પોષણ માહ કાર્યક્રમમાં આણંદ જિલ્લાએ ડંકો વગાડ્યો: રાજ્ય કક્ષાએ ‘ટીમ આણંદ’ અને બોરસદ બ્લોક-૧ નું બહુમાન કરાયું
Publish Date : 11/09/2026
મંત્રી શ્રી ડો. મનીષાબેન વકીલના હસ્તે આણંદના આંગણવાડી વિભાગના અધિકારી, કર્મચારીઓને સન્માનિત કરાયા
આણંદ, ગુરૂવાર, મહિલા અને બાળ કલ્યાણ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રીશ્રી ડો. મનીષાબેન વકીલની અધ્યક્ષતામાં તેમજ સચિવશ્રી રાકેશ શંકર અને કમિશ્નરશ્રી રણજિતસિંહની ઉપસ્થિતિમાં “પોષણ માહ” અંતર્ગત રાજ્ય કક્ષાએ એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મંત્રીશ્રીના હસ્તે પોષણ સંગમ બેચ-૩ અને ૮મા પોષણ માહ ૨૦૨૫ દરમિયાન ઉત્કૃષ્ટ અને સરાહનીય કામગીરી કરવા બદલ ‘ટીમ આણંદ’ને રાજ્ય કક્ષાએથી પ્રમાણપત્ર આપીને વિશેષ રૂપે બિરદાવવામાં આવી હતી.
આ સફળતા અંગે આણંદના પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી તેજલ ગોસ્વામીએ જણાવ્યુ હતું કે, આ સિદ્ધિ જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવાહુતીના સક્ષમ માર્ગદર્શન અને નેતૃત્વનું પરિણામ છે. તેમણે આ એવોર્ડ અને પ્રોત્સાહન CDPO, મુખ્ય સેવિકા, NNM ટીમ, PSE, આંગણવાડી કાર્યકર અને તેડાગર સહિતના તમામ કર્મયોગીઓની અથાક મહેનત અને સમર્પણ ભાવને અર્પણ કરીને સમગ્ર ‘ટીમ આણંદ’ને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા.
રાજ્ય કક્ષાના આ કાર્યક્રમમાં સમગ્ર જિલ્લાની સાથે સાથે બોરસદ બ્લોક-૧ ની ટીમે પણ વિશેષ સ્થાન મેળવ્યું હતું. પોષણ સંગમ કાર્યક્રમ હેઠળ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા બદલ બોરસદ બ્લોક-૧ ના CDPO અને મુખ્ય સેવિકાને પણ રાજ્ય કક્ષાએથી એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા, જેનાથી જિલ્લાના આંગણવાડી વિભાગમાં કામ કરતા કર્મચારીઓ માં ખુશીની લાગણી વ્યાપી હતી અને ઉત્સાહ બેવડાયો છે.
રાજ્ય કક્ષાએ મળેલી આ સિદ્ધિની સાથે જ આજથી ૯મા “પોષણ માહ”નો પણ શુભારંભ થયો છે. આ પ્રસંગે જિલ્લામાં કુપોષણનું પ્રમાણ ઘટાડવા, તમામ યોજનાકીય કામગીરી વધુ સુચારૂ બનાવીને આ નવા પોષણ માહ દરમિયાન મહત્તમ પ્રવૃત્તિઓ હાથ ધરીને જિલ્લાને રાજ્યભરમાં અગ્રેસર રાખવા માટે પ્રોગ્રામ ઓફિસર દ્વારા તમામ ઘટકો અને કર્મચારીઓને ખાસ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
પ્રોગ્રામ ઓફિસર તેજલ ગોસ્વામીએ તેમના વિભાગ હસ્તકની ‘ટીમ આણંદ’ના તમામ સ્તરના કર્મચારીઓને પ્રેરણા આપતા જણાવ્યું હતું કે, આપણે સૌ સાથે મળીને તમામ સ્તરે એવું શ્રેષ્ઠ અને પરિણામલક્ષી કામ કરીએ કે જેનાથી આપણા પોતાના કામ પર આપણને સસંતોષ થાય અને સમગ્ર વિભાગને આપણા પર ગૌરવ થાય.

પોષણ માહ કાર્યક્રમમાં આણંદ જિલ્લાએ ડંકો વગાડ્યો: રાજ્ય કક્ષાએ ‘ટીમ આણંદ’ અને બોરસદ બ્લોક-૧ નું બહુમાન કરાયું