પેટલાદ બ્રાન્ચ કેનાલ પર નવો હાઈ લેવલ બ્રિજ બનશે
Publish Date : 24/07/2026
રાજ્ય સરકારે રૂ. ૧.૦૯ કરોડથી વધુની આપી વહીવટી મંજૂરી
શાહપુરથી દાવલપુરા વચ્ચે જૂના બ્રિજના સ્થાને બનશે નવો S.H.R.B. બ્રિજ નિર્માણ કરાશે
આણંદ, ગુરૂવાર , મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં રાજય સરકાર દ્વારા પેટલાદ વિસ્તારમાં માળખાકીય સુવિધાઓના સુદ્રઢીકરણ અને સુરક્ષિત પરિવહન હેતુ એક અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે. પેટલાદ બ્રાન્ચ કેનાલ ઉપર શાહપુરથી દાવલપુરા વચ્ચે ચેઇનેજ ૪૭૭૯૦ મીટર ખાતે આવેલા હાલના જૂના વી.આર.બી. (V.R.B.) બ્રિજના સ્થાને નવો એસ.એચ.આર.બી. (S.H.R.B. – સિંગલ હાઇવે રાઇડિંગ બ્રિજ/હાઇ લેવલ બ્રિજ) બનાવવા માટે અંદાજિત રૂ. ૧.૦૯ કરોડની રકમની વહીવટી મંજૂરી આપવામાં આવી છે. ગુજરાત સરકારના નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા તેનો આદેશ જારી કરવામાં આવ્યો છે.
આ નવનિર્માણ પામનારા પુલની કામગીરી માટેના આ પ્રોજેક્ટની કામગીરીનું સતત મોનિટરિંગ થાય તે સુનિશ્વીત કરવામાં આવ્યું છે. જેના કારણે સમગ્ર પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા જળવાઈ રહેશે. શાહપુર અને દાવલપુરાને જોડતા પેટલાદ બ્રાન્ચ કેનાલ પરના આ નવા પુલના નિર્માણથી આસપાસના ગ્રામીણ વિસ્તારોનો વાહનવ્યવહાર વધુ સુરક્ષિત, ઝડપી અને સરળ બનશે તેમજ વર્ષો જૂના બ્રિજથી ઉદ્દભવતી સુરક્ષા સંબંધી સમસ્યાઓનો કાયમી ઉકેલ આવશે.