પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બનાસકાંઠાથી ૨૪ મો હપ્તો રિલીઝ કરશે : આણંદ જિલ્લાના ૨.૬૧ લાખથી વધુ ખેડૂતોના ખાતામાં રૂ. ૫૨.૪૩ કરોડ જમા થશે

Publish Date : 29/10/2026

આણંદ જિલ્લાના અક્ષર ફાર્મ સહિત ૮૦ સ્થળોએ કાર્યક્રમોનું આયોજન

ખેતીવાડીની વિવિધ યોજનાઓના સહાય વિતરણ સાથે પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરાશે

આણંદ,બુધવાર , આણંદ જિલ્લામાં આગામી ૩૦ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ ‘પીએમ કિસાન સન્માન નિધિ’ યોજનાના ૨૪ મા હપ્તાના રિલીઝ પ્રસંગે ‘પીએમ કિસાન ઉત્સવ દિવસ’ અને ‘રવિ કૃષિ મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદી બનાસકાંઠા ખાતેથી રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમમાં આ સહાય રિલીઝ કરશે, જેનું સીધું પ્રસારણ આણંદ જિલ્લાના વિવિધ સ્થળોએ કરવામાં આવશે. આણંદ જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ સવારે ૧૦:૩૦ કલાકે શહેરના અક્ષર ફાર્મ ખાતે યોજાશે. આ ઉપરાંત જિલ્લાના વિવિધ ૮૦ સ્થળોએ તાલુકા અને ગ્રામ્ય સ્તરે પણ કાર્યક્રમોનું આયોજન કરી બહોળી સંખ્યામાં ખેડૂતોને સહભાગી બનાવવામાં આવશે.

પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત સમગ્ર દેશના ૯.૩૪ કરોડથી વધુ ખેડૂત પરિવારોને રૂ. ૧૮,૬૮૦ કરોડથી વધુની સહાય ડી.બી.ટી. મારફતે સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. આ રાષ્ટ્રીય મહોત્સવમાં ગુજરાત રાજ્યના ૫૨.૩૩ લાખથી વધુ ખેડૂત પરિવારોને અંદાજે રૂ.૧,૦૫૧ કરોડથી વધુની સહાય પ્રાપ્ત થશે.

આણંદ જિલ્લાની વાત કરીએ તો જિલ્લાના કુલ ૨,૬૧,૪૨૧ ખેડૂત લાભાર્થીઓને અંદાજે રૂ. ૫૨.૪૩ કરોડની સહાય સીધી તેમના ખાતામાં જમા કરવામાં આવશે. આ કાર્યક્રમમાં આણંદ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી સંજયસિંહ મહિડા, સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ અને જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી ખેડૂતોને પ્રોત્સાહિત કરશે.

રવિ કૃષિ મહોત્સવના ભાગરૂપે આયોજિત આ કાર્યક્રમોમાં ખેતીવાડી વિભાગની વિવિધ કલ્યાણકારી યોજનાઓના સહાય વિતરણની કામગીરી પણ હાથ ધરવામાં આવશે. આ પ્રસંગે કૃષિ અને બાગાયત ક્ષેત્રના નિષ્ણાતો દ્વારા ઉપસ્થિત ખેડૂતોને રવિ પાક, આધુનિક ખેતી પદ્ધતિઓ અને સરકારી યોજનાઓ અંગે સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. કાર્યક્રમ દરમિયાન જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો દ્વારા કરવામાં આવેલી શ્રેષ્ઠ કામગીરીની નોંધ લઈ તેમને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવશે.

બનાસકાંઠા ખાતે યોજાનાર મુખ્ય કાર્યક્રમનું જીવંત પ્રસારણ આણંદ જિલ્લાના તમામ ૮૦ સ્થળોએ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ખેડૂતો આ કાર્યક્રમને નિહાળી શકે તે માટે એ.પી.એમ.સી., કૃષિ વિજ્ઞાન કેન્દ્રો (KVK), ખેડૂત ઉત્પાદક સંગઠનો (FPO) અને ગ્રામ્ય કક્ષાએ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત ડિજિટલ માધ્યમથી જોડાવા ઈચ્છતા ખેડૂતો વેબકાસ્ટ લિંક દ્વારા પણ આ કાર્યક્રમમાં જોડાઈ શકશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના તમામ ખેડૂતોને આ મહોત્સવમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી યોજનાકીય માહિતી અને સહાયનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.