Close

પેટલાદ તાલુકામાં ₹૪૧.૫૦ કરોડના ખર્ચે રસ્તાના કામો મંજૂર

Publish Date : 05/09/2026

આણંદ, ગુરૂવાર, નાણા રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલ દ્વારા રજુ કરવામાં આવેલ માંગણી મુજબ પેટલાદ તાલુકામાં  માર્ગ અને મકાન વિભાગના રાજ્ય પ્રભાગ હેઠળ ગ્રામીણ અને મુખ્ય માર્ગોના નવીનીકરણ તથા મજબૂતીકરણ માટે ₹૪૧.૫૦ કરોડના વિકાસકામોને મંજૂરી આપવામાં આવી છે. આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટથી વિસ્તારના વાહનવ્યવહારમાં સુધારો થશે અને સ્થાનિક નાગરિકો માટે મુસાફરી વધુ સુગમ અને સુરક્ષિત બનશે.

આ માર્ગ સુધારણા યોજના અંતર્ગત બે મુખ્ય રસ્તાઓ પર રીસરફેસિંગ અને સ્ટ્રેન્થનિંગની કામગીરી કરવામાં આવશે. જેમાં ૧૦.૨૦ કિલોમીટર લંબાઈ ધરાવતા પીપળાવ ચાંગા અને રામોલ રોડ માટે ₹૨૩.૫૦ કરોડ તથા ૪.૩૦ કિલોમીટર લંબાઈ ધરાવતા ભવાનીપુર સિંહોલ સંદેશર રોડ માટે ₹૧૮ કરોડની રકમ ફાળવવામાં આવી છે.

આ રસ્તાઓના નિર્માણથી પેટલાદ તાલુકાના ડેમોલ, ચાંગા, રામોલ, રંગાઈપુરા, ભવાનીપુરા, સિંહોલ તેમજ પેટલાદથી આણંદ તરફ જતા વિવિધ ગ્રામીણ વિસ્તારોના લોકોને સીધો લાભ મળશે.

આ મહત્વપૂર્ણ વિકાસકામો મંજૂર કરવા બદલ નાણા રાજ્ય મંત્રી શ્રી કમલેશ પટેલે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.