પ્રજાના દ્વારે પ્રશાસન
Publish Date : 16/09/2026
આણંદ જિલ્લામાં સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ: ગ્રામ્ય અને શહેરી વિસ્તારના નાગરિકોના પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવશે
આણંદ જિલ્લામાં સેવા સેતુનું આયોજન, સપ્ટેમ્બર અને ઓક્ટોબર માસનો વિગતવાર સમયપત્રક જાહેર
આણંદ, સોમવાર, આણંદ જિલ્લાના નાગરિકોની વહીવટી સમસ્યાઓના સ્થળ પર જ અને ત્વરિત નિકાલ માટે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ ‘સેવા સેતુ’ કાર્યક્રમના વિવિધ તબક્કાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ગ્રામ્ય કક્ષાએ ‘સેવા સેતુ ૨.૧’ અને શહેરી વિસ્તારોમાં ‘સેવા સેતુનો ૧૨મો તબક્કો’ સપ્ટેમ્બર અને ઓક્ટોબર માસ દરમિયાન યોજાશે. આ કાર્યક્રમ દ્વારા સામાન્ય જનતાને સરકારી સેવાઓનો લાભ તેમના રહેઠાણની નજીક, સરળતાથી અને અત્યંત પારદર્શક રીતે ઉપલબ્ધ કરાવવામાં આવશે.
ગ્રામીણ ક્ષેત્રે આણંદ, ઉમરેઠ, સોજિત્રા, પેટલાદ, બોરસદ, ખંભાત, તારાપુર અને આંકલાવ તાલુકાના વિવિધ ક્લસ્ટરોમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આણંદ ગ્રામ્ય વિસ્તારમાં ખાંધલી, કણભાઈપુરા, અડાસ અને સદાનાપુરા જેવી પ્રાથમિક શાળાઓમાં આગામી ૨૮ સપ્ટેમ્બરથી ૦૬ ઓક્ટોબર દરમિયાન સેવા સેતુનું આયોજન કરવામાં આવ્યું છે. તેવી જ રીતે ઉમરેઠ તાલુકાના પણસોરા, ખાંભણપુરા, શીલી અને સૈયદપુરા જેવી પ્રાથમિક શાળાઓમાં ૯ થી ૧૦ ગામોના ક્લસ્ટર બનાવીને વહીવટી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. પેટલાદ અને બોરસદ તાલુકાના અનેક ગામોને સાંકળી લેતી વિવિધ પ્રાથમિક શાળાઓમાં ૮ થી ૧૩ ગામોના ક્લસ્ટર મુજબ સેવા સેતુ યોજાશે, જેનો લાભ હજારો ગ્રામીણ નાગરિકો લઈ શકશે.
શહેરી વિસ્તારના આયોજન અંગે આણંદ મહાનગરપાલિકામાં ૩૦ સપ્ટેમ્બરના રોજ વોર્ડ નંબર ૧, ૨, ૩, ૪ અને ૭ માટે નહેરૂ બાગ કોમ્યુનિટી હોલ ખાતે અને ૦૬ ઓક્ટોબરના રોજ બીજા અન્ય વોર્ડ માટે ટાઉન હોલ ખાતે સેવા સેતુ યોજાશે. ઉમરેઠ, સોજિત્રા, પેટલાદ અને બોરસદ નગરપાલિકા વિસ્તારોમાં પણ વોર્ડ વાઇઝ અલગ-અલગ સ્થળો તાલુકા શાળા, હાઇસ્કૂલ, અને નગર સેવા સદન ખાતે સેવા સેતુનું આયોજન કરવામાં આવ્યું છે.
ખંભાત નગરપાલિકા વિસ્તારમાં રાજપૂત સમાજની વાડી અને રાવ સાંસ્કૃતિક હોલ ખાતે ઓક્ટોબર માસના પ્રથમ સપ્તાહમાં નાગરિકો માટે સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ઉપરાંત તારાપુર, ઓડ, કરમસદ અને આંકલાવ નગરપાલિકામાં પણ જાહેર સ્થળો અને શાળાઓમાં સેવા સેતુનું આયોજન કરવામાં આવ્યું છે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ નાગરિકોને ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે કે તેઓ પોતાની વહીવટી અરજીઓ અને જરૂરી આધાર-પુરાવાઓ સાથે જે-તે વિસ્તાર માટે નક્કી કરેલા સ્થળ અને સમયપત્રક મુજબ ઉપસ્થિત રહે. સેવા સેતુના માધ્યમથી રેશનકાર્ડ, આવકના દાખલા, જાતિના પ્રમાણપત્રો અને અન્ય સરકારી યોજનાઓના લાભો સ્થળ પર જ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ઝુંબેશ દ્વારા છેવાડાના માનવી સુધી સુશાસનની વિભાવના પહોંચાડવા માટે તંત્ર સંપૂર્ણ સજ્જ છે. પ્રજાના પ્રશ્નોને હકારાત્મક અભિગમ સાથે ઉકેલવા માટેના આ સેવાયજ્ઞમાં મહત્તમ લોકો જોડાય અને લાભ લે તેવું આયોજન કરવામાં આવ્યું છે.