે સાહસિકતા, રમતગમત, સમાજ સેવા, વિજ્ઞાન અને ટેકનોલોજી, પર્યાવરણ, કલા અને સંસ્કૃતિ તેમજ નવીનતા (ઇનોવેશન) જેવા સાત મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં રાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હોય.

આ યોજના અંતર્ગત બાળકોને તેમની વિશિષ્ટ કામગીરીના આધારે ‘બાળ બહાદુરી એવોર્ડ’ અને ‘બાળ શ્રેષ્ઠતા એવોર્ડ’ એમ બે મુખ્ય શ્રેણીઓમાં સન્માનિત કરવામાં આવે છે. આ પુરસ્કાર બાળકોના આત્મવિશ્વાસમાં વધારો કરવાની સાથે અન્ય બાળકો માટે પણ પ્રેરણારૂપ બને છે.

પુરસ્કાર માટેની યોગ્યતા અંગેની વિગતો અનુસાર, આવેદન કરનાર બાળકની ઉંમર ૫ થી ૧૮ વર્ષની વચ્ચે હોવી અનિવાર્ય છે. આ ઉપરાંત, ઉમેદવારે છેલ્લા ૦૨ વર્ષ દરમિયાન જે-તે ક્ષેત્રમાં કરેલ શ્રેષ્ઠ પ્રદર્શન કે સેવા અંગેના આધાર-પુરાવાઓ સાથે નિયત સમયમર્યાદામાં નોમિનેશન કરવાનું રહેશે. લાયકાત ધરાવતા બાળકોએ સત્તાવાર વેબસાઇટ https://awards.gov.in/Home/AwardLibrary પર જઈને ઓનલાઈન પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. આ પોર્ટલ પર પુરસ્કાર અંગેની અન્ય તમામ વિગતવાર માહિતી અને માર્ગદર્શિકા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

આ એવોર્ડ અને નોમિનેશન પ્રક્રિયા અંગે વધુ જાણકારી અથવા માર્ગદર્શન મેળવવા માટે આણંદ જિલ્લાના નાગરિકોને જિલ્લા બાળ સુરક્ષા એકમનો સંપર્ક કરવા જણાવાયું છે. રસ ધરાવતા વ્યક્તિઓ જિલ્લા બાળ સુરક્ષા એકમ, ગ્રાઉન્ડ ફ્લોર, જૂની કલેક્ટર કચેરી, સર્કિટ હાઉસની બાજુમાં, અમૂલ ડેરી સામે, આણંદ ખાતે રૂબરૂ અથવા કચેરીના ટેલીફોન નંબર ૦૨૬૯૨-૨૫૦૯૧૦ પર સંપર્ક કરીને આ અંગેની સત્તાવાર વિગતો મેળવી શકાય છે.